ભાજપ માટે જેણે લોહી રેડયું છે તે કાર્યકરોની ઉપેક્ષા: પારકાં પોતાના!


ભારતમાં ૧૯૯૫ પછી હિન્દુત્વની લહેર ચાલી હતી અને તેણે દેશભરના રાજ્યોમાં ભાજપને સત્તા અપાવી હતી અથવા તો પાર્ટીનું અસ્તિત્વ બતાવ્યું હતું પરંતુ વર્ષોના સંઘર્ષ પછી ભાજપના એવા કેટલાય નેતાઓ છે તેઓ ભાજપની નવી પાવરફુલ કેડર સામે ટકી શક્યા નથી. નવી તાકાત સામે ઝઝૂમી નહીં શકેલા નેતાઓ ગુજરાત અને દિલ્હીમાં ખૂણો પાળી રહ્યાં છે.

ભાજપના સિનિયર મોસ્ટ નેતા અને નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોષીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ટિકીટ નહીં આપીને ભાજપની સેકન્ડ કેડરે નવા લોહીને તક આપવાના બહાના હેઠળ તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગુજરાતમાં ૨૦૦૧ પછી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને સુરેશ મહેતાનો એકડો કાઢી નાંખવામાં આવ્યો હતો તેમ દિલ્હીમાં આ બે રાષ્ટ્રીય નેતાઓનો એકડો નિકળી ગયો છે.

ભાજપ આજે દેશની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. ૧૯ રાજ્યોમાં એનડીએનું શાસન છે છતાં ભાજપની વિડંબણા એ છે કે પાર્ટીમાં બઘું ઠીક ચાલી રહ્યું નથી. ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાએ અડવાણી અને જોષી ઉપરાંત પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંતસિંહા, વરૂણ ગાંધી, હરિયાણાના માસ્ટર હરિસિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરી, વિશ્વ હિન્દુ પરિષદના ડો. પ્રવિણ તોગડિયા, સંઘના અગ્રણી સંજય જોષી જેવા નેતાઓની ઉપેક્ષા કરવામાં આવી છે. જે બે નેતાઓ પાર્ટીમાં ઉપેક્ષા સહન કરી શક્યા નથી તે--નવજોતસિંહ સિંધુ અને શત્રુધ્નસિંહા કોંગ્રેસમાં જોડાયા છે.

ભાજપની પહેલી હરોળના નેતાઓની કારકિર્દી માત્ર દિલ્હીમાં પૂરી થઇ છે તેવું નથી. ગુજરાતમાંથી શરૂ થયેલી આ ઝૂંબેશ દિલ્હીમાં આગળ વધી છે. ગુજરાતના સિનિયર નેતાઓમાં સંખ્યાબંધ રાજકીય નેતાઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. આ નેતાઓનો ઉદય ૧૯૯૫માં ભાજપની ગુજરાતની સરકાર સાથે થયો હતો.

ભાજપની સેકન્ડ કેડર સત્તામાં આવ્યા પછી પહેલી હરોળના નેતાઓની રાજકીય સફરનો અંત આવ્યો છે. ભાજપમાં ૧૯૯૫ પછી  સ્વ. ચીમન શુક્લ, સ્વ. કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇને સાઇડટ્રેક કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ભાજપનો ઉદય ૧૯૯૫માં થયો હતો ત્યારે જેઓનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો તેવા નેતાઓ આજે ભાજપનો ખૂણો પાળીને બેઠાં છે જે પૈકીના ઘણાં નેતાઓના જીવનનો પણ અસ્ત પણ થઇ ચૂક્યો છે. ગુજરાતમાં ભાજપને સત્તામાં લાવવા માટે જે નેતાઓએ લોહી પાણી એક કર્યા હતા, તેઓને આજે રાજકીય લોહીની જરૂર છે પરંતુ તે મળી શકતું નથી. ભાજપમાં કોંગ્રેસના આયાતી નેતાઓની બોલબાલા છે.

