(પીટીઆઈ) નવદિલ્હી, તા.13 એપ્રિલ, 2019, શનિવાર

નમો ટીવી માટે રેકોર્ડ કરાયેલા બધા કાર્યક્રમો માટે અગાઉથી પ્રમાણપત્ર લઈ લેવા ચૂંટણી પંચે નિર્દેશ આપ્યો એના એક દિવસ પછી દિલ્હીના ચૂંટણી તંત્રે કોઈપણ પ્રોગ્રામને પ્રમાણપત્ર વિના પ્રસારિત નહિ કરવા ભાજપને જણાવ્યું છે.

ચૂંટણી પંચે ગુરૃવારે જણાવ્યું હતું કે નમો ટીવી પરના પ્રોગ્રામ ભાજપ દ્વારા સ્પોન્સર્ડ હોવાથી એના પરથી રજૂ થતા, રેકોર્ડ કરાયેલા બધા પ્રોગ્રામ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી ઓફ દિલ્હી દ્વારા અગાઉથી પ્રમાણિત કરાયેલા હોવા જોઇએ. આવા પ્રમાણપત્ર વિનાની બધી રાજકીય પ્રચાર સામગ્રીને તાત્કાલિક દૂર કરવામાં આવે.

ચૂંટણી પંચની આવી સૂચના પછી દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ભાજપને મંજૂર નહિ કરાવાયેલી બધી રાજકીય સામગ્રીને રજૂઆતમાંથી કાઢી નાખવામાં આવી હોવાની ખાતરી કરવા જણાવ્યું હતું.

સાવચેતીના પગલારૃપે બે અધિકારીઓને નમો ટીવી જોવા અને એના પર આવતી રજૂઆતનું ધ્યાન રાખવા માટે બેસાડવામાં આવ્યા છે, એમ અધિકારીએ કહ્યું. કોંગ્રેસે ચૂંટણી પંચને નમો ટીવી દ્વારા ખલેલ પહોંચાડાતી હોવાની ફરિયાદ કરતા, પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને એ મુદ્દે અહેવાલ આપવા માટે જણાવ્યું હતું.

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ નમો ટીવીના પ્રતીકને મંજૂર કર્યું છે. ભાજપે એને પોતાની નમો એપના ભાગરૃપ ગણાવ્યો હતો. જો કે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના ભાષણોને સમાવતી સામગ્રીને પ્રમાણિત કરી નહોતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IhuOea
via Latest Gujarati News