પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં અચાનક પૂર આવતા બાળકો સહિત આઠનાં મોત


(પીટીઆઈ) પેશાવર, તા.13 એપ્રિલ, 2019, શનિવાર

પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં અચાનક પૂર આવવાના કારણે બે બાળકો સહિત કુલ આઠ લોકો મૃત્યુ પામ્યા છે. જિલ્લા પ્રશાસન અધિકારીએ જણાવ્યા મુજબ કેટલાક લોકો ગાડીમાં બેસીને એક લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. અફઘાનિસ્તાનની સરહદ પાસેના દક્ષિણ વજીરીસ્તાન જિલ્લાની વાના તેહસિલમાં તેમનું વાહન ડૂબી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં હજુ છ બાળકો લાપતા છે અને તેમની શોધખોળ થઈ રહી છે.

તપાસ દરમિયાન બચાવ ટીમને છ મહિલા અને બે બાળકોના શબ હાથ લાગ્યા છે. પાકિસ્તાનની સેના અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દ્વારા લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યા મુજબ લાપતા બાળકોની શોધખોળ માટે તપાસ ચાલી રહી હતી તે વખતે કેટલાક મૃતદેહને  પૂરના ધસમસતા પાણીમાંથી બહાર ખેંચી લેવામાં આવ્યા હતા. 

૨૦૧૭ની સાલમાં ઉત્તર અને દક્ષિણ વજીરીસ્તાનના આદિવાસી વિસ્તારોમાં ભારે વરસાદ બાદ અચાનક પૂર આવવાના કારણે છ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક ઘરને નુકસાન થયું હતું. એક અહેવાલ મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે યુએસ ઉપરાંત એશિયા, આફ્રિકા અને મધ્ય યુરોપના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ સર્જાઈ છે જેથી પૂરના કારણે અનેક લોકોના જાન-માલને નુકસાન થઈ શકે છે. એક અંદાજ મુજબ આગામી ૨૫ વર્ષમાં પાકિસ્તાનમાં ભારે પૂરની શક્યતાઓ બમણી થશે અને તેના કારણે ૧.૧ કરોડ લોકો પૂરના જોખમમાં છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GczsH3
via Latest Gujarati News

Post a Comment

0 Comments