ગુજરાતમાં તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને ચાર કલાકમાં કેબિનેટનું પદ મળી જતું હોય છે. કોંગ્રેસ છોડવાનો વિચાર કરે તે ધારાસભ્યની આગળ પાછળ મધમાંખીની જેમ ભાજપના નેતાઓ ફરતા જોવા મળે છે. ભાજપમાં પાયાના કાર્યકરોની જગ્યાએ પારકાને વહાલા કરવાનો સમય આવ્યો છે. ભાજપના નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનું લિસ્ટ બનાવે તો તેમને પણ આશ્ચર્ય થશે તે આપણી પાર્ટી કોંગ્રેસનો નવો અવતાર બની ચૂકી છે.

ગુજરાતમાં કેશુભાઇ પટેલનું શાસન હતું ત્યારે જે લોકો સુપ્રીમ પદ ભોગવી રહ્યાં હતા તેઓ આજે અસ્તાચળ ભણી ધકેલાયા છે. ૨૦૦૧માં જ્યારે ભાજપનું ક્લેવર બદલાયું અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી કેશુભાઇ પટેલ અને તેમના જૂના સાથીદારોને પાર્ટીએ ખૂણામાં ધકેલી દીધા છે. મોદીની સાથે અમિત શાહની રાજકીય કારકિર્દી શરૂ થઇ ત્યારે તેમના જૂના સાથીદારો કે જેમણે ભાજપની સરકાર બનાવવામાં દિવસ-રાત એક કર્યા છે તેઓ આજે સક્રિય રાજકારણમાં ક્યાંય જોવા મળતા નથી.

ભાજપમાંનવી પેઢીના નેતાઓ પાર્ટીમાં સારૂં કે ખરાબ જોતા નથી પરંતુ સત્તા મળી જાય છે ત્યારે ઉપરના સાહેબ કહે તેમ નિર્ણયો લેવા પડે છે. 

કેશુભાઇ પટેલની સરકારમાં કેબિનેટ મંત્રીઓ ફ્રી હતા. તેઓ જાતે નિર્ણય લઇ શકતા હતા પરંતુ હવેની ભાજપની સરકારમાં કેબિનેટ મંત્રીઓ પાસે એટલા પાવર નથી. કેબિનેટ મંત્રીના સેક્રટેરીની બદલી થાય ત્યારે જે તે મંત્રીને મિડીયા મારફતે ખબર પડે છે. ભાજપે મુખ્યમંત્રીના દાવેદાર બે નેતાઓ આનંદીબહેન પટેલ અને વજુભાઇ વાળાને રાજ્યપાલ પદે બેસાડી દીધા છે. આ પહેલાં કેબિનેટમાંથી દૂર કરવા માટે અશોક ભટ્ટ અને વજુભાઇ વાળાને વિધાનસભાના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ભાજપની જૂની ધરીના નેતાઓમાં કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા, સંજય જોષી અને શંકરસિંહ વાઘેલા હયાત છે પરંતુ જેમની સૌથી વધુ અવગણના થઇ હતી તેવા કાશીરામ રાણા, ચીમન શુક્લ આજે હયાત નથી. ગુજરાતમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું શાસન છે.

એવી જ રીતે રાષ્ટ્રીય ભાજપમાં એક સમય હતો ભાજપની કમાન અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, પ્રમોદ મહાજન અને મુરલી મનોહર જોષીના હાથમાં હતી. આજે બદલાયેલી સ્થિતિમાં પાર્ટીની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના અઘ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના હાથમાં છે. કેન્દ્રીય નેતાઓમાં રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ અને નિતીન ગડકરી કે જેઓ મોડરેટ છે તેઓ પાર્ટીના મહત્વના નિર્ણયોમાં ક્યારેક સામેલ હોતા નથી.

ભાજપમાં ખોવાયેલાં કેટલાંક  ચહેરા

કેશુભાઇ પટેલ

સુરેશ મહેતા

શંકરસિંહ વાઘેલા

સંજય જોષી

સુરેન્દ્ર પટેલ

ડો. એ.કે. પટેલ

માયાબેન કોડનાની

વજુભાઇ વાળા

ગોરધન ઝડફિયા

જયનારાયણ વ્યાસ

નરોત્તમ પટેલ

વિપુલ ચૌધરી

પ્રવિણ તોગડિયા

શિવલાલ વેકરિયા

વસુબેન ત્રિવેદી

હરિન પાઠક

ભરત બારોટ

મફતભાઇ પટેલ

ખોડાજી ઠાકોર

ભૂપેન્દ્ર લાખાવાલા

સોમજી ડામોર

ભાવસિંહ રાઠોડ

ઉર્વશી દેવી

પરમાનંદ ખટ્ટર

કનુ માવાણી

બાલુ તંતી

યતીન ઓઝા

બેચર ભાદાણી

મંગુભાઇ પટેલ

દેવાણંદ સોલંકી

રમણ વોરા

બાબુ બોખિરીયા

લીલાધર વાઘેલા

મહેન્દ્ર મશરૂ

જશુબે કોરાટ

બાવકુ ઉંઘાડ

વલ્લભ કાકડિયા

રામસિંહ પરમાર

ભૂપેદ્ર લાખાવાલા

ભાજપનું કોંગ્રેસીકરણ: ૬૫ પૂર્વ કોંગેસી ધારાસભ્યો ભાજપમાં
સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. રાજ્યમાં ૧૯૯૫માં હિન્દુત્વની લહેરમાં જે બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં ૨૨ ટકા કોંગ્રેસી નેતાઓ ઘૂસી ચૂક્યાં છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે ૨૦૦૨થી ૨૦૧૯ સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને આગેવાનોની ભરતી કરી છે.

ભાજપે ચાર વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. એવી જ  રીતે લોકસભાની ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં પણ પાર્ટીના નબળા ઉમેદવારોને જીતાડવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કે સંસદસભ્ય ભાજપમાં જોડાય એટલે સ્વાભાવિક છે કે તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાય છે તેથી સંગઠનમાં પણ કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થયું છે.

ગુજરાત કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોટા નેતાઓ કે જેમાં સાંસદો તેમજ ધારાસભ્યોનો સમાવેશ થાય છે તેની સંખ્યા ૫૭ થવા જાય છે. એટલે કે ગુજરાતમાં ભાજપની સરકાર અને સંગઠન છે તેમાં ૨૨ ટકા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે.

સમાજમાં વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપે સરકાર અને સંગઠનમાં મહત્વના હોદ્દા આપ્યા છે. જેમ કે બલવંતસિંહ રાજપૂતને ભાજપની સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં ચેરમેન બનાવ્યા છે, જ્યારે મહેસાણાના કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલને ભાજપે ગુજરાત મિનરલ ડેવલમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેનનું પદ આપ્યું છે.

રાજ્યમાં ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોની ભાજપમાં સંખ્યા ૫૭ થવા જાય છે. એ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણીમાં મેળવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યોને તોડીને કોંગ્રેસનું શાસન ભાજપે આંચક્યું છે. 

કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાનું સૂત્ર લઇને આગળ વધતા ભાજપમાં અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સંસ્થાઓના કોંગ્રેસના ૧૫૦૦ જેટલા સભ્યો હાલ ભાજપમાં છે. મોટા નેતાઓની સાથે તેમના સમર્થકો અને સાથીઓ પણ ભાજપમાં જોડાયા હોવાની ૩૫ ઘટનાઓ ગુજરાતમાં બની છે જેમાં કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા ૪૫૦૦ કરતાં વધુ જોવા મળે છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂટણીમાં ભાજપે પક્ષાંતર કરાવીને કોંગ્રેસના સિનિયર ડઝનબંધ નેતાઓને પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કેબિનેટમાં મહત્વના પદ આપવામાં આવ્યા છે. 

ભાજપમાં વર્ષોેથી ચૂંટાઇને ધારાસભ્ય બનતા સિનિયર સભ્યોને મંત્રીપદ મળતું નથી પરંતુ કોંગ્રેસના આયાતી સભ્યોને સરકારમાં મહત્વના પદ મળી જાય છે. ગુજરાત ભાજપને જાણે કે કોંગ્રેસનો રોગ લાગ્યો છે. આ રીતે કોંગ્રેસને ખતમ કરીને ભાજપે પ્રવેશના દરવાજા ખોલીને શું સિદ્ધ કર્યું છે તે પાર્ટીના પાયાના કાર્યકરોને સમજાતું નથી.

કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યને પ્રવેશ આપવાની ભાજપની સ્માર્ટ પદ્ધતિ એવી છે કે કોઇપણ ધારાસભ્ય પાર્ટી બદલે તો પક્ષાંતર ઘારો લાગુ પડે, પરંતુ એક બે કે પાંચ ધારાસભ્યોને રાજીનામું અપાવીને ભાજપ તેને પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવે છે અને જીતાડે છે. ભૂતકાળમાં કોંગ્રેસ અને ભાજપના બાગી નેતા શંકરસિંહ વાઘેલાએ પક્ષાંતર ધારાથી બચવા માટે વન-થર્ડ ધારાસભ્યોને તોડવાનું કામ કર્યું હતું જેથી તેઓ સરકારનો હિસ્સો બની શકે!!

૨૦૦૨ પછી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાંસદ-ધારાસભ્ય

૧. કુંવરજી બાવળિયા

૨.  ડો. આશા પટેલ

૩. જવાહર ચાવડા

૪.  વિઠ્ઠલ રાદડિયા

૫. જ્યેશ રાદડિયા

૬. નરહરિ અમીન

૭. રાધવજી પટેલ

૮. ધર્મેન્દ્રસિંહ જાડેજા

૯. બાવકુ ઉંઘાડ

૧૦. સી. પી સોજીત્રા

૧૧. જશાભાઇ બારડ

૧૨. તેજશ્રી પટેલ

૧૩. રામસિંહ પરમાર

૧૪. અમિત ચૌધરી

૧૫. માનસિંહ ચૌહાણ

૧૬. સીકે રાઉલજી

૧૭. ભોળાભાઇ ગોહિલ

૧૮. કરમશી પટેલ

૧૯. મહેન્દ્રસિંહ વાઘેલા

૨૦. બલવંતસિંહ રાજપૂત

૨૧. પ્રહલાદ પટેલ

૨૨. છનાભાઇ ચૌધરી

૨૩. શ્યામજી ચૌહાણ

૨૪. ગિરીશ પરમાર

૨૫. જ્યંતિલાલ પરમાર

૨૬. સુંદરસિંહ ચૌહાણ

૨૭. નિમાબહેન આચાર્ય

૨૮. છબીલ પટેલ

૨૯. રાજેન્દ્ર ચાવડા

૩૦. પ્રભુ વસાવા

૩૧. પરેશ વસાવા

૩૨. કુંવરજી હળપતિ

૩૩. દલસુખ પ્રજાપતિ

૩૪. પરસોત્તમ સાબરિયા

૩૫. વલ્લભ ઘાવરિયા

૩૬. જીવાભાઇ પટેલ

૩૭. મનીષ ગિલીટવાલા

૨૮. શંકર વારલી

૩૯. લીલાધર વાઘેલા

૪૦. દેવજી ફતેપરા

૪૧. કુંવરજી હળપતિ

૪૨. પરબત પટેલ

૪૩. તુષાર મહારાઉલ

૪૪. ઉદેસિંહ બારિયા

૪૫. ભાવસિંહ ઝાલા

૪૬. લાલસિંહ વડોદિયા

૪૭. મગન વાઘેલા

૪૮. ઇશ્વર મકવાણા

૪૯. સુભાષ શેલત

૫૦. ઉર્વશીદેવી

૫૧. મનસુખ વસાવા

૫૨. કરસનદાસ સોનેરી

૫૩. ભાવસિંહ રાઠોડ

૫૪. અનિલ પટેલ

૫૫. નટવરસિંહ પરમાર

૫૬.જયદ્રથસિંહ પરમાર

૫૭. પીઆઇ પટેલ

રાજકીય હરીફ લાગે તેની પાંખો કાપી નાખો
ઉપેક્ષા કરો, દૂર રાખો, માનીતાઓને ગોઠવો એવી બહુઆયામી ચાલ ખેલાયના અનેક, જાણીતા ઉદાહરણ છે. જેમ કે, મુખ્યમંત્રીપદની ક્ષમતા ધરાવતા હોવા છતાં વજુભાઈ વાળાને પહેલાં ગુજરાત વિધાનસભાના સ્પીકરપદે બેસાડી દેવાયા; રાજકીય રીતે મૂળ કાપવાની શરૂઆત થઈ. નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદે આરૂઢ થાય તો અનુગામીપદે વજુભાઈ યોગ્ય ગણાય પણ એમ ન થયું. આનંદીબહેનને મુખ્યપ્રધાનની ખુરશી અપાઈ અને પછી ગુજરાતના રાજકારણમાં વજુભાઈની વગ ઓછી કરવા કર્ણાટકના રાજ્યપાલ બનાવી દેવાયા. 

