
ઇસ્ટર સંડેની ઉજવણી કરી રહેલા લોકો પર આતંકીઓ ત્રાટક્યા
આઠ વિસ્ફોટમાંથી બે આત્મઘાતી હુમલા સંદર્ભે આઠ શંકમંદોની ધરપકડ
ટ્રેન, હવાઇ અને ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ, સમગ્ર શ્રીલંકામાં કર્ફ્યુ લાગુ
35 વિદેશી મૃતકોમાં સૌથી વધુ અમેરિકા, બ્રિટનના નાગરિકો : એક મહિલા સહિત ત્રણ ભારતીયનાં પણ મોત
કોલંબો, તા.21 એપ્રિલ, 2019, રવિવાર
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં એક સાથે આઠ સીરીયલ વિસ્ફોટોએ માત્ર શ્રીલંકાને જ નહીં સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે. આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં ૨૧૫ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૫૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. આઠમાંથી બે આત્મઘાતી વિસ્ફોટ હતા. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઇસ્ટર સન્ડેને ધ્યાનમાં રાખીને આ વિસ્ફોટોને અંજામ આપવામાં આવ્યો હતો.
આતંકીઓએ અહીંના એક બાદ એક ત્રણ ચર્ચ અને ત્રણ ફાઇવ સ્ટાર હોટેલોને નિશાન બનાવી એક બાદ એક આઠ ભયાનક વિસ્ફોટો કર્યા હતા. જેને પગલે વિસ્ફોટના સ્થળોએ ઠેરઠેર લાશો પડી હતી. અને ચર્ચ પણ લોહીલુહાણ થઇ ગયા હતા.
આ પહેલા આટલો મોટો આતંકી હુમલો શ્રીલંકામાં ક્યારેય નથી થયો, દસકા પહેલા એલટીટીઇના વિસ્ફોટમાં ૨૨ના મોત થયા હતા. જે બાદનો અને અત્યાર સુધીનો આ સૌથી મોટો આતંકી હુમલો છે. ઘાયલોની સંખ્યા વધુ હોવાથી હજુ મૃત્યુઆંક વધી શકે છે. જ્યારે સમગ્ર વિશ્વને હચમચાવી દેનારા આ હુમલા બાદ શ્રીલંકામાં અનિશ્ચિત સમયગાળા માટે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો.
જે લોકો માર્યા ગયા છે તેમાં ૩૫થી વધુ વિદેશીઓ છે જેમાં મોટા ભાગના અમેરિકા અને બ્રિટનના પ્રવાસીઓ હતા, જ્યારે એક કેરળની મહિલા સહિત ત્રણ ભારતીયના પણ મૃત્યુ થયા છે. જ્યારે એક ચીની, એક પોર્ટુગિઝ, બ્રિસ્ટન અને જાપાન તેમજ ડચના એક નાગરીકનો પણ મૃતકોમાં સમાવેશ થાય છે.
સવારે આશરે ૮.૪૫ કલાકે કોલંબોના સેન્ટ એન્થોની ચર્ચ, નેગોમ્બોના સેન્ટ સબેશ્ચીયન ચર્ચ અને અહી બેટ્ટીકાલોઆ મળી કુલ ત્રણ ચર્ચમાં ધમાકા થયા હતા. ઇસ્ટર સન્ડેની ઉજવણી પુર જોશમાં ચાલી રહી હતી ત્યારે જ આતંકીઓએ એક બાદ એક વિસ્ફોટ કર્યા હતા. તેવી જ રીતે ચર્ચની સાથે અહીંની ફાઇવ સ્ટાર હોટેલોમાં પણ ધમાકા કર્યા હતા.
કોલંબોમાં આવેલી શાંગરી લા, સીનમોન ગ્રાન્ડ અને કિંગ્સબેરીમાં આ જ સમયે અતી તિવ્ર ધમાકા થયા હતા. સીનમોન ગ્રાન્ડ હોટેલના એક રેસ્ટોરન્ટમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાને લોકોની વચ્ચે ઉડાવી દીધો હતો જેને કારણે આસપાસના મોટા ભાગનાના મોત નિપજ્યા હતા.
કોલંબોની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. ચારેય તરફ અફરાતફરીનો માહોલ હતો. પરીવારજનો આક્રાંદ કરી રહ્યા હતા, તો કેટલાક મૃતદેહોના ચીથરા ઉડી ગયા હોવાથી અંગે શોધવા પડયા હતા.
જ્યારે છઠ્ઠો વિસ્ફોટ અહીંના કોલંબો ઝૂ પાસે વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા હતા. જ્યારે પોલીસ કોલંબોના ઓરુગોડાવટ્ટામાં એક એપાર્ટમેન્ટમાં તપાસ કરી રહી હતી ત્યારે જ એક આતંકીએ પોતાને ઉડાવી દીધો હતો જેને પગલે આખો માળ ધરાશાઇ થતા ત્રણ પોલીસ ઘટના સ્થળે જ માર્યા ગયા હતા.
હાલ સમગ્ર શ્રીલંકામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે અને આતંકીઓની શોધખોળ જારી છે, દરમિયાન સમગ્ર વિશ્વના નેતાઓએ ઘટનાની નિંદા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવતા કહ્યું હતું કે આવી ક્રુરતાને આ પ્રાંતમાં કોઇ જ સ્થાન નથી.
હજુસુધી આ હુમલાની જવાબદારી કોઇ આતંકી સંગઠને નથી લીધી જ્યારે અગાઉ શ્રીલંકામાં જે પણ વિસ્ફોટ થયા છે તેમાં મોટા ભાગનાને લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઇ) જ અંજામ આપ્યો હતો, આ ઉગ્રવાદીઓ અલગ તામીલ પ્રાંતની માગણી કરી રહ્યા હતા.
જોકે ૨૦૦૯માં શ્રીલંકન સૈન્ય દ્વારા એલટીટીઇનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો. સાથે તેનો મુખ્ય નેતા વેલુપિલ્લાઇ પ્રભાકરણ પણ માર્યો ગયો હતો, પ્રભાકરણના માર્યા ગયા બાદ આ ઉગ્રવાદી સંગઠન ખતમ થઇ ગયું હતું. હાલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને તપાસ અભિયાન જારી છે. હાલ શ્રીલંકામાં ફ્લાઇટ્સ અને રેલવે સેવાને બંધ કરી દેવામાં આવી છે.
10 દિવસ પહેલા જ હુમલાની ચેતવણી છતા સરકાર ઉંઘતી રહી
શ્રીલંકાના પોલીસ વડાએ ૧૦ દિવસ પહેલા જ ચેતવણી આપી હતી કે કોઇ મોટો આતંકી હુમલો થઇ શકે છે અને સમગ્ર શ્રીલંકાને એલર્ટ કરી દીધુ હતું. જોકે તેમ છતા આતંકીઓ પોતાના હુમલામાં સફળ રહ્યા હતા. શ્રીલંકન સરકાર ઉંઘતી રહી અને આટલા મહત્વપૂર્ણ ઇસ્ટર સન્ડેના તહેવાર નિમિત્તે પણ સુરક્ષામાં છીંડા જોવા મળ્યા. પોલીસ વડાએ ચેતવણી આપી હતી કે એનટીજે (નેશનલ થોવીથ જમ્માહ) નામનું આતંકી સંગઠન સીરીયલ વિસ્ફોટોની તૈયારીમાં છે. એનટીજે કટ્ટરવાદી આતંકી સંગઠન છે જે ગયા વર્ષે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેણે અહીંના બુદ્ધના સ્મારકને તોડી પાડયું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dr0IB7
via Latest Gujarati News
0 Comments