વ્યાજ દરમાં હવે વધુ ઘટાડો નહીં કરવા રિઝર્વ બેંકને IMFની ગર્ભિત સલાહ

નવી દિલ્હી, તા. 13 એપ્રિલ, 2019, શનિવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હવે વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવો ન જોઈએ એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ જો સમાપ્ત નહીં થાય તો જુન બાદ નાણાંકીય બજારમાં અનપેક્ષિત ભૂકંપ આવી શકે છે માટે આરબીઆઈએ હાલમાં સ્થિતિને પકડી રાખવી જોઈએ એવી પણ ફન્ડ દ્વારા સલાહ આપવામાં આવી છે.

ક્રુડ તેલના ભાવમાં વધારો અને અમેરિકામાં સ્થિતિ સામાન્ય બનવા લાગતા ગયા વર્ષે ભારત સહિત એશિયા વિસ્તારના દેશોના ચલણ પર આવેલા દબાણની સ્થિતિમાં આ દેશોએ નાણાંકીય બજારની અનિશ્ચિતતાને જે રીતે લડત આપી હતી તેની આઈએમએફ દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી છે. નાણાં પર દબાણનું જોખમ જો કે હવે ઘણું જ ઘટી ગયું છે. 

અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર સહમતિ નહીં સધાય અને ટેરિફમાં જો વધારો થતો રહેશે તો વેપાર વોલ્યુમ પર તેની ગંભીર અસર પડશે જે વિશ્વ માટે ચિંતાનો વિષય બની રહેશે એમ આઈએમએફના એશિયા તથા પેસિફિક વિભાગના ડાયરેકટરે  પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું. 

હાલનું વાતાવરણ વિકાસ માટે અને નાણાંકીય સ્થિરતા માટે ઘણો જ અવકાશ પૂરું પાડતું હોવા છતાં ઘટાડા તરફી જોખમ રહેલું છે અને તે હાલમાં ઊંચુ છે એમ તેમણે ઉમેર્યું હતું. 

ભારતની વાત કરીએ તો તે વચગાળાના બજેટમાં ફરી એક વખત રાજકોષિય શિસ્તતાનો ટાર્ગેટ ચૂકી ગયું છે અને આ અગાઉ જ ઉપરાઉપરી બે રેટ કટ આવી ગયા છે માટે તેણે હવે દર સ્થિર રાખવાની આવશ્યકતા છે. વ્યાજ દરમાં બે વખત કપાત યોગ્ય હતા. પરંતુ હાલના તબક્કે રાજકોષિય પ્રોત્સાહનો સાથે વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવાનો અવકાશ રહ્યો નહીં હોવાનું જણાય છે. 

ભારતે વ્યાજ દરના નિર્ણયને વૈશ્વિક પરીપેક્ષમાં જોવાનો રહે છે. આરબીઆઈના ગવર્નર તરીકે નિમાયા બાદ શક્તિકાંતા દાસે તેમની આગેવાની  હેઠળની બે બેઠકમાં ઉપરાઉપરી બે વખત પા-પા ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઈનો રેપો રેટ હાલમાં ૬ ટકા છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UZbSXu
via Latest Gujarati News

Post a Comment

0 Comments