નવી દિલ્હી, તા.૨૯
મેન્ટોર ગાંગુલી અને કોચ પોન્ટિંગના માર્ગદર્શન હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમ આજે ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સના વિજય રથને અટકાવવાના ઈરાદા સાથે ઉતરશે. કોલકાતાએ શરૃઆતની બંને મેચોમાં ધમાકેદાર દેખાવ કરતાં જીત હાંસલ કરી હતી. જ્યારે દિલ્હીએ પ્રથમ મેચમાં પંતની ઝંઝાવાતી બેટીંગને સહારે મુંબઈને પછાડયું હતુ, પણ તેઓ ચેન્નાઈ સામે હારી ગયા હતા.
આવતીકાલે ફિરોઝ શાહ કોટલા મેદાન પર રાત્રે ૮.૦૦ વાગ્યાથી દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ શરૃ થશે.
કોલકાતાની જીતનો મદાર વિન્ડિઝના ઓલરાઉન્ડર એન્ડ્રે રસેલના જોરદાર ફોર્મ પર ટકેલો જોવા મળે છે. રસેલે જ કોલકાતાને સૌપ્રથમ મેચમાં હૈદરાબાદ સામે અને બીજી મેચમાં પંજાબ સામે જીતાડયું હતુ. હવે તેનું ફોર્મ ત્રીજી મેચમાં પણ જારી રહેશે છે કે નહિ તેના પર નજર રહેશે.
દિલ્હીની ટીમનો મદાર યુવા બેટ્સમેન રિષભ પંત પર રહેશે. જોકે શિખર ધવન, કેપ્ટન શ્રૈયસ ઐયર તેમજ કોલીન ઈન્ગ્રામ, પૃથ્વી શો, મુનરો જેવા બેટ્સમેનોએ જવાબદારી સાથે લાંબી ઈનિંગ રમવી પડશે. દિલ્હીની ટીમમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ છે, જે મેચનું પાસુ પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી કેપિટલ્સની બોલિંગનો મદાર અમિત મિશ્રાની સાથે ઈશાંત અને રબાડા તેમજ અક્ષર પટેલ અને કિમો પોલ પર રહેશે.
દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની કોલકાતાની ટીમમાં રસેલ અને નારાયણ જેવા વિન્ડિઝના ધરખમ ક્રિકેટરો છે. આ ઉપરાંત ક્રિસ લીન, રોબિન ઉથપ્પા, શુભમન ગીલ, બ્રાથવેઈટ, કુલદીપ યાદવ અને પિયુષ ચાવલા તેમજ લોકી ફર્ગ્યુસન જેવા ખેલાડીઓ પણ કોલકાતાની ટીમને જીતની રાહ પર અગ્રેસર કરવાની ક્ષમતા ધરાવે છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CIr6WI
via Latest Gujarati News
0 Comments