
એરસ્ટ્રાઇકના પુરાવા માગનારાઓએ સર્જિકલ સ્ટ્રાઇક સમયે પણ સૈન્ય પર શંકા કરી હોવાનો દાવો
નવી દિલ્હી, તા.13 એપ્રિલ, 2019, શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ન્યાય યોજનાને લઇને આરોપો લગાવ્યા હતા. તેમણે તામિલનાડુમાં થેનીમાં પ્રચાર રેલીને સંબોધતી વેળાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ન્યાયની વાતો કરી રહી છે પણ ખરેખર તેના શાસનમાં અનેક લોકો સાથે અન્યાય થયો છે. ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણોના પીડિતોને હજુસુધી ન્યાય નથી મળ્યો.
આ ઉપરાંત કોંગ્રેસના શાસનમાં દલિત વિરોધી હિંસા અને ભોપાલ ગેસ હોનારતના પીડિતોને પણ ન્યાય નથી મળ્યો. મોદીએ સાથે દાવો કર્યો હતો કે હાલની સરકારના શાસનમાં આતંકી હુમલા નથી થતા અને દેશ સુરક્ષીત છે, જોકે વિપક્ષ પુલવામા હુમલાને લઇને મોદી પાસેથી જવાબ માગી રહ્યો છે કે જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા.
મોદીએ બાદમાં કોંગ્રેસની ન્યાય યોજના મુદ્દે ટોણો મારતા કહ્યું હતું કે હું કોંગ્રેસને પૂછવા માગુ છુ કે ૧૯૮૪ના રમખાણોના પીડિતોને કોણ ન્યાય આપશે? ભોપાલ ગેસ ટ્રેજેડીના પીડિતોને ન્યાય કોણ આપશે? કોંગ્રેસના શાસનમાં આ દરેક લોકોની સાથે અન્યાય થયો છે.
મોદીએ સાથે જણાવ્યું હતું કે કેરળના સબરીમાલા મુદ્દે ભાજપ શ્રધ્ધાળુઓની સાથે જ છે. મોદીએ સાથે શાયરાના અંદાજમા પોતાના વખાણ કર્યા હતા. તેમણે હિંદીમાં જણાવ્યું હતું કે યે મોદી હૈ, સિર્ફ મખ્ખન પર હી નહીં બલ્કિ પથ્થરો પર ભી લકીર ખીંચતા હૈ.
મોદીએ કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભાજપની હાર થઇ તે વિધાનસભાની ૂચૂંટણીને યાદ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે થોડી કચાસ રહી ગઇ જેને પગલે કર્ણાટકમાં ઘણુ નુકસાન થયું છે. મોદીએ સાથે સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે વિપક્ષ પુરાવા માગી રહ્યું હતું, જ્યારે ભારતીય સૈન્ય આતંકીઓના કેમ્પનો ખાતમો બોલાવી રહ્યા હતા ત્યારે આ લોકો પુરાવા માગી રહ્યા હતા અને શંકાઓ કરી રહ્યા હતા.
એટલુ જ નહીં વિપક્ષે સૈન્યના વડાને શેરીના ગૂંડ કહ્યા હતા. મોદીનું આ નિવેદન ત્યારે સામે આવી રહ્યું છે જ્યારે સૈન્યનો ઉપયોગ રાજકારણમાં ન કરવાની માગ કરતો ૧૫૬ જેટલા પૂર્વ સૈન્ય વડાઓ, અધિકારીઓનો પત્ર રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો છે. અને સૈન્યનો ઉપયોગ રાજકારણ માટે ન કરવાની વિનંતી કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D9S5KU
via Latest Gujarati News
0 Comments