અરૂણાચલમાં ચૂંટણી આયોજન માટે અધિકારીઓ 13,583 ફીટ ચઢ્યા


લુગુથાન્ગ-મુકતો, તા.13 એપ્રિલ, 2019, શનિવાર

ચૂંટણી પંચના અધિકારીઓએ અરૃણાચલના થોડાક મતદારો પણ મતાધિકારથી વંચિત ના રહી જાય એ માટે, ત્યાંના મુકતો વિધાનસભા મતવિસ્તારના લુગુથાન્ગ ગામે પહોંચવા માટે મુશ્કેલીઓ વેઠીને ૧૩,૫૮૩ ફીટની ઊંચાઇ સર કરી હતી.

અરૃણાચલમાં વિધાનસભાની ૬૦, જ્યારે લોકસભાની બે બેઠકો માટે ગઇ તા.૧૧ એપ્રિલે સાથે ચૂંટણી યોજાઇ હતી. મતગણતરી આગામી તા.૨૩ મેએ થશે. ''ચૂંટણીના આયોજન સાથે સંકળાયેલા ચૂંટણીપંચના વિવિધ કર્મચારીઓ, ૧૩,૫૮૩ ફીટની ઊંચાઇએ આવેલા લુગુથાન્ગ-મુકતો વિધાનસભા મતવિસ્તારમાં પહોંચવા માટે જે કોઇ અવરોધો હોય તે બધા જ વળોટી જાય છે અને મતદારો સુધી પહોંચીને રહે છે, એમ ચૂંટણી પંચના પ્રવકતા શેફાલી શરને આજે ટ્વીટ કર્યું હતું.

દેશની ૧૭મી લોકસભા માટે તા.૧૧ એપ્રિલથી તા.૧૯ મે સુધીનું ચૂંટણી આયોજન હાલમાં થઇ રહ્યું છે ત્યારે અધિકારીઓ અને સલામતી જૂથના કર્મચારીઓ દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ મતદાન કેન્દ્રો ઊભા કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. અરૃણાચલ પ્રદેશની દુર્ગમ જગ્યાઓએ આવેલા કેટલાક મતદાન મથકોએ પહોંચતા તો બે દિવસ લાગ્યા હતા.

એકાંત સ્થળોએ આવેલા મતદાન મથકોએ જેમને ફરજ સોંપાઇ હતી એવા કેટલાક ચૂંટણી અધિકારીઓને હવાઇ પ્રવાસ દ્વારા ફરજના સ્થળોએ પહોંચાડાયા હતા.

રાજ્યના ૭,૯૮,૨૪૯ મતદારો માટે ૨૨૦૨ મતદાન મથકો ઉભા કરાયા હતા. ચૂંટણી પંચે, આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં મતદારોને વધુ સેવા પૂરી પાડવા માટે કેટલાક પગલા લીધા હતા. પ્રિન્ટ, ઇલેકટ્રોનિક, સોશ્યલ અને અન્ય મીડિયા દ્વારા કરાયેલી મતદાન જાગૃતિ ઝુંબેશ પ્રત્યે પણ પૂરતું ધ્યાન અપાયું હતું.

ચૂંટણીપંચના અધિકારીઓના જણાવ્યાનુસાર અરૃણાચલ પ્રદેશમાં ગઇ તા.૧૧ એપ્રિલે વિધાનસભા અને લોકસભાની એક સાથે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૭.૯૮ લાખ મતદારો પૈકી અંદાજે ૬૬ ટકા મતદારોએ એમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આને લગતા ચોક્કસ આંકડા, પંચ દ્વારા હવે પૂરા પડાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P7wYh2
via Latest Gujarati News

Post a Comment

0 Comments