પાક. પર અમેરિકાના આકરા પ્રતિબંધ: વિઝા જ નહીં આપે


ગેરકાયદે ઘૂસેલા નાગરિકોને પરત લેવાની પાકિસ્તાને ના પાડતા અમેરિકા ગુસ્સે ભરાયું: પાકિસ્તાનનો પણ પ્રતિબંધિત ૧૦ દેશોમાં સમાવેશ

અમેરિકાના આ પગલાથી પાકિસ્તાની નાગરિકોની મુશ્કેલી વધી જશે : પાક.ના પૂર્વ રાજદુત 

વોશિંગ્ટન, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

આતંકવાદ ફેલાવી રહેલા પાકિસ્તાન પર અમેરિકાએ આકરા પ્રતિબંધ મુકી દીધા છે, અમેરિકામાં ગેરકાયદે ગયેલા નાગરીકોને પોતાના દેશમાં પરત લઇ જવાની પાકિસ્તાને ના પાડી દીધી હતી જે બાદ અમેરિકાએ પાકિસ્તાની નાગરીકો પર તવાઇ બોલાવી છે અને અનેક પ્રકારના પ્રતિબંધો મુકી દીધા છે. આ સાથે જ હવે પાકિસ્તાન પર અમેરિકા ગમે ત્યારે ટ્રાવેલ બેનના પગલા પણ લઇ શકે છે અને પાકિસ્તાની નાગરીકોને વિઝા આપવાની ના પાડી શકે છે. 

અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ પાકિસ્તાનમાં જે અમેરિકન દુતાવાસ છે તેને લઇને કોઇ જ ફેરફાર કરવામાં નથી આવ્યા. જોકે પાકિસ્તાનના અધિકારીઓને અને નાગરીકોને વિઝા આપવામાં હવે આકરા નિયમો લાગુ કરી દેવામાં આવશે. અત્યાર સુધીમાં અમેરિકાએ નવ એવા દેશો પર પ્રતિબંધ મુક્યા છે કે જેમણે ગેરકાયદે અમેરિકામાં ગયેલા પોતાના નાગરીકોને પરત લેવાની ના પાડી દીધી હોય. આ દેશોમાં હવે પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. 

આ પહેલા ૨૦૦૧માં ગુયાના, ૨૦૧૬માં ગાંમ્બીઆ, કમ્બોડિયા, એરીટ્રીઆ, ગુઇનીઆ, સેરા લીઓના, બર્મા લાઓસ પર આકરા પ્રતિબંધ મુક્યા હતા. હવે તેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે, તેથી ટુંક સમયમાં પાકિસ્તાની નાગરીકોને વિઝા આપવાની પણ ના પાડી શકે છે અને તેની શરૃઆત પાકિસ્તાની અધિકારીઓથી કરવામાં આવશે. અગાઉ જે પણ નવ દેશો પર તવાઇ બોલાવી હતી તેમાં પણ આ દેશોના નાગરીકોને વિઝા આપવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. 

તેથી હવે આ જ પ્રકારના પગલા અમેરિકા પાકિસ્તાનને લઇને પણ લઇ શકે છે, જોકે આ અંગે હજુસુધી કોઇ સ્પષ્ટતા અમેરિકાએ નથી કરી. આ પગલાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે, આગામી દિવસોમાં અમેરિકાની સાથે વ્યાપાર સંબંધી વિવાદ પણ વધી જશે. ખાસ કરીને એવા પાકિસ્તાની નાગરીકોની મુશ્કેલી વધશે કે જેઓ અમેરિકામાં આવવા માગતા હોય. 

જોકે અગાઉ પણ પાકિસ્તાન આ જ પ્રકારનું વલણ દાખલી ચુક્યુ છે અને પોતાના નાગરીકોને અમેરિકાથી પરત લેવાની ના પાડી દીધી હતી. અમેરિકા આતંકવાદ મુદ્દે પણ પાકિસ્તાન પર દબાણ કરી રહ્યું છે પણ તેની કોઇ જ અસર પાકિસ્તાન પર નથી થઇ રહી જેને પગલે હવે વિઝા સંબંધી દબાણ પણ વધારવામાં આવી શકે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W8TkSd
via Latest Gujarati News

Post a Comment

0 Comments