
મુંબઇ તા.13 એપ્રિલ 2019 શનિવાર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે એક તરફ તમે સદ્ગત વડા પ્રધાનો પંડિત જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની આકરી ટીકા કરો છો અને બીજી બાજુ એ બંનેના ભાષણોની નકલ કરો છો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉચ્ચારાતો શબ્દ પ્રધાન સેવક સર્વ પ્રથમ પંડિત નહેરુ બોલ્યા હતા. હાલ એ શબ્દ વારંવાર નરેન્દ્ર મોદી બોલી રહ્યા છે એમ જણાવી રાજ ઠાકરેએ કહ્યું કે એક તરફ તમે નહેરુ અને ઇંદિરાની ટીકા કરો છો. બીજી બાજુ તમે એમનાં ભાષણોની નકલ કરો છો. આવું બેવડું ધોરણ કેમ ચાલે ?
એક સભામાં તાળીઓના ગડગડાટ વચ્ચે રાજે કહ્યું કે નવી દિલ્હીના તીન મૂર્તિ ભવનમાં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમમાં એક તકતી લાગેલી છે. એના પર પંડિત નહેરુનું એક વિધાન લખેલું છે, ઇસ દેશ કી જનદતા હમેં પ્રધાન મંત્રી ન કહેં, પ્રધાન સેવક કહેં... મોદી વારંવાર આ શબ્દ વાપરી રહ્યા છે.
રાજે ઉમેર્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષના મોદીનાં ભાષણો જુઓ. એ સતત જૂઠ્ઠું બોલતા રહ્યા છે. દરેક મુદ્દે મોદી ખોટું બોલતા આવ્યા છે. એમણે આપેલાં એક પણ વચનનું પાલન કર્યુ નથી.
રાજે એક જૂના અખબારનું કટિંગ રજૂ કરતાં કહ્યું કે આ અખબારી અહેવાલ મુજબ પંડિત નહેરુએ જેલમાં બે વાર શહીદ ભગત સિંઘની મુલાકાત લીધી હતી. મોદી સતત એવો આક્ષેપ કરે છે કે એક પણ કોંગ્રેસી નેતાએ ભગત સિંઘની જેલમાં મુલાકાત લીધી નહોતી. આમ મોદી સતત જૂઠ્ઠું બોલી રહ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v4sUox
via Latest Gujarati News
0 Comments