મુંબઇ, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ (આઈએલએન્ડએફએસ)માં રહેલા એકસપોઝર અને તે પેટે કરાયેલી જોગવાઈની વિગતો જાહેર કરવા રિઝર્વ બેન્કે નાણાં સંસ્થાઓ તથા બેન્કોને સૂચના આપી છે. આઈએલએન્ડએફએસને પૂરી પડાયેલી લોન્સ જે એનપીએમાં રૂપાંતર થઈ છે તેની માહિતી પૂરી પાડવા સૂચના આપવામાં આવી હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
આઈએલએન્ડએફએસ તથા કંપની બાબતોના મંત્રાલયના કેસમાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલે અગાઉ જણાવ્યું હતું કે, કોઈ નાણાં સંસ્થા આઈએલએન્ડએફએસના કોઈપણ ખાતાને ટ્રીબ્યુનલની પરવાનગી વગર એનપીએ જાહેર કરી શકશે નહીં.
જો કે રિઝર્વ બેન્કે આ સંદર્ભમાં ટ્રીબ્યુનલને વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે બેન્કોએ, આઈએલએન્ડએફએસ અને તેની જુથ કંપનીઓ દ્વારા જે ડિફોલ્ટ થયા છે તે રકમ, પોતાના ચોપડામાં એનપીએ તરીકે જાહેર કરવાની રહે છે.
એસેટ-લાયાબિલિટીના મિસમેચને કારણે આઈએલએન્ડએફએસની જુથ કંપનીઓ નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળાથી જ ડિફોલ્ટ થવાની શરૂ થઈ હતી. જુથ કંપનીઓના કેશ ફલોઝ કરતા તેમણે ચૂકવવાની રહેતી રકમના આંક ઘણાં જ ઊંચા રહેતા હતા.
આ ડિફોલ્ટસને કારણે બજારમાં લિક્વિડિટી ખેંચ ઊભી થઈ હતી અને નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પર પ્રતિકૂળ અસર પડી હતી. આ જુથની કંપનીઓ પર કુલ રૂપિયા ૯૪૦૦૦ કરોડનું દેવું છે.
રૂપિયા ૯૪૦૦૦ કરોડમાંથી જાહેર ક્ષેત્રની બેન્કોનો ધિરાણ આંક રૂપિયા ૩૫૩૮૨ કરોડ રહ્યો છે. બાકી રૂપિયા ૨૫૭૬૭ કરોડની રકમ રોકાણકારો દ્વારા એનસીડીમાં રોકવામાં આવી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LhReyv
via Latest Gujarati News
0 Comments