આનંદીબહેન પટેલે, પાટીદાર આંદોલન પછી ફેસબુક રાજીનામું આપી દીધું પછી. એક સહજ નામ સુરેન્દ્ર પટેલ (સુરેન્દ્ર કાકા) પક્ષ સામે, કાર્યકરો સામે મળ્યું હતું. સારી એવી રાજકીય પકડ ધરાવતા સુરેન્દ્ર પટેલનું વ્યક્તિત્વ તેમજ મુખ્યપ્રધાન બને તેવી લાયકાતવાળું છે. તેમને ય પક્ષીય માળખામાં ફસાવી દઈને, પાંખો કાપી નખાયેલી છેેે. મોભી ખરા પણ મહત્ત્વ નહી આપવાનું કામની જવાબદારી ખરી પણ પક્ષમાં એક ખૂણે રહીને જ કરવાની ! અને આમ કરીને એક યોગ્ય અગ્રણીને સત્તાથી દૂર રખાયા.

રહરિ, સરકારમાં મોટા હોદ્દાની અપેક્ષામાં હતા છતાં વખારે નાખી દેવાયા પછી રાજ્ય આયોજન પંચના નાયબ અધ્યક્ષ બનાવી કેબિનેટ દરજ્જો, ઓફિસ વાહનની સવલત આપી દઈ મહત્ત્વ અપાયાનું દેખાડાયું હકીકતમાં સાઇડલાઇન કરી દેવાયા છે. મોદી સામે પડીને, કેશુભાઈ સાથે રહીને નવો પક્ષ રચનારા ગોરધન ઝડફિયા.

ભાજપ બહાર બહુ લાંબો સમય રહી શક્યા નહીં પણ છેવટે તો ભાજપમાં જવું જ પડયું. જો કે, મહત્ત્વ ન અપાયું હમણાં લોકસભાની ચૂંટણી ટાણે ઉત્તર પ્રદેશમાં ઇન્ચાર્જ બનાવી દેવાયા લાગ્યું કે મહત્ત્વ અપાયું છે પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની રાજનીતિથી દૂર હડસેલી દેવાયા છે.

સૌથી મોટો કિસ્સો પક્ષના વરિષ્ઠત્તમ અગ્રણી કેશુભાઈ પટેલનો છે અને ભાજપને સુવાંગ સત્તા મળ્યા પછીના ટૂંકા ગાળામાં કેશુભાઈ પટેલને ખૂણે ધકેલાઈ જવું એ ઘટના કોઈ ભૂલી શકે એમ નથી. ૧૯૯૫માં સત્તા મળી તના છ મહિનામાં શંકરસિંહે ખજૂરાહો પ્રકરણ સર્જ્યું, વિશ્વાસનો મત મેળવી લઈ કેશુભાઈને પ્રથમ હીરો બનાવાયા અને તત્કાળ રૂખસદ મળે તેવો કારસો ઘડાયો.

૧૯૯૮માં પુનઃ સત્તા પ્રાપ્ત થઈ પણ ૨૦૦૧ના ઓક્ટોબરમાં સાવ વાહિયાત કારણોસર કેશુભાઈને 'વનવાસ' સાંપડયો. તે ઘડીને આજનો દિવસ કેશુભાઈ હાંસિયાના મોભી જ બની રહ્યા છે. એટલું જ નહી એમની સાથે ઘરોબો રાખનારાઓને પણ વગે પાડી દેવાયાનો ઇતિહાસ રસપ્રદ છે. જેમની આંગળી પકડીને ચાલ્યા એમને લાકડી પકડાવી દઈ વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવાની સ્થિતિ જેવું જ આ કિસ્સામાં થયેલું છે.

મોદીએ સત્તાનો રથ હાથમાં લીધો ત્યારે કેશુભાઈ અને સુરેશ મહેતાને પોતાના સારથી ગણાવ્યા હતા. સ્થિતિ એવી કરી કે સારથી ગણાવ્યા હતા. સ્થિતિ એવી કરી કે સારથીઓ રસ્તા પર આવી ગયા. રથ કોઈક લઈ ગયું !

