(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૨
અમેરિકામાં ભારતીય મૂળના ત્રણ કન્સલટન્ટ પર વિઝા છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય મૂળના ત્રણ કન્સલટન્ટની એચ-૧બી વિઝા છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી કેલિફોર્નિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.
ભારતીય મૂળના આ ત્રણેય શખ્સ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે હરિફ કંપનીના સરખામણીમાં વધુ લાભ મેળવવા માટે લોકપ્રિય એચ-૧ બી વિઝા માટે નકલી દસ્તાવેજ રજૂ કર્યા હતાં.
અમેરિકાના ન્યાય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ ગયા મહિને કિશેર દત્તાપુરમ, કુમાર અશ્વપતિ અને સંતોષ ગિરીને દોષિત ઠેરવ્યા હતાં.
ભારતીય આઇટી પ્રોફેશનલોમાં લોકપ્રિય એચ-૧બી વિઝા વિદેશી કર્મચારીઓને અમેરિકામાં રહેવા અને નોકરી કરવાની હંગામી મંજૂરી આપે છે. ઔઆઠ પાનાની ચાર્જશીટ અનુસાર ૪૯ વર્ષીય દત્તાપુરમ, ૪૯ વર્ષીય અશ્વપતિ અને ૪૨ વર્ષીય ગિરી નેનોસેમાન્ટિક્સ નામની એક કંપની ચલાવતા હતાં. આ કંપની વિદેશી કર્મચારીઓને પ્લેસમેન્ટ આપવાનું કાર્ય કરતી હતી.
આ કંપની વિદેશી કર્મચારીઓ વતી નકલી એચ-૧ બી વિઝા અરજીઓ કરતી હતી જેથી હરિફ કંપનીના સરખામણીમાં વધુ લાભ મેળવી શકાય.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી વિઝા અરજીઓમાં જે કર્મચારીઓ માટે નામાંકિત કંપનીઓમાં વિશિષ્ટ નોકરીઓ હતી તે અંગે આરોપીઓને ખબર હતી કે વાસ્તવમાં આ નોકરીઓ છે જ નહીં.
જો કે ત્રણેય આરોપીઓએ પોતાને નિદોર્ષ ગણાવી પોતાની વિરુદ્ધના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ત્રણેય આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
એચ-૧બી વિઝા માટે નિમણૂક કરનાર કે સ્પોન્સરને યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસમાં આઇ-૧૨૯ અરજી દાખલ કરવાની હોય છે. પિટીશન અને સંબધિત દસ્તાવેજમાં નોકરી અને તેની મુદ્દત તથા પગારની વિગતો આપવાની હોય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FUFL38
via Latest Gujarati News
0 Comments