(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 07 એપ્રિલ, 2019, શનિવાર
લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની થઈ રહેલી તડામાર તૈયારીમાં સત્તા પક્ષો અને વિરોધ પક્ષો વચ્ચે પ્રચાર યુદ્વની સાથે સાથે ભારતીય શેર બજારોમાં પણ ગત સપ્તાહમાં શેરોમાં ઉછાળે ફોરેન ફંડો હવે સાવચેત બન્યા છે. ચૂંટણીના દિવસો નજીક આવતાંની સાથે સાથે ફોરેન ફંડોની શેરોમાં ઉછાળે વેચવાલી નીકળ્યા સામે સ્થાનિક ફંડોને તેજીને ટકાવી રાખવાની જાણે કે જવાબદારી સોંપવામાં આવી હોય એમ છેલ્લા દિવસોમાં સ્થાનિક ફંડો ખરીદદાર તો ફોરેન ફંડો વેચવાલ બન્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહમાં આર્થિક વિકાસને વેગ આપવા રેપો રેટમાં અપેક્ષિત ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને બજારના સેન્ટીમેન્ટને ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો, પરંતું આ ઘટાડો અસરહીન નીવડીને એ દિવસે શેરોમાં તેજીનો વેપાર હળવા થતો જોવાયો હતો. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઈન્સોલવન્સી મામલે સર્કયુલરને સુપ્રિમ કોર્ટે ફગાવી દેતાં એની અવળી અસર બેંકિંગ શેરો સાથે બજાર પર જોવાઈ હતી. આ સાથે હવે ચૂંટણીમાં કોનું પલડું ભારે રહેશે અને કોને માત મળશે એ ચિત્ર અગાઉ સ્પષ્ટ બહુમતી સાથે ફરી સ્થિર સરકારમાંથી હવે સ્પષ્ટ બહુમતી કોઈ પક્ષને નહીં મળવાની અને આ સંજોગોમાં જોડતોડ સાથે અસ્થિર સરકારના નિર્માણની શકયતા તરફ સંકેતો મળતાં ફંડોએ પણ શેરોમાં ઉછાળે સાવચેતી બતાવી છે. જે જોતાં આગામી સપ્તાહમાં પણ સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ બે-તરફી ફંગોળાતી ચાલ જોવાય એવી શકયતા છે.
ચૂંટણીના ઘમાસાન સાથે કોર્પોરેટ પરિણામોની શરૂ થનારી સિઝનમાં ઈન્ફોસીસ અને ટીસીએસના રિઝલ્ટ પર નજર
આગામી સપ્તાહમાં ૧૧,એપ્રિલ ૨૦૧૯થી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણીના ઘમાસાની સાથે જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ વર્ષના કોર્પોરેટ પરિણામોની હવે આગામી સપ્તાહથી શરૂ થઈ રહેલી સિઝન પર નજર રહેશે. કંપનીઓની કામગીરી આ વખતે પડકારરૂપ સમયમાં કેવી રહેશે એની અનિશ્ચિતતા વચ્ચે બજાર પણ સ્ટોક સ્પેસિફિક બની જવાની સંભાવના છે. આગામી સપ્તાહમાં શુક્રવારે ૧૨,એપ્રિલ ૨૦૧૯ના ઈન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ-ટીસીએસના જાહેર થનારા પરિણામો પર બજારની નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં ફેબુ્રઆરી ૨૦૧૯ મહિનાની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના આંકડા અને આ જ દિવસે ફુગાવાના માર્ચ ૨૦૧૯ મહિનાના જાહેર થનારા આંકડા પર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ ફરી વધીને પાંચ મહિનાની ઊચી સપાટીએ બ્રેન્ટ ક્રુડ ૭૦ ડોલરની સપાટી કુદાવી ગયું હોઈ ક્રુડના ભાવ પર નજર તેમ જ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યની વધઘટ પર નજર રહેશે. આ સાથે અમેરિકા-ચાઈના ટ્રેડ વાટાઘાટ અને ચાઈનાના ટ્રેડ આંકડા અને ફુગાવાના આંક તેમ જ યુરોપમાં બ્રેક્ઝિટ મામલે ઈયુમાંથી નીકળી જવાની બ્રિટનની વધારેલી ૧૨,એપ્રિલ મુદત પર નજર રહેશે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૯૨૫૫ થી ૩૮૪૪૪ અને નિફટી ૧૧૭૭૭ થી ૧૧૫૫૫ વચ્ચે અથડાવાની સંભાવના રહેશે.
