વિકિલીક્સના સ્થાપક અસાન્જેની લંડન સ્થિત એક્વાડોરના દૂતાવાસમાંથી ધરપકડ


જાતીય શોષણના કેસમાં સ્વીડનના પ્રત્યાર્પણથી બચવા અસાન્જેએ ૨૦૧૨થી લંડનમાં એક્વાડોરની એમ્બેસીમાં શરણ લીધું હતું

અસાન્જે જામીનના નિયમોનો ભંગ કરવા બદલ દોષિત અમેરિકા પ્રત્યાર્પણ થવાની શક્યતા, બીજી મેએ સુનાવણી

(પીટીઆઈ) લંડન, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર

લંડન સ્થિત એક્વાડોરની એમ્બેસીમાં રાજકીય શરણ લઈ રહેલાં વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જેની લંડનની પોલીસે ધરપકડ કરી હતી. સ્વીડનમાં ચાલી રહેલાં જાતીય સતામણીના આરોપના કારણે અસાન્જેએ એક્વાડોરના દૂતાવાસમાં રાજકીય આશરો લીધો હતો.

સંવેદનશીલ દસ્તાવેજો જાહેર થવા જોઈએ એવી ઝુંબેશના ભાગરૃપે વિકિલીક્સ નામના નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનાર જુલિયન અસાન્જેએ ૨૦૧૦માં અમેરિકન લશ્કરને લગતા ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા હતા. મૂળ ઓસ્ટ્રેલિયન નાગરિક અસાન્જેએ એ પછી અન્ય દસ્તાવેજો પણ જાહેર કર્યા હતા.

એ દરમિયાન સ્વીડનની બે મહિલાઓએ અસાન્જે ઉપર જાતીય શોષણનો ગંભીર આરોપ મૂક્યો હતો, જેને અસાન્જેએ નકારી દીધો હતો. સ્વીડનમાં ધરપકડથી બચવા માટે વિકિલીક્સના સ્થાપકે ૨૦૧૨માં લંડન સ્થિત એક્વાડોરની એમ્બેસીમાં રાજ્યાશ્રય મેળવ્યો હતો. ૨૦૧૭માં સ્વીડનમાં ચાલતા તમામ કેસ તેના ઉપરથી હટી ગયા હતા, પરંતુ જામીનની અવધિ પૂરી થઈ હોવાથી લંડનમાં તેના ઉપર ધરપકડનો ખતરો હતો.

૨૦૧૭માં જ એક્વાડોરે તેની નાગરિકતા માન્ય રાખી હતી એટલે લંડન સ્થિત દૂતાવાસમાં રહેવાનો તેનો માર્ગ મોકળો બન્યો હતો.પરંતુ એક્વાડોરના સત્તાધિશો સાથે મતભેદો થતાં દૂતાવાસમાં તેનો રાજકીય આશ્રય ઉપરાંત નાગરિકતા રદ્ કરી હતી. એક્વાડોરે આંતરરાષ્ટ્રીય દબાણના પગલે અસાન્જેનો રાજકીય આશ્રય રદ કર્યો હતો.તે પછી લંડનની પોલીસે ૨૦૧૨ના વોરંટના આધારે અસાંજેની ધરપકડ કરી લીધી હતી.

૪૭ વર્ષના અસાન્જે ઉપર અમેરિકાના સંવેદનશીલ દસ્તાવેજો જાહેર કરવાનો આરોપ છે. હવે અમેરિકા બ્રિટન સમક્ષ અસાંજેના પ્રત્યાર્પણની માગણી કરશે. અમેરિકામાં અસાન્જે ઉપર કમ્પ્યુટર હેકિંગનો આરોપ છે અને મહત્વના ગુપ્ત લશ્કરી દસ્તાવેજો જાહેર કરવાના ય આરોપ છે. હેકિંગના કાયદા પ્રમાણે અમેરિકામાં તેને પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે.

વિકિલીક્સના એક નિવેદનમાં કહેવાયું હતું કે આંતરરાષ્ટ્રીય દબાણના નામે અચાનક રાજકીય આશ્રય રદ્ કરવો તે ગેરકાયદે છે. વિકિલીક્સે અમેરિકાની તપાસ એજન્સી સીઆઈએને અસાન્જેની ધરપકડ માટે જવાબદાર ગણાવી હતી. બ્રિટનના ગૃહ સચિવે ટ્વીટ કરીને અસાંજેની ધરપકડ થયાની જાહેરાત કરી હતી.

અસાન્જેની ધરપકડ એટલે મીડિયાની સ્વતંત્રતા ઉપર જોખમ : સ્નોડેન

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જેની લંડનમાં ધરપકડ થઈ તે મુદ્દે અમેરિકન વ્હિસલબ્લોઅર એડવર્ડ સ્નોડેને કહ્યું હતું કે અસાન્જેની ધરપકડ તે મીડિયાની સ્વતંત્રતાની કાળી ક્ષણ છે. સ્નોડેને કહ્યું હતું કે પ્રેસ ફ્રીડમની હિમાયત કરનારા અસાન્જેની ધરપકડ થઈ તેના કારણે ટીકાકારો ભલે ઉજવણી કરતા હોય, પરંતુ દુનિયાની મીડિયા સ્વતંત્રતા માટે આ ઘડી બહુ કપરી છે. અમેરિકાના દસ્તાવેજો જાહેર કરવાના આરોપનો સામનો કરતા સ્નોડેને પણ ૨૦૧૩થી રશિયામાં રાજ્યાશ્રય લીધો છે. સ્નોડેને વિકિલીક્સના સ્થાપકની ધરપકડને અયોગ્ય ગણાવી હતી.

મૃત્યુદંડ ન આપવાની શરતે બ્રિટન અસાન્જેનું પ્રત્યાર્પણ કરે : એક્વાડોર

આંતરરાષ્ટ્રીય દબાણ ઉપરાંત એક્વાડોરના રાજ્યાશ્રયના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાથી અસાન્જેનો રાજ્યાશ્રય અને નાગરિકતા બંને રદ્ કર્યો હોવાનું જણાવ્યા પછી એક્વાડોરે બ્રિટનને એવી અપીલ પણ કરી હતી કે એવા દેશને અસાન્જેનું પ્રત્યાર્પણ ન કરતા જે તેને મૃત્યુદંડની સજા આપે.

અસાન્જે ઉપર એક્વાડોરના પ્રમુખ મોરેનોની ગુપ્ત વિગતો જાહેર કરવાનો આરોપ લાગ્યો હતો. તે પછી એક્વાડોર સાથેના તેના સંબંધો તંગ બન્યા હતા. એક્વાડોરે અસાન્જે ઉપર રાજ્યાશ્રયના નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે પછી આખરે આંતરરાષ્ટ્રીય દબાણ અને નિયમોના ઉલ્લંઘન બદલ અસાંજનો રાજકીય આશ્રય રદ્ થયો તે સાથે જ બ્રિટને તેની ધરપકડ કરી હતી. જોકે, એક્વાડોરના પ્રમુખ લેનિન મોરેનોએ બ્રિટનને એવી અપીલ કરી હતી કે અસાન્જેનું પ્રત્યાર્પણ એવા કોઈ દેશને ન કરે કે જ્યાં તેના ઉપર ટોર્ચરિંગ અને મૃત્યુદંડનું જોખમ હોય. મોરેનોએ બ્રિટિશ સરકાર પાસેથી લેખિતમાં ખાતરી માગી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P49465
via Latest Gujarati News

Post a Comment

0 Comments