નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
વિતેલા ૨૦૧૮- ૧૯ના નાણાંકીય વર્ષ દરમિયાન દેશના ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં અગાઉના નાણાં વર્ષની તુલનામાં ૪ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે કુદરતી ગેસનું ઉત્પાદન નજીવું વધ્યું હતું.
આજે જાહેર થયેલા આંકડા મુજબ ૨૦૧૮-૧૯માં ક્રૂડનું કુલ ૩૪.૨ મિલિયન ટન ઉત્પાદન થયું હતું. જે ૨૦૧૭-૧૮ દરમિયાન ૩૫.૬૮ મિલિયન ટન હતું. આમ, ક્રૂડના ઉત્પાદનમાં ૪.૧૫ ટકાનો ઘટાડો થયો હતો.
બીજી તરફ ગત નાણાંકીય વર્ષે દેશમાં કુદરતી ગેસનું સંયુક્ત ઉત્પાદન ૩૨૮૭૩.૩૭ મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર રહ્યું હતું. જે ગત ૨૦૧૭- ૧૮ના નાણાં વર્ષે ૩૨૬૪૯.૩૧ મીલીયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર રહ્યું હતું. આમ, કુદરતી ગેસના ઉત્પાદનમાં ૦.૬૯ ટકાનો વધારો થયો હતો.
સૂચિત સમય દરમિયાન રીફાઇનરી પ્રોડક્શન ગત નાણાં વર્ષની તુલનાએ ૨.૦૯ ટકા વધીને ૨૫૭૨૦૪.૮૬ ટીએમટી રહ્યું હતું. જ્યારે સીપીએસઇ રીફાઇનરી ઉત્પાદન ૩.૯૫ ટકા વધીને ૧૫૦૯૭૫.૬૬ ટીએમટી રહ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સરકાર દ્વારા ઘરઆંગણાના ક્રૂડના ઉત્પાદન વધારીને ૨૦૨૨ સુધીમાં ક્રૂડ ઓઇલની આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાની યોજના બનાવાઈ છે. આમ, ઘરઆંગણે ક્રૂડનું ઉત્પાદન ઘટના સરકારની આ યોજનાને એક આંચકો આવ્યો છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vt104C
via Latest Gujarati News
0 Comments