ચેન્નાઈ, તા.૬
બ્રાવોના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં પુનરાગમન કરનારા ડુ પ્લેસીસના ૩૮ બોલમાં ૫૪ રન બાદ હરભજન અને સ્કોટ કુગ્લાઈને ૨-૨ વિકેટ ઝડપતાં ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૨ રનથી કિંગ્સ ઈલેવન પંજાબને હરાવ્યું હતુ. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનની ચોથી જીત મેળવતા પોઈન્ટ ટેબલમાં ટોચનુ સ્થાન હાંસલ કરી લીધું હતું. જ્યારે કિંગ્સ ઈલેવનને સિઝનની પાંચમી મેચમાં બીજી હારનો સામનો કરવો પડયો હતો. જીતવા માટેના ૧૬૧ રનના ટાર્ગેટનો પીછો કરતાં પંજાબની ટીમ પાંચ વિકેટે ૧૩૮ રન કરી શકી હતી.
પંજાબ તરફથી સરફરાઝ ખાન (૬૭) અને લોકેશ રાહુલ (૫૫)ની જોડીએ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ ટીમને વિજય અપાવી શક્યા નહતા.
ઘરઆંગણે રમી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. ડુ પ્લેસીસે ૪ છગ્ગા અને બે ચોગ્ગા સાથે ૩૮ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. તેણે વોટસન (૨૬) સાથે ૫૬ રનની અને રૈના (૧૭) સાથે ૪૪ રનની ભાગીદારી કરી હતી. જોકે ૧૦૦/૩નો સ્કોર થયા બાદ ધોની અને રાયડુએ આખરી ૩૨ બોલમાં ૬૦ રનની અણનમ ભાગીદારી કરી હતી. આર. અશ્વિને ૨૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
જવાબમાં પંજાબને ફટકો પહોંચાડતા હરભજને ઈનિંગની બીજી જ ઓવરમાં ગેલ (૫) અને અગ્રવાલ (૦)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ પછી લોકેશ રાહુલ અને સરફરાઝ ખાને ૧૧૦ રનની ભાગીદારી ત્રીજી વિકેટમાં નોંધાવી હતી. ન્યુઝીલેન્ડના ફાસ્ટર સ્કોટ કુગ્લાઈને રાહુલ અને ત્યાર બાદ સરફરાઝ ખાનની વિકેટ ઝડપતાં ચેન્નાઈની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G4rbGk
via Latest Gujarati News
0 Comments