ઈન્ડિયન ઓપન : સિંધુ, શ્રીકાંત અને કશ્યપે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

નવી દિલ્હી, તા.૨૯

ભારતની પુરાર્લા વેંકટા સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં અને કિદામ્બી શ્રીકાંત તેમજ પારુપાલી કશ્યપે મેન્સ સિંગલ્સમાં વિજયી આગેકૂચ જારી રાખતાં ઈન્ડિયન ઓપનની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ૩.૫૦ લાખની ઈનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટ જીતવા માટે મેન્સ અને વિમેન્સ સિંગલ્સમાં ભારતના ત્રણ ખેલાડીઓ રેસમાં છે. 

રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલીસ્ટ બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ ડેનમાર્કની મિઆ બ્લીચફેલ્ડને ૨૧-૧૯, ૨૨-૨૦થી હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો.

મેન્સ સિંગલ્સમાં ભારતના ટોચના ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ક્વાર્ટર ફાઈનલમા હમવતન ખેલાડી સાઈ પ્રણિતને ત્રણ ગેમના જોરદાર સંઘર્ષ બાદ ૨૧-૨૩, ૨૧-૧૧, ૨૧-૧૯થી પરાસ્ત કર્યો હતો. આ મુકાબલો ૬૨ મિનિટ સુધી ચાલ્યો હતો. જ્યારે પારુપાલી કશ્યપે ચાઈનીઝ તાઈપેઈના વાંગ ત્ઝુ વેઈ સામે ૨૧-૬, ૨૧-૧૧થી જીત હાંસલ કરી હતી. કશ્યપ આ સાથે છેલ્લા ચાર વર્ષમાં પહેલી વખત બેંડમિંટનની એલિટ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો.

હવે કશ્યપની ટક્કર ડેનમાર્કના એક્ષેલ્સેન સામે થશે. જ્યારે કિદામ્બી શ્રીકાંત ચીનના યુક્ષિએંગ સામે ટકરાશે. બીજો સીડ ધરાવતા એક્ષેલ્સેને ભારતના એચ.એસ. પ્રનોયને ક્વાર્ટર ફાઈનલમાં ૨૧-૧૦, ૨૧-૧૬થી હરાવ્યો હતો. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OCZtTK
via Latest Gujarati News

Post a Comment

0 Comments