અમ્પાયરની ભૂલ બેંગ્લોરને ભારે પડી, કોહલીએ મેચરેફરીને ખખડાવ્યો

બેંગાલુરુ, તા.૨૯

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનમાં વિવાદો અને છબરડા જારી રહેવા પામ્યા છે. મુંબઈએ ગુરૃવારે રાત્રે રમાયેલી મેચમાં બેંગ્લોરને આખરી બોલ પર છ રનથી પરાજય આપ્યો હતો. જોકે મલિંગાને નાંખેલી આખરી ઓવરના આખરી બોલ અંગે વિવાદ સર્જાયો હતો. બેંગ્લોરને જીતવા છેલ્લા બોલ પર ૭ રનની જરુર હતી અને મલિંગાએ નાંખેલા બોલ પર શિવમ દુબે રન લઈ શક્યો નહતો. મુંબઈના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત બન્યા હતા.  જોકે, આ દરમિયાનમાં જ સ્ટેડિયમની સ્ક્રિન પરના વિડિયો રિપ્લેમાં જોઈ શકાતું હતુ કે, મલિંગાનો આખરી બોલ ઓવરસ્ટેપ્ડ 'નો-બોલ' હતો અને અમ્પાયર રવિએ તે તરફ ધ્યાન આપ્યું નહતુ અને બેંગ્લોર હારી ગયું હતુ.

જો અમ્પાયરે તે બોલ નો-બોલ જાહેર કર્યો હોત તો બેંગ્લોરને એક રન મળે તેમ હતો. આ સાથે તેમને આખરી બોલ પર ૬ રનનો ટાર્ગેટ આવે અને એક ફ્રિહિટનો બોલ પણ મળે. આમ, રેફરીએ યોગ્ય નિર્ણય લીધો હોત તો બેંગ્લોરને ફ્રિ હિટમાં છ રન કરવાના આવત. અમ્પાયરના ગંભીર છબરડાથી બેંગ્લોરના કેપ્ટન કોહલીએ પિત્તો ગુમાવ્યો હતો. કોહલી અમ્પાયરોની સાથે ઉગ્ર ચર્ચા કરતો જોવા મળ્યો હતો, તે આ પછી મેચ રેફરીના રૃમમાં ધસી ગયો હતો અને આ અંગે ગુસ્સામાં મોટા અવાજે ખુલાસો માંગ્યો હતો. 

તમારાથી થાય તે કરી લો : કોહલીનો મેચ રેફરી સમક્ષ રોષ

ભારે રોષ અને નારાજગી સાથે કોહલી મેચ રેફરીના રૃમમાં ધસી ગયો હતો. ભારત અને બેંગ્લોરની ટીમના કેપ્ટન કોહલીએ ભારે રૃઆબની સાથે મેચ રેફરીને ખખડાવી નાંખ્યો હતો. એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, કોહલી ખુબ જ ગુસ્સે ભરાયો હતો અને તેણે મેચ રેફરીને અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા. વિશ્વસનીય સૂત્રો એમ પણ જણાવે છે કે, કોહલીએ મેચ રેફરીને એમ પણ કહી દીધું હતુ કે, જો તમે મારી સામે આચારસંહિતના ભંગનો આરોપ મૂકીને કાર્યવાહી કરશો તો તેની પણ મને પરવા નથી. 

અમ્પાયરોએ આંખો ખુલ્લી રાખવી જોઈએ : કોહલી

અમ્પાયરના છબરડાને કારણે આખરી બોલ પર મુંબઈ સામે હાર્યા બાદ બેંગ્લોરનો કેપ્ટન કોહલી ભારે અપસેટ જોવા મળી રહ્યો હતો. કોહલીએ મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે આઇપીએલ સ્તરની ટુર્નામેન્ટ રમી રહ્યા છીએ, નહિ કે કોઈ કલબ કક્ષાની ટુર્નામેન્ટમાં. આખરી બોલ પર અમ્પાયરનો આ પ્રકારનો નિર્ણય મૂર્ખતાપૂર્ણ કહેવાય. અમ્પાયરોએ તેમની આંખો ખુલ્લી રાખવી જોઈએ. તે નો-બોલ હતો અને બોલરનો પગ ક્રિઝથી એક ઈંચ બહાર હતો. જો અમ્પાયરે યોગ્ય નિર્ણય કર્યો હોત તો તેનાથી મેચનું પાસું જ પલ્ટાઈ જાત. અમ્પાયરોએ વધુ સાવધ રહેવાની સાથે તેમના નિર્ણયોને વધુ ચોક્કસ બનાવવા જોઈએ. 

આ પ્રકારની ભૂલ ક્રિકેટ માટે સારી ન કહેવાય : રોહિત

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પણ અમ્પાયરના છબરડાની ટીકા કરતાં કહ્યું હતુ કે, આ પ્રકારની ભૂલ ક્રિકેટ માટે સારી ન કહેવાય. તે ઓવર અગાઉની ઓવરમાં બુમરાહે નાંખેલો બોલ વાઈડબોલ નહતો, છતાં અમ્પાયરે તેને વાઈડબોલ જાહેર કર્યો હતો. આવી ઘટનાઓ ઘણી વખત મેચનું પાસુ પલ્ટી નાંખતી હોય છે. ટીવી અમ્પાયર પણ મેદાન પરના અમ્પાયરોની મદદમાં હોય છે. આ મામલે ખેલાડીઓ કંઈ કરી શકતાં નથી. જીતવા છતાં આ ઘટના મારા માટે નિરાશાજનક રહી.આવી ઘટના અંગેનો કોઈ ઉકેલી બોર્ડે શોધી કાઢવો જોઈએ. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CJKPoZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments