કાપડ બજારમાં કપાસ અને કોટન યાર્નના ભાવમાં વધારો થયેલ છે. કપાસના ભાવ રૂા. ૪૬૦૦૦થી ૪૬૫૦૦ થવા પામેલ છે અને ક્વોલીટીવાળા કપાસના ભાવ રૂા. ૪૭૦૦૦ સુધી પહોંચી ગયેલ છે.  કપાસના ભાવ વધારાના લીધે કોટન યાર્ન બજારમાં પણ તેજી જોવા મળી રહેલ છે.

કાપડમાં વપરાતા રો મટીરીયલમાં કોટન યાર્નના ભાવ વધારાના લીધે કોટન કાપડ બનાવવાના કોસ્ટિંગ ઊંચા ગયેલ છે અને આના પરિણામે વેપારી વર્ગ અને પાવરલુમ ઉત્પાદક યુનિટો કોટન કાપડના ભાવ ઊંચા ક્વોટ કરી રહેલ છે. બજારમાં ઘરાકી છે. પરંતુ નાણા વગરની ઘરાકી ગણી શકાય. કાપડ બજારમાં નાણાંભીડ કાયમની થઇ ગયેલ છે અને નવો માલ આપો તો જુના પેમેન્ટ નીકળે તેવું થતા કાપડના ધંધામાં રોકાણ વધતું જોવા મળી રહેલ છે.

કાપડ બજારમાં જુન સુધી ઘરાકીના મહિનાઓ ગણી શકાય. તા. ૬ મેથી રમઝાન મહિનાની શરૂઆત થયેલ છે. રમઝાન મહિનામાં વધારો પડતા વ્હાઇટ-સફેદ કાપડની લેવાલી વધુ થતી હોય છે. આના પરિણામે વ્હાઇટ કાપડમાં લેવાલી સારી રહેલ છે. વધુમાં લગ્નગાળાના લીધે ફેન્સી માલોની ઘરાકી પણ સારી છે. દેશમાં અત્યારે સારી ગરમી પડી રહેલ છે. અમુક જગ્યાએ ગરમીએ રેકોર્ડ તોડેલ છે. આના લીધે ગરમીથી ચાલતા કોટન અને ઝીણા માલોમાં મલમલ, ફેબ્રિકના માલોની ડીલીવરી વધુ થતી હોય છે.

આગળ સ્કુલ યુનિફોર્મના માલોમાં ઘરાકી વધુ રહેશે. તેના લીધે અત્યારે પાવરલુમ ફેકટરીઓ અને કમ્પોઝીટ મિલો સ્કુલ યુનિફોર્મના માલો બનાવતા થયેલ છે. જોકે આગળ ચૂંટણી આવતી હોવાના લીધે વેપારીવર્ગ મન મૂકીને ધંધો કરવાના મૂડમાં નથી. કાપડના ધંધામાં પેમેન્ટના ધારા-ધોરણ બગડી જવા પામેલ છે. પેમેન્ટના ટર્મ ૬થી ૮ મહિના અને એમાં પણ પાર્ટીઓ ઢીલી પડવાની હવા અને વાતોના લીધે બજારનું મોરલ બગડવા પામેલ છે.

કાપડના ધંધામાં આટલા મોટા પ્રમાણમાં રોકાણ કરવા છતાં તેનું મળતર ઓછું થવાના લીધે વેપારી વર્ગની અકળામણ વધવા પામેલ છે. પાવરલુમ ફેકટરીઓ પાસે કોઇ ફીક્સ પ્રોગ્રામ નથી. અને અનસોલ્ડ માલો બનાવી રહેલ છે. કમ્પોઝીટ મિલો પાસે પણ સ્ટોક વધતો જોવા મળી રહેલ છે. પ્રોસેસના કારખાના પાસે કામકાજના અભાવે અઠવાડીએ બે દિવસ બંધ રાખવું પડે છે.

સ્પીનીંગ યુનિટો પણ કપાસના વધી ગયેલ ભાવના લીધે નુકસાન કરીને માલો બનાવી રહેલ છે. જોકે છેલ્લા ૧૦ દિવસમાં કોટન યાર્નના સ્કીલ ભાવો વધવા પામેલ છે. ગારમેન્ટના કારખાના પાસે કામકાજ સારા છે. પરંતુ સ્કીલ કારીગરોની અછતના લીધે ગારમેન્ટના કારખાના પૂરી ક્ષમતાથી કામ કરી શકતા નથી. સુરતમાં પણ ચૂંટણી અને લગ્નગાળાના લીધે મોટા પ્રમાણમાં કારીગર વર્ગ પોતાના વતન ગયેલ છે.

અને આના પરિણામે સુરત અને અમદાવાદમાં ઉત્પાદન યુનિટો પૂરી ક્ષમતાથી કામ કરી શકતા નથી. વધુમાં વધુ પડતી ગરમીના લીધે  પાવરલુમ ફેકટરીઓમાં તાર તૂટતા પાવરલુમ ફેકટરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી શકતા નથી. આવા સંજોગોમાં વિવર્સો પોતાની અમુક લૂમો બંધ રાખી રહેલ છે. પ્રોસેસ હાઉસો પાસે કામકાજના અભાવે અઠવાડિયે બે દિવસ રજા પાળી રહેલ છે.

કમ્પોઝીટ મિલો હવે સ્ટોક ઘટાડવાનું મનોબળ નક્કી કરેલ છે. કમ્પોઝીટ મિલો પણ જેટલા પ્રોગ્રામ હોય તેટલું જ ઉત્પાદન કરે છે. વધુમાં જીએસટી આવ્યા બાદ વેપારી વર્ગ સ્ટોક રાખતા નથી. અને આગળ જરૂર પડે તેટલી જ ખરીદી વેપારી વર્ગ કરી રહેલ છે. લોકલ તથા દેશાવરોની ચેનલોમાં માલ સારા પ્રમાણમાં છે.

વધુમાં ડોલર સામે રૂપિયો મજબૂત થવાના લીધે એક્ષપોર્ટના માલો હવે બીજા દેશોને મોંઘા પડી રહેલ છે. આના પરિણામે આપણા હરિફ દેશો જેવા કે બાંગ્લાદેશ, તુર્કી, પાકિસ્તાન અને વિયેતનામના માલો સસ્તા પડતા હોવાના લીધે ભારતના ટેક્ષટાઇલ માલો મોંઘા પડી રહેલ છે. છેલ્લા ૬ મહિનામાં ડોલર સામે રૂપિયો જે ૭૬ ચાલતો હતો તે ઘટીને ૬૯ સુધી પહોંચી ગયેલ છે. આના લીધે આપણા ટેક્ષટાઇલના માલો નિકાસ કરતા દેશોને મોંઘા પડી રહેલ છે.

કાપડના ભાવ: ડેનિમ કાપડમાં ઘણા ઉત્પાદક યુનિટો થઇ ગયેલ છે. ડેનિમ કાપડના ઉત્પાદન માટે ગુજરાત હવે હબ થઇ ગયેલ છે. ઉત્પાદન વધુ અને ડીમાન્ડ ઘટતા ડેનિમના ભાવ ઓછા થવા પામેલ છે. ૧૩ ઔંસ ડેનિમમાં રૂા. ૧૩૦ના ભાવથી સોદા થયેલ છે. ૧૦।। ઔંસ કોટન લાયક્રા ડેનિમ રૂા. ૧૨૦માં વેચાય છે. ૪।।થી ૫ ઔંસ ૩૦/૧૫૦ સિલ્કી ડેનિમમાં જે હલ્કી ક્વોલીટી છે તે રૂા. ૯૫ અને સારી ક્વોલીટી રૂા. ૧૦૫થી રૂા. ૧૧૦ સુધી માલો વેચાય છે. ૫ ઔંસ કોટન ડેનિમ ૩૦/૩૦ ૬૫ પનો ફીનીશ રૂા. ૧૨૦ સુધી માલો વેચાય છે. ડેનિમમાં હવે મોટા પનાની ડીમાન્ડ સારી રહેવા પામેલ છે. ડેનિમ ૧૦।। ઔંસ  લાયક્રાના ભાવ રૂા.  ૧૨૫ છે.

શીટીગ ક્વોલીટી ૫૦ પનો ગ્રે ૨૦/૨૦ ૫૬/૬૦ રૂા. ૩૫ના ભાવથી સોદા થયેલ છે. ૬૩ પનો ગ્રે રૂા. ૪૮ અને ૧૨૦ પનામાં રૂા. ૧૦૦ના ભાવથી માલો વેચાય છે. ૫૦ પનો ગ્રે ૨૦/૨૦ ૫૨/૫૨ રૂા. ૩૪ના ભાવથી માલો વેચાય છે. ૫૯ પનો ગ્રે રૂા. ૩૬ અને ૬૩ પનો ગ્રે રૂા. ૪૦ અને ૭૨ પનો ગ્રે રૂા. ૪૭માં સોદા થયેલ છે.

૫૦ પીસી ૮૦/૭૬ ૮૫૦૦ ગ્રામ વજનના ગ્રે રૂા. ૨૨ છે. ૮૨૦૦ ગ્રામ ગ્રેના રૂા. ૨૧માં સોદા થયેલ છે. ૪૫ પીવી બાય ૪૫ પીવી ૮૪/૭૬ ૧૦૭૦૦ ગ્રે રૂા.  ૨૮માં માલો  વેચાય છે.

શ્રધ્ધાંજલિ: કાપડ બજારમાં યાર્નના વેપારમાં નામાંકીત વેપારી કલ્યાણભાઇ પી જયંતિલાલ વાળાનું નિધન થતા યાર્ન બજારે એક બાહોશ અને અનુભવી વેપારી ગુમાવેલ છે. કાપડ બજારમાં યાર્ન બજાર અને પાવરલુમ બજારમાં કલ્યાણભાઇનું યોગદાન મોટું હતું.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uQAQK3
via Latest Gujarati News