મહારાષ્ટ્રના નિવાસી ડોક્ટરોએ ફરી ઉચ્ચારી હડતાલની ધમકી

મુંબઇ, તા.6 એપ્રિલ 2019, શનિવાર  

મહારાષ્ટ્રના રેસિડન્ટ ડોક્ટરોના એસોસિએશન 'માર્ડ'એ તાજેતરમાં ડીએમઇઆર (ડાયરેક્ટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ)ના ડાયરેક્ટરને એક પત્ર લખી અને ટેલિફોન દ્વારા સંદેશ મોકલી રેસિડન્ટ ડોક્ટરોના સ્ટાઇપન્ડને મુદ્દે રજૂઆત કરી હતી. નાગપુર, લાતુર, અંબેજોગાઇ અને ઔરંગાબાદના રેસિડન્ટ ડોક્ટરોને છેલ્લા ઘણા મહિનાથી સ્ટાઇપન્ડની ચૂકવણી થઇ નથી.

ડોક્ટરોએ એવો આરોપ કર્યો છે કે સરકારે તેમને ખોટા આશ્વાસનો આપી ફક્ત મૂર્ખ જ બનાવ્યા છે. જો તેમની માગણીઓ પૂર્ણ નહી થાય તો તેઓ સામુહિક રજા પર ઉતરી જશે. માર્ડે ડીએમઇઆરને લખેલ એક પત્રમાં ગુરુવારે એવી ચિમકી આપી હતી કે લાતૂર અને અંબેજોગાઇની સરકારી હોસ્પિટલના ડોક્ટરો સ્ટાઇપન્ડની વિલંબે થતી ચૂકવણીને મુદ્દે હડતાલ પર ઉતરી જશે.

આ લોકોને ટેકો આપવા મુંબઇ સહિતના રાજ્યના પેરિફરલ મેડિકલ કોલેજના ડોક્ટરો પણ મુંબઇમાં વિરોધ નોંધાવી દેખાવ કરશે. રેસિડન્ટ ડોક્ટરોએ વિનંતી કરી છે કે સરકાર વહેલી તકે તેમના માટે ફંડ રિલીઝ કરે જેથી સ્ટાઇપન્ડની ચૂકવણી થઇ શકે.

આ સંદર્ભે માર્ડના મધ્ય વિસ્તારના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે પ્રશાસન દરેક વખતે અમને વચન આપી મૂર્ખ બનાવે છે. અમે મુંબઇમાં ગયા વર્ષની જેમ ફ્રૂટ સ્ટોલ ઉભા કરી વિરોધ પ્રદર્શન કરીશું. હાલ બે મેડિકલ કોલેજ દ્વારા હડતાળની ચિમકી આપવામાં આવી છે. પણ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ બાબતે ડીએમઇઆરના ડાયરેક્ટર ડો. લહાણેએ જણાવ્યું હતું કે અમે તેમની ચૂકવણીની બાબતે વિગત મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. હું સ્વયં તમામ વિદ્યાર્થીઓને મળી તેમની સમસ્યા જાણી સમાધાનનો પ્રયાસ કરીશું. અમૂક મુદ્દાઓની રજૂઆત અમે પ્રશાસન સમક્ષ કરી છે.  ટુંક સમયમાં આ બાબતે હકારાત્મક પ્રતિસાદની આશા છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I1CIrZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments