જમ્મુના કિશ્તવાડમાં સંઘના નેતા અને તેના સુરક્ષા ગાર્ડની હત્યા કરી આતંકી ફરાર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019

જમ્મુ કાશ્મીરના કિશ્તવરમાં આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં આરએસએસના એક નેતા અને પીએસઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ સૈન્ય અને સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું.

અહીં આવેલા એક સ્વાસ્થ્ય સેન્ટર પર એક આતંકીએ ગોળીબાર કરી દીધો હતો. દરમિયાન ગોળીબારમાં સંઘના નેતા ચંદ્રકાંત શર્મા ઘવાયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. 

શર્મા ઉપરાંત તેના સુરક્ષા જવાનની પણ આતંકીઓએ હત્યા કરી હતી. આ ઘટના બાદ જમ્મુ પ્રાંતમાં આતંકીઓની વિરુદ્ધ ઉગ્ર દેખાવો શરુ થઇ ગયા છે, જેને પગલે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરાયું હતું. ઇન્સ્પેક્ટર જનરલ મનીષ સિન્હાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લાગુ કરાયું છે.

અગાઉ પોલીસે દાવો કર્યો હતો કે કોઇ અજાણ્યા શખ્સે સંઘ નેતાના પીએસઓ પાસેથી રાઇફલ છીનવી લીધી હતી અને બાદમાં સંઘના નેતા પર ગોળીબાર કરી દીધો હતો. હુમલા બાદ આતંકીઓ રાજેન્દર પાસેથી હથિયાર લઇને ભાગી ગયા હતા. 

આ પહેલા ગયા વર્ષે પહેલી નવેમ્બરે ભાજપના રાજ્ય સચીવ અનિલ પરિહારની પણ આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. અનિલ પરિહાર પોતાની દુકાનેથી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. 

કિશ્તવર સિનિયર એસપી શક્તિ પાઠકે જણાવ્યું હતું કે સંઘના નેતા શર્મા અને તેમના પર્સનલ સિક્યોરિટી ઓફિસર રાજીન્દર કિશ્તવરમાં આવેલા એક સ્વાસ્થ્ય સેન્ટર પર ગયા હતા. જે દરમિયાન આતંકીઓ પહેલાથી જ તેમના પર નજર રાખી રહ્યા હતા અને પ્લાનિંગ પૂર્વક તેમના પર ગોળીબાર કરી દીધો હતો જેમાં શર્મા અને તેનો સુરક્ષા જવાન ગંભીર રીતે ઘવાયા હતા, શર્માને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે લઇ જવાયા હતા, જોકે તેઓનું વચ્ચે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના સુરક્ષા જવાનનુ પણ મોત નિપજ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ip67eX
via Latest Gujarati News

Post a Comment

0 Comments