લોકસભા ચૂંટણી અગાઉ શંકાસ્પદ રૂ.540 કરોડની રોકડ, દારૂ અને કેફી દ્રવ્યો ઝડપાયા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણીમાં મતદાન અગાઉ મતદારોને લાંચરૂપે વહેંચવા માટે જેનો દુરૂપયોગ થવાની શંકા છે એવા કુલ રૂા.૫૪૦ કરોડની કિંમતની રોકડ અને ગેરકાયદે દારૂ દેશભરમાંથી ઝડપી લેવાયા છે.

દેશના વિવિધ રાજયોની ધરતી પરથી ઝડપાયેલી આ ગેરકાયદે સામગ્રીની વિગતો આ પ્રમાણે છે. : ગેરકાયદે સૌથી વધુ રૂા.૧૦૭.૨૪ કરોડનો જથ્થો તમિલનાડુમાંથી ઝડપાયો છે. ઉત્તરપ્રદેશમાંથી રૂા.૧૦૪.૫૩ કરોડ, આંધ્રપ્રદેશમાંથી ૧૦૩.૪ કરોડ, જ્યારે પંજાબમાંથી રૂા.૯૨.૮ કરોડનો નાણાં, દારૂ અને ડ્રગનો ગેરકાયદે જથ્થો ઝડપાયો છે.

કર્ણાટક - રૂા.૨૬.૫૩ કરોડ, મહારાષ્ટ્ર- રૂા.૧૯.૧૧ કરોડ, જ્યારે તેલંગાણામાં રૂા.૮.૨ કરોડના નાણાં શરાબ અને નશીલા દ્રવ્યોનો ગેરકાયદે જથ્થો ઝડપાયો હતો. ચૂંટણી પંચે કહ્યું કે જપ્ત કરાયેલા માલસામાનનું કુલ મૂલ્યાંક રૂા.૫૩૯.૯૯ જેટલું થાય છે.

ચૂંટણી પંચે ગઇ તા.૧૦ માર્ચે ચૂંટણી આયોજન વિષે ઘોષણા કરી હતી. જ્યારે ગઇકાલ સુધી રૂા.૧૪૩.૩૭ કરોડની શંકાસ્પદ રોકડ, રૂા.૮૯.૬૪ કરોડનો શરાબ, રૂા.૧૩૧.૭૫ કરોડના કેફી દ્રવ્યો, રૂા.૧૬૨.૯૩ કરોડની સોના સહિતની મૂલ્યવાન ધાતુઓ તેમજ રૂા.૧૨.૨૦ કરોડની કિંમતની અન્ય ચીજવસ્તુઓને ઝડપી લેવાઇ હતી. 

ચૂંટણી પંચે દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીના આયોજન માટે કાળા નાણા અને અન્ય ગેરકાયદે વસ્તુઓની હેરાફેરીને રોકવા માટે સેંકડો સામાન્ય નીરિક્ષકો પક્ષો અને ઉમેદવારો દ્વારા થનારા ખર્ચ પર નજર રાખવા માટે નિરીક્ષકો તેમજ સ્થિર અને મોબાઇલ જાસૂસી ટુકડીઓને સક્રિય બનાવ્યા છે. આગામી તા.૧૧ એપ્રિલથી જે માટેના મતદાનનો આરંભ થશે એ સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીનું પરિણામ તા.૨૩ મે એ આવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQS7dO
via Latest Gujarati News

Post a Comment

0 Comments