
(પીટીઆઇ) ઉન્નાઓ (યુ.પી.), તા.13 એપ્રિલ, 2019, શનિવાર
ઉત્તરપ્રદેશમાં ઉન્નાઓના ભાજપ સાંસદ અને વર્તમાન ઉમેદવાર સાક્ષી મહારાજે લોકોને ચેતવતા કહ્યું કે જો તમે મને તમારો મત નહિ આપો તો તમારે દૈવી રોષનો સામનો કરવો પડશે. આથી પોલીસે આ સાધુ-કમ-રાજકારણી સામે પ્રથમ દર્શી ગુન્હો નોંધ્યો છે.
જો તમે ખાતરી પૂર્વક મને ચૂંટશો તો હું તમારાં માટે કામ કરીશ, નહિ તો મંદિરમાં ભજન- કીર્તન કરજો, એમ સાક્ષી મહારાજે સિહરામાઉ વિસ્તારમાં આવેલા શેષપુર ખાતે ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું.
હું એક સન્યાસી છું. જ્યારે સન્યાસી તમારાં બારણે આવે છે અને ભિક્ષા માગે છે અને જો ઘરમાલિક એના પ્રત્યે ધ્યાન આપતા નથી તો સન્યાસી ઘરની બધી ખુશીઓને લઇ જાય છે અને પોતાના પાપનો બોજ એ કુટુંબ પર નાખે છે, એમ સાક્ષી મહારાજે ઉમેર્યું.
હું આ વાત પવિત્ર પુસ્તકોમાંથી જણાવી રહ્યો છું. હું તમારી પાસે પૈસા કે જમીન નથી માગતો. હું અહીં મત માગવા આવ્યો છું કે જેનાથી ભારતીયોનું ભાવિ બદલાશે, એમ એમણે કહ્યું.
શહેરના મેજિસ્ટ્રેટ રાકેશકુમાર ગુપ્તાએ સાક્ષી મહારાજની આ વિવાદાસ્પદ ટિપ્પણીની ગંભીર નોંધ લઇને એમની સામે સિહરામાઉ પોલીસ મથકમાં આઇપીસીની કલમ-૧૭૧ સી (ચૂંટણી પર ગેરવ્યાજબી પ્રભાવ પાડવાનો પ્રયાસ) તેમજ લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૧ ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. ઉન્નાઓમાં ચોથા તબક્કામાં આગામી તા.૨૯ એપ્રિલે મતદાન થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xd4WUh
via Latest Gujarati News
0 Comments