ડાર્ક હોર્સ : BSE LTD.
એનએસઈ(BSE) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, વર્ષ ૧૮૭૫માં સ્થાપિત એશીયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ અને રોકાણકારો, ઈન્ટરમીડિયરીઝ તેમ જ જનરલ પબ્લિકમાંઉચ્ચ સ્તરની પ્રતિષ્ઠતા ધરાવવા સાથે ભારતમાં સૌથી પ્રચલિત બ્રાન્ડ નામોમાં એક બીએસઈ લિમિટેડ(BSE LTD.) ભારત સ્થિત સ્ટોક એક્સચેન્જ કંપની છે. જે ઈક્વિટી, ડેટ ઈન્સ્ટ્રુમેન્ટસ, ડેરિવેટીવ્ઝ અને મ્યુચ્યુઅલ ફંડોમાં ટ્રેડીંગ માટે પારદર્શક બજાર પૂરું પાડે છે.મૂડી બજારના વિવિધ સહભાગીઓ-પાર્ટિસિપન્ટસને બીએસઈ વિવિધ સર્વિસિઝ જેમ કે રિસ્ક મેનેજમેન્ટ, ક્લિયરીંગ, સેટલમેન્ટ, માર્કેટ ડાટા સર્વિસિઝ અને એડયુકેશન સહિતની સર્વિસિઝ પૂરી પાડે છે.
એશીયાનું સૌથી જૂનું એક્સચેન્જ :
વિશ્વમાં સંખ્યાની રીતે સૌથી વધુ લિસ્ટેડ સિક્યુરિટીઝ ધરાવતાં એશીયાના વર્ષ ૧૮૭૫થી અસ્તિત્વ ધરાવતું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. અલબત ભારતીય પરિપેક્ષ્યમાં એનેએસઈ ઈક્વિટીઝમાં ઈજારાશાહી ડેરિવેટીવ્ઝ બજાર હિસ્સા અને કેશમાં ૮૫ ટકાથી વધુ સાથે લીડર છે. જેના પરિણામે બીએસઈ નવા મેનેજમેન્ટ હેઠળ પરિવર્તિત થવા સાથે જૂના સેગ્મેન્ટસમાં આકર્ષક પ્રાઈસીંગ થકી પોતાના હાથ અજમાવી નવા ક્ષેત્રોમાં રેસમાં સક્રિયતા સાથે અગ્રેસર રહી શકી છે. કેશ અને ડેરિવેટીવ્ઝ ઈક્વિટીઝમાં નજીવો પ્રોગ્રેસ કર્યો છે, પરંતુ એક્સચેન્જ નવા ક્ષેત્રો જેવા કે કરન્સી, ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટીવ્ઝ, મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ, એસએમઈ પ્લેટફોર્મ, નવા બોન્ડના બજાર અને ગિફ્ટ સિટીમાં આકર્ષક આરંભિક સારો પ્રોગ્રેસ કર્યો છે. અલબત આ ક્ષેત્રોનો અત્યારે નજીવો હિસ્સો રહ્યો છે, પરંતુ જ્યારે તેના વિકાસ સાથે સારી તકો જોતા નોંધનીય મૂલ્ય નિર્માણ અને આવકમાં ઉમેરો થવાની અપેક્ષા છે.
