દુબઇમાં વેબસાઇટ હેક કરવા બદલ ભારતીય કર્મચારીને સજા


(પીટીઆઇ) દુબઇ, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર

દુબઇની એક કંપનીએ એના એક કર્મચારીના પગારમાંથી ૧૦૮૦ અમેરિકી ડોલર કાપી લીધા એ પછી ૩૩ વર્ષના એ મૂળ ભારતીય આઇટી પ્રોગ્રામરે ૧૫ ગ્રાહકોની વેબસાઇટ 'હેક' કરી લેતાં એને ત્રણ વર્ષની કેદની સજા થઇ છે. એ પછી એને દેશનિકાલ કરાશે.

દુબઇ કોર્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ દ્વારા ગઇકાલે આ કર્મચારી પર વેબસાઇટ હેક કરવાનો અને ધમકી આપવાનો આરોપ મૂકાયો હતો, એમ ગલ્ફ ન્યુઝ અખબારમાં જણાવાયું છે. વણઓળખાયેલા આ કર્મચારીને ત્રણ માસની જેલની સજા ફટકારાઇ છે, તે પછી તુર્ત એેણે દુબઇમાંથી ઉચાળા ભરવા પડશે.

સત્તાવાર વિગતો અનુસાર, એક મીડિયા કંપનીમાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કામ કરતા ઉપરોક્ત કર્મચારીએ રાજીનામું આપ્યું એ પછી એના પગારમાંથી ૪૦૦૦ દિરહામ (૧૦૮૦ અમેરિકી ડોલર) કાપી લેવામાં આવ્યા હતા. આથી એણે એના ગ્રાહકોની વેબસાઇટને હેક કરવાની ધમકી આપી હતી.

આ કર્મચારીએ કંપનીના અન્ય પ્રોગ્રામર પર વ્હોટસએપ મેસેજ મોકલીને જણાવ્યું કે જો કંપની એના પગારમાંથી કાપી લેવાયેલા ૪૦૦૦ દિરહામ પાછા નહિ ચૂકવે તો એ વેબસાઇટને હેક કરશે.

કંપનીના માલિકે જણાવ્યું કે જો કર્મચારી પ્રોબેશન પીરિયડ પહેલાં રાજીનામું આપશે તો પગાર કપાનાર હોવાની એને જાણ કરાઇ હતી. પોલીસે કહ્યું કે આ કર્મચારીના પર્સનલ લેપટોપ પરથી મળેલી વિગતોથી ખાતરી થઇ કે એણે વેબસાઇટ હેક કરી છે, જેનો કર્મચારીએ ઇન્કાર કર્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GpYpA6
via Latest Gujarati News

Post a Comment

0 Comments