આજે રાજસ્થાનને ઘરઆંગણે સતત બીજી જીતની આશા : દિલ્હી સામે ટક્કર

જયપુર, તા.૨૧

સ્ટીવ સ્મિથની કેપ્ટન્સીમાં આત્મવિશ્વાસભરી જીત મેળવ્યા બાદ રાજસ્થાન રોયલ્સ આવતીકાલે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે, ત્યારે તેઓની નજર ઘરઆંગણે સતત બીજો વિજય મેળવવા તરફ રહેશે. રાજસ્થાન રોયલ્સે ઘરઆંગણે મુંબઈને હરાવતા સિઝનનો ત્રીજો વિજય મેળવ્યો હતો અને હવે તેઓ ઘરઆંગણે વધુ એક જીત હાંસલ કરવા માટે ઉત્સુક છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પણ આગવો લય મેળવી રહી છે અને તેઓ છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીતી ચૂકી છે, જેના કારણે તેઓ રાજસ્થાનને તેના હોમગ્રાઉન્ડ પર હરાવવા માટે ઉત્સુક છે.

જયપુરમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. દિલ્હીની ટીમે કિંગ્સ ઈલેવન સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો અને તેઓ હાલ આઇપીએલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જોકે રાજસ્થાનની હાલત વધુ પડકારજનક છે અને તેઓ હાલ પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી આગળના ક્રમે છે. સ્મિથે કેપ્ટન્સી તો સંભાળી લીધી છે, પણ ઓપનર બટલરની ગેરહાજરીથી તેની મુશ્કેલી વધી છે. બટલર પિતા બનવાનો હોવાથી આઇપીએલ પડતી મૂકીને સ્વદેશ પરત ફર્યો છે. હવે સ્મિથની પાસે સ્ટોક્સ અને રહાણે જેવા બેટ્સમેનો જ બચ્યા છે. જોકે આવી સ્થિતિમાં સેમસન, રાહુલ ત્રિપાઠી અને રિયાન પરાગ અસરકારક સાબિત થઈ શકે તેમ છે. ટીમની બોલિંગ એર્ચેર અને ગોપાલ પર વિશેષ આધારિત રહેશે.

દિલ્હીના કેપ્ટન ઐયર અને સીનિયર ઓપનર ધવને ફોર્મ મેળવ્યું છે. પૃથ્વી શૉ, રિષભ પંત અને ઈનગ્રામ પણ દિલ્હીની બેટીંગને મજબુત બનાવી રહ્યા છે. જ્યારે રબાડા, અક્ષર પટેલ, મોરીસ, ઈશાંત અને મિશ્રા તેમજ લામિચ્છાનેના હાથમાં દિલ્હીની બોલિંગની જવાબદારી રહેશે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZpGYao
via Latest Gujarati News

Post a Comment

0 Comments