સબસીડિયરીઓ :
બીએસઈની સબસીડિયરીઓમાં માર્કેટપ્લેસ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ ઈન્ડિયા લિમિટેડ(સીડીએસએલ), ઈન્ડિયન ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ(આઈસીસીએલ) અને સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડનો સમાવેશ છે. આ ઉપરાંત બીએસઈ સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈસીઝની ઈક્વિટીઝમાં ટ્રેડીંગ માટે પણ પ્લેટફોર્મ ધરાવે છે. બીએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેક્ષ એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્સ એ ૩૦ બીએસઈ લિસ્ટેડ લાર્જ, સુસ્થાપિત અને નાણાકીય રીતે મજબૂત કંપનીઓ ભારતીય અર્થતંત્રના પ્રમુખ ઉદ્યોગ ક્ષેત્રોની કંપનીઓ પર આધારિત ઈન્ડેક્સ ધરાવે છે. જે ભારતીય ફાઈનાન્શિયલ માર્કેટ માટે પ્રાઈમરી ગ્લોબલ બેરોમીટર ગણાય છે અને તેની તુલના અન્ય વૈશ્વિક ઈન્ડેક્સો જેવા કે એસ એન્ડ પી ૫૦૦, ધ ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ, ફુત્સી ૧૦૦, ડેક્ષ અને હેંગસેંગ ઈન્ડેક્સ સાથે થાય છે. વર્ષ ૧૯૮૬ના પ્રથમ તેની રચના થવા બાદ સેન્સેક્સ બજારનું બેરોમીટર બન્યો છે.
સૌથી વધુ કંપનીઓનું લિસ્ટિંગ :
વૈશ્વિક બજારોમાં બીએસઈમાં સૌથી વધુ ૫૦૬૬ કંપનીઓનું લિસ્ટિંગ છે. કરન્સી ઓપ્શન્સમાં વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં કોન્ટ્રેકટસ ૫૬ કરોડનું ટ્રેડીંગ થાય છે અને કરન્સી ફયુચર્સમાં પણ વિશ્વમાં ત્રીજું સૌથી વધુ ૪૫.૫ કરોડ કોન્ટ્રેકટસનું ટ્રેડીંગ થયું છે. ઈલેક્ટ્રોનિક બુક ટ્રેડસમાં બીએસઈ વિશ્વમાં ૩૨ કરોડ ટ્રેડસ સાથે ૧૧મો સૌથી મોટો દેશ અને માર્કેટ કેપિટલાઈઝેશનમાં વિશ્વમાં ૨.૧ ટ્રીલિયન ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે નવમો સૌથી મોટો દેશ છે. બીએસઈ ૧,ઓકટોબર ૨૦૧૮થી કોમોડિટી ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં કાર્યરત થઈ છે. જેમાં ૨૦૦ ટ્રેડીંગ મેમ્બરો અને ૨૭ ક્લિયરીંગ મેમ્બરો ધરાવે છે. કંપનીઓ-સિક્યુરિટીઝ લિસ્ટેજમાં બીએસઈ ૭૪ ટકા બજાર હિસ્સો, કરન્સી ડેરિવેટીવ્ઝમાં ૪૪ ટકા, ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટીવ્ઝમાં ૧૯ ટકા, ડેટ/ફિક્સ્ડ ઈન્કમમાં ૩૨ ટકા અને ઈક્વિટી કેશમાં ૮ ટકા બજાર હિસ્સો ધરાવે છે.
મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટ ફોર્મ-સ્ટારએમએફ :
મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશનમાં બીએસઈનું સ્ટારમ્યુચ્યુઅલ ફંડ-સ્ટારએમએફ દ્વારા ભારતીય મ્ચુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઘણા ડિસ્ટ્રીબ્યુટરોની મદદથી એસઆઈપીના ધોધ જોવાયો છે. સ્ટારએમએફ પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા દિવસમાં સૌથી વધુ એસઆઈપી રજીસ્ટર થવાનો રેકોર્ડ થયો છે અને ૫૦થી વધુ ડિસ્ટ્રીબ્યુટરોએ આ રેકોર્ડ સર્જયો છે. ૧૦,ડિસેમ્બર ૨૦૧૮ના સ્ટાર એમએફ દ્વારા એક જ દિવસમાં ૬.૪૦ લાખ ટ્રાન્ઝેકશન પ્રોસેસ કરાયા હતા. જાન્યુઆરી ૨૦૧૯ મુજબ કંપની ૩૯ લિસ્ટેડ મ્યુચ્યુઅલ ફંડો, ૯૧૧૯ ટ્રેડીંગ માટે ઉપલબ્ધ મ્યુચ્યુઅલ સ્કિમો અને ૨૦૦૮૨ રજીસ્ટર્ડ ડિસ્ટ્રીબ્યુટરો ધરાવે છે.
