આજે ભારત અને સાઉથ કોરિયા વચ્ચે અઝલન શાહ કપની ફાઈનલ


ઈપોહ (મલેશિયા), તા.૨૯

ભારતીય હોકી ટીમે આખરી ગૂ્રપ મેચમાં પોલેન્ડને ૧૦-૦થી કચડીને આવતીકાલની સાઉથ કોરિયા સામેની ફાઈનલ માટે જોરદાર તૈયારી કરી લીધી હતી. સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત આઠમી વખત ફાઈનલ રમવા ઉતરશે, ત્યારે ટીમની નજર છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા તરફ રહેશે.

મલેશિયાના ઈપોહમાં રમાઈ રહેલી પ્રતિષ્ઠિત હોકી ટુર્નામેન્ટમાં ભારત અને સાઉથ કોરિયા વચ્ચેની ફાઈનલ ભારતીય સમય પ્રમાણે સાંજે ૬.૦૦ વાગ્યાથી શરૃ થશે. ભારત અગાઉ પાંચ વખત ટાઈટલ જીત્યું છે. જેમાંથી એક વખત ભારત સાઉથ કોરિયા સાથે સંયુક્ત રીતે વિજેતા બન્યું હતુ. 

પોલેન્ડ સામેની આખરી મેચમાં ભારતના આઠ ખેલાડીઓએ ગોલ સ્કોરર તરીકેનું ગૌરવ મેળવ્યુ હતુ. ભારત તરફથી મનદીપ સિંઘ અને વરૃણ કુમારે ૨-૨ ગોલ ફટકાર્યા હતા. જ્યારે વિવેક સાગર પ્રસાદ, સુમિત કુમાર, સુરેન્દર કુમાર, સિમરનજીત સિંઘ, નિલકાંત શર્મા અને અમીત રોહિદાસે એક-એક ગોલ ફટકાર્યા હતા. 

ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૭ ગોલ ફટકારવાનું ગૌરવ ભારતનો મનદીપ સિંઘને મળ્યું છે. અન્ય મુકાબલામાં સાઉથ કોરિયાએ ૪-૨થી જાપાનને હરાવ્યું હતુ. જ્યારે મલેશિયાએ ૩-૨થી કેનેડાના પરાસ્ત કર્યું હતુ. 

હવે આવતીકાલે ભારત અને સાઉથ કોરિયા વચ્ચે ફાઈનલ રમાશે, તે પહેલા મલેશિયા અને કેનેડા વચ્ચે બ્રોન્ઝ મેડલ મુકાબલો ખેલાશે. ભારત નવ વર્ષ બાદ ફાઈનલ રમશે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VaFLRP
via Latest Gujarati News

Post a Comment

0 Comments