નવી દિલ્હી, તા. 13 એપ્રિલ, 2019, શનિવાર
પૂરા થયેલા નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ભારત સ્ટીલનો નેટ આયાતકાર દેશ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત આ સ્થિતિ જોવાઈ છે. વૈશ્વિક બજારમાં ભારતના સ્ટીલની માગમાં ઘટાડો અને ઘરઆંગણે ઊંચી ગુણવત્તાના સ્ટીલની માગ વધતા ભારતની સ્ટીલ આયાત વધી છે એમ સ્ટીલ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
ગયા નાણાં વર્ષમાં દેશની ફિનિશ્ડ સ્ટીલની નિકાસ ૩૪ ટકા ઘટીને ૬૩.૬૦ લાખ ટન રહી હતી, આજ ગાળામાં ફિનિશ્ડ સ્ટીલની આયાત ૭.૪૦ ટકા વધીને ૭૮.૪૦ લાખ ટન રહી હતી.
ટેરિફ તથા સંરક્ષણવાદની નીતિને કારણે અમેરિકા તથા યુરોપની બજારમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા ખાતેથી સ્ટીલની નિકાસ અટકી પડતા અને ભારતની પશ્ચિમ એશિયા અને આફ્રિકાની બજારમાં તેમણે પ્રવેશ કરતા આપણી સ્ટીલની નિકાસ પર ફટકો પડયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
એશિયાના દેશો ખાતેથી ભારતમાં આયાતમાં વધારો થયો હતો કારણ કે તેમણે પોતાનો સ્ટીલ પૂરવઠો અહીં વાળ્યો હતો. ઓટો ક્ષેત્ર તથા ઈલેકટ્રીકલ સ્ટીલની ભારતમાં સૌથી વધુ આયાત થાય છે. ઘરેલું સ્ટીલ ઉત્પાદકોને ટેકો પૂરો પાડવા આયાતી સ્ટીલ પરની નિર્ભરતા ઘટાડવા ભારત સરકાર દ્વારા ઓટો ક્ષેત્રને વિનંતી કરાઈ હતી પરંતુ ઘરેલું સ્ટીલ ઉત્પાદકો દ્વારા કવોલિટી સ્ટીલ પૂરું નહીં પડાતા ઓટો ક્ષેત્ર દ્વારા આયાત ચાલુ રહી છે, એવો દાવો કરાઈ રહ્યો છે.
આ હકીકતને ધ્યાનમાં રાખી ભારતની સ્ટીલ કંપનીઓએ સ્ટીલની આયાત પર ઊંચી ડયૂટી લાગુ કરવા સરકાર સમક્ષ માગણી કરી છે. સ્ટેનલેસ સ્ટીલની આયાત પણ વધી રહી હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.૨૦૧૭માં ભારત દ્વારા લાગુ કરાયેલા વધારાના ઈમ્પોર્ટ ટેકસને ટાળવા ચીન ઈન્ડોનેશિયા મારફત ભારતમાં સ્ટેનલેસ સ્ટીલ ઘુસાડી રહ્યું હોવાનો પણ દાવો કરાયો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KAMuUd
via Latest Gujarati News
0 Comments