ગિફ્ટ સિટી આઈએફએસસી ખાતે ઈન્ડિયા આઈએનએક્સ ઈન્ટરનેશનલ એક્સચેન્જ :
બીએસઈએ ૧૬,જાન્યુઆરી ૨૦૧૭થી ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ કાર્યરત કર્યું છે અને એ ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝ, ઈન્ડિયન સ્ટોક ફયુચર્સ, ગ્લોબલ સ્ટોક ફયુચર્સ, કોમોડિટી ફયુચર્સ, કોમોડિટી ઓપ્શન્સ, કરન્સી ડેરિવેટીવ્ઝ અને ડેટ સિક્યુરિટીઝમાં ટ્રેડીગ સવલત ધરાવે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન, એક્ઝિમ બેંક, એનટીપીસી અને એનએચએઆઈ દ્વારા આ એક્સચેન્જ પર એમટીએન સવલતનો ઉપયોગ થયો છે. ત્રણ મસાલા બોન્ડસ અને બે ગ્રીન બોન્ડસ ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટેડ છે. ૩૮.૮ અબજ મૂલ્યની ૮ મીડિયમ ટર્મ નોટર્સ(એમટીએન) ઈસ્યુ થઈ છે. જે મીડિયમ ટર્મ નોટ્સમાં ૧૦૦ ટકા અને લિસ્ટેડ બોન્ડસમાં ૯૮ ટકા બજાર હિસ્સો ધરાવે છે. ઈન્ડિયા આઈએનએક્સ એ ગિફ્ટ સિટીમાં ડોમીનન્ટ આઈએફએસસી એક્સચેન્જ છે, જે ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગમાં ૭૫ ટકાથી વધુ અને ડેટ લિસ્ટિંગમાં ૮૦ ટકા બજાર હિસ્સો ધરાવે છે.
એક્સચેન્જ ડેટ સિક્યુરિટીઝ લિસ્ટિંગમાં બે વર્ષમાં ૮ ડેટ સિક્યુરિટીઝના લિસ્ટિંગ થકી ૧૧.૬ અબજ ડોલરની ડેટ સિક્યુરિટીઝનું લિસ્ટિંગ થયું છે. ૩૧,ડિસેમ્બર ૨૦૧૮ના આંકડા મુજબ ગિફ્ટ સિટી ખાતે ઈન્ડિયા આઈએનએક્સ ઈન્ટરનેશનલ એક્સચેન્જમાં એકત્રિત ધોરણે ૧૬૧.૩૦ અબજ ડોલરનું ૧.૦૭ કરોડથી વધુ કોન્ટ્રેકટસમાં ટ્રેડીંગ વોલ્યુમ નોંધાયું છે. જેણે અન્ય ઓફશોર બજારોની તુલનાએ ઈન્ડિયા ૫૦ ફયુચર્સમાં ૩૦ ટકા બજાર હિસ્સો હાંસલ કર્યો છે.
કોમોડિટી સેગ્મેન્ટમાં કામગીરી શરૂ :
કોમોડિટી સેગ્મેન્ટમાં કામગીરી ૧,ઓકટોબર ૨૦૧૮થી શરૂ કરીને બીએસઈ ભારતમાં સ્થાનિક એરિયામાં નવા યુનિવર્સલ એક્સચેન્જોમાં ૯૦ ટકા બજાર હિસ્સા સાથે બીજું સૌથી મોટું એક્સચેન્જ બન્યું છે. જેણે ૨૫,ઓકટોબર ૨૦૧૮ના સૌથી વધુ રૂ.૬૨૧ કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે. જે ૨૦૦ ટ્રેડીંગ મેમ્બરો અને ૨૭ ક્લિયરીંગ મેમ્બરો કોમોડિટી ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં રજીસ્ટ્રેશન ધરાવે છે.