ભાજપની નો-રિપિટ થિયરી
આણંદ લોકસભા બેઠકની ચૂંટણી મિતેશભાઈ રમેશભાઈ પટેલ (બકાભાઈ) પ્રથમ વખત લડે છે. ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ વર્ષ ૧૯૮૬માં બેંગ્લોરની બોર્ડ ઓફ ટેકનીકલ એક્ઝામીનેશનમાંથી સેકન્ડ ક્લાસ સાથે ડીપ્લોમા ઈન ટેલીકોમ્યુનીકેશન એન્જીનીયરીંગની ડીગ્રી મેળવેલ છે. 

તેઓની વિરૂધ્ધ વાસદ પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૨માં ફ.ગુ.રજી.નં.૪૯/૨૦૦૨ તથા ફ.ગુ.રજી.નં.૫૮/૨૦૦૨ મુજબ બે ક્રીમીનલ કેસ નોંધાયેલા છે. જેમાં ગેરકાયદેસર મંડળીના સભ્ય બની મિલ્કતોને સળગાવી પથ્થર મારો કરી સામાન્ય ઈજા પહોંચાડવાનો આક્ષેપ છે. જે પૈકી ફ.ગુ. રજી.નં.૪૯/૨૦૦૨નો કેસ હાલ ગુજરાત હાઈકોર્ટમાં એક્વીટલ સામેની ક્રીમીનલ અપીલ નં.૬૬/૧૧ કાર્યવાહી અંતર્ગત પેન્ડીંગ 

કોંગ્રેસનો ભરતસિંહ પર વિશ્વાસ યથાવત્
કોંગ્રેસ દ્વારા ૨૦૦૪ અને ૨૦૦૯માં વિજયી થયેલ તેમજ ૨૦૧૪માં હારનો સ્વાદ ચાખનાર ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને ચોથી વખત મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ સોલંકીએ બી.ઈ.(સીવીલ) સુધીનો અભ્યાસ કરેલ છે. 

આણંદ બેઠક પર ૧૯૫૭થી ૨૦૧૪ સુધીના સમયગાળા દરમ્યાન યોજાયેલ લોકસભાની ૧૪ ચૂંટણી પૈકી ૧૦ ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે. આણંદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકો પૈકી કોંગ્રેસનો ગઢ ગણાતી બોરસદ, આંકલાવ અને પેટલાદમાં કોંગ્રેસનો ઘટી રહેલ દબદબો ૨૦૧૪ની હાર માટે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે લોકસભા-૨૦૧૯માં આ ફેક્ટર કામ કરી શકે છે.

બેઠકની વિશિષ્ટતા  
કોંગ્રેસના જુનાજોગી ભરતસિંહ સોલંકી અગાઉ ૨૦૦૪ અને ૨૦૦૯માં બે વખત જંગી બહુમતીથી લોકસભાની ચૂંટણી જીત્યા છે જ્યારે ૨૦૧૪માં હારનો સ્વાદ ચાખ્યો છે.

આણંદ લોકસભા બેઠક પર ૧૯૫૭ થી ૨૦૧૪ સુધીના સમયગાળા દરમ્યાન યોજાયેલ ૧૩ ચૂંટણીઓ પૈકી ૧૦માં કોંગ્રેસનો જ્યારે ૧૯૮૯, ૧૯૯૯ અને ૨૦૧૪માં યોજાયેલ ત્રણ ચૂંટણીમાં જ ભાજપનો ભગવો લહેરાયો હતો તેમજ ૧૯૬૨માં સ્વતંત્ર પક્ષે બાજી મારી હતી.

આણંદ લોકસભા બેઠક પર ૨૦૦૪માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બસપા અને ચાર અપક્ષ સહિત કુલ ૭ ઉમેદવારો મેદાનમાં હતા. જ્યારે ૨૦૦૯માં ભાજપ, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી, ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ઈન્ડીયન જસ્ટીસ પાર્ટી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અને ૯ અપક્ષ સહિત કુલ ૧૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dk1xv9
via Latest Gujarati News

Post a Comment

0 Comments