વેટ કાયદા હેઠળ બેવડી વેરાશાખ કપાત બાબતે રેમિશનની સ્કીમ


જીએસટી કાયદો તો આવી ગયો પણ હજી સરકારનું વેટ કાયદામાં પૂંછડું પછાડવાનું બાકી રહી ગયું છે. જીએસટી કાયદો આવ્યા બાદ નાબૂદ થયેલા કાયદા હેઠળ આકારણી કરવાની સત્તા બાબતે ખૂબ મોટો વિવાદ છે. હાલમાં નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માટે વેટ કાયદા હેઠળ અંધાધૂંધ નોટિસો બજાવવામાં આવી રહી છે. તદ્ઉપરાંત નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ત્રણ માસ માટે પણ આકારણીની નોટિસો બજાવવામાં આવી રહી છે.

વેટ કાયદામાં વર્ષના ટુકડાનું આકારણી કરવાની કોઇ સત્તા નથી જેમ જુના ગુજરાત વેચાણ વેરા કાયદામાં આપેલ હતી. જીએસટી કાયદો અમલમાં આવ્યા બાદ વેટ કાયદા હેઠળ તમામ વેપારીઓને (વિશિષ્ટ માલના વેચાણમાં સંકળાયેલ હોય તે સિવાયના) બિનનોંધાયેલ ગણી લેવામાં આવ્યા છે તો કલમ ૩૪ હેઠળ આકારણીની નોટિસનું કોઇ વર્ચસ્વ રહેતું નથી.

ગુજરાત વેટ કાયદામાં કલમ ૧૧(૩) (બ) હેઠળ જ્યારે કોઇ વેપારી કરપાત્ર માલની રાજ્ય બહાર પોતાની શાખા અથવા કન્સાઇનમેન્ટ એજન્ટને તબદીલ કરે છે ત્યારે ૪% લેખે વેરા શાખ નામંજૂર કરવામાં આવતી. જ્યારે કરપાત્ર માલના ઉત્પાદનમાં કોઇ વસ્તુ બળતણ તરીકે વપરાશ કરવામાં આવતી ત્યારે તેની કરપાત્ર ખરીદીમાંથી ૪ ટકા વેરાશાખ નામંજૂર કરવામાં આવતી. આ બાબતે ખૂબ મોટો વિવાદ રહેતો અને બે વખત વેરાશાખની કપાત કરવાનો પેચીદો પ્રશ્ન ઉપસ્થિત થતો.

આ વિવાદનો અંત લાવવા માટે અને જોગવાઇનું સાચુ અર્થઘટન કરવા માટે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. દ્વારા અપીલ કરવામાં આવેલ હતી. આદરણીય ગુજરાત વેટ ટ્રીબ્યુનલ તથા ગુજરાત હાઇકોર્ટે ઠરાવેલ કે કલમ ૧૧ (૩) હેઠળ બળતણની ખરીદીની કપાત એક જ વખત કરી શકાય અને જ્યારે બ્રાન્ચ ટ્રાન્સફરના લીધે વેરાશાખ ઘટાડવાની