ઓપન સોર્શ ટેકનોલોજીનો ઉપયોગ :
બીએસઈમાં ડોઈશ બોર્શે વ્યુહાત્મક હિસ્સો ધરાવે છે, જે કંપનીનને વિશ્વકક્ષાની શ્રેષ્ઠ ટેકનોલોજી યુરેક્ષ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે એ પણ નોંધનીય ઓછા ખર્ચે મળી રહે છે. કંપની મજબૂતી સાથે ઓપન સોર્સ ટેકનોલોજીના ઉપયોગમાં માને છે અને તેણે તેની પાયાની ટ્રેડીંગ સિસ્ટમનું નિર્માણ કર્યું છે તેમ જ ઘણા મહત્વના એપ્લિકેશન્સ ઓપન સોર્સ ટેકનોલોજી આધારિત છે.
ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રકચર :
અત્યારના આઈટી યુગમાં બિઝનેસ અપેક્ષાઓને પહોંચી વળવા ફલેક્સિબિલિટી, સ્પિડ, પર્ફોમન્સ, ઉચ્ચ ઉપલબ્ધિ, સિક્યુરિટી અને સ્પર્ધાત્મકતા જરૂરીયાત છે. છેલ્લા બે વર્ષમાં કંપનીએ તેના વાતાવરણ માટે અનુકૂળ વિવિધ ક્લાઉડ મોડેલો ચકાસવામાં સક્રિય છે. ક્લાઉડ સ્થાપિત થવા સાથે અને ઈન્ફ્રાસ્ટ્રકચરના કોન્સોલિડેશન સાથે કંપનીના ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ અને જાળવણીમાં નોંધનીય બચતો થવાની અપેક્ષા છે. કંપનીએ હાઈબ્રિડ ક્લાઉડ માટે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપી લીધું છે.
ઈન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન : આ સિવાય બીએસઈ માટે આગળ બિઝનેસ વૃદ્વિ માટેની મોટી તકો પડેલી છે. ફિનટેકમાં થઈ રહેલા સ્થિર વિકાસ સાથે બધા માર્કેટ ઈન્ટરમીડિયરીઝ તમામ પેમેન્ટસ અને સેટલમેન્ટસ ઈલેકટ્રોનિક્લી કરવા પર કામ કરી રહ્યા છે. ડિજીટલ પ્લેટફોર્મસ જેમ કે સ્ટાર એમએફ ઝડપી વિસ્તાર અને વધુ ઈન્વેસ્ટરો સુધી પહોંચવા ડિસ્ટ્રીબ્યુટરો માટે મોટી તક બની રહ્યું છે. આ સાથે કંપની ઈન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશનમાં સાહસ ખેડી રહી છે. કંપનીએ નાસ્દાક લિસ્ટેડ ઈબીક્સ ઈન્ક. સાથે ભારતમાં ઈન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિકસાવવા સંયુક્સ સાહસ સ્થાપવા એમઓયુ કર્યા છે.
ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ : ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં કરાયેલી પહેલને પગલે કંપની આ દિશામાં સરકાર અને નિયામકો સાથે બુલિયનમાં સ્પોટ ટ્રેડ ચાલુ કરવા કામ કરી રહી છે.
નેચરલ ગેસ સ્પોટ એક્સચેન્જ : આ સિવાય ઓકટોબર ૨૦૧૭માં ઈલેક્ટ્રોનિક નેચરલ ગેસ ટ્રેડીંગ પ્લેટફોર્મ શરૂ કરવાનો પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ પ્રધાને ઉદ્દેશ જાહેર કરતાં કંપની આ માટે ફ્રેમવર્ક તૈયાર થઈ ગયા બાદ નેચરલ ગેસમાં ઈલેક્ટ્રોનિક ટ્રેડીંગ શરૂ કરવા પણ સરકાર અને નિયામકો સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત કંપની પાવરમાં ટ્રેડીંગ માટે પણ એક્સચેન્જ સ્થાપવા માગે છે.
બુક વેલ્યુ :
માર્ચ ૨૦૧૫ના રૂ.૨૧૧.૯૭, માર્ચ ૨૦૧૬ના રૂ.૪૨૯.૮૫, માર્ચ ૨૦૧૭ના રૂ.૪૫૧.૪૯, માર્ચ ૨૦૧૮ના રૂ.૫૨૦.૯૦, અપેક્ષિત માર્ચ ૨૦૧૯ના રૂ.૫૫૮.૪૧
ડિવિડન્ડ :
વર્ષ ૨૦૧૭માં ૧૪૦૦ ટકા, વર્ષ ૨૦૧૮માં ૨૦૫૦ ટકા
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ :
ચોખ્ખી આવક રૂ.૭૫૫.૨૫ કરોડની તુલનાએ ઘટીને રૂ.૬૮૪.૮૩ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૨૬૫.૦૯ કરોડ થી ઘટીને ૨૩૭.૩૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૫૪.૭ થી ઘટીને રૂ.૪૬.૨ હાંસલ કરી હતી.
(૨) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ :
ચોખ્ખી આવક રૂ.૧૬૮.૭૦ કરોડની તુલનાએ ત્રણ ટકા વધીને રૂ.૧૭૩.૧૮ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫૮.૬૭ કરોડની તુલનાએ ૧૫ ટકા ઘટીને રૂ.૫૦.૦૭ કરોડ મેળવ્યો છે.
(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ :
નબળી બજાર પરિસ્થિતિઓ અને નવા બિઝનેસોમાં રોકાણોને કારણે કંપનીની નાણાકીય વર્ષ ૨૦૧૯ના પ્રથમ નવ માસિકની કામગીરીને અસર થઈ છે. નવ માસિક ચોખ્ખી આવક રૂ.૪૮૪.૯૪ કરોડની તુલનાએ રૂ.૪૮૪.૩૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૧૭૫.૨૩ કરોડની તુલનાએ ૧૯ ટકા ઘટીને રૂ.૧૪૨.૩૧ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૨૭.૭૪ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૬૮૭.૨૭ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૧૯૨.૪૫ કરોડ મેળવીને શેર દીઠ આવક રૂ.૩૭.૫૧ અપેક્ષિત છે.
વેલ્યુએશન : સિંગલ B :
કંપની પાસે નોંધનીય કેશ સરપ્લસ પડેલી હોઈ શેરધારકોને ઉદાર ડિવિડન્ડો અને અથવા શેરોના બાયબેક માટે આ કેશનો ઉપયોગ થઈ શકે છે. કંપની સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝમાં ૨૪ ટકા ઈક્વિટી હોલ્ડિંગ ધરાવે છે. જેનું મૂલ્ય રૂ.૫૮૫ કરોડ જેટલું છે. વર્ષ ૨૦૧૮માં ૨૦૫૦ ટકા ડિવિડન્ડ ચૂકવનાર, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં અપેક્ષિત કમાણી શેર દીઠ કમાણી રૂ.૩૭.૫૧ થકી બુક વેલ્યુ રૂ.૫૫૮.૪૧ સામે શેર અત્યારે ે માત્ર એનએસઈ પર રૂ.૬૧૧.૧૦ ભાવે ૧૬.૨૯ના પી/ઈએ ઉપલબ્ધ છે. જે શેરને ૧૫ ટકા વૃદ્વિની એટલે કે રૂ.૭૦૦ને આંબી શકવાની અપેક્ષાએ વેલ્યુએશન સિંગલ B આપવામાં આવ્યું છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I2sJ5F
via Latest Gujarati News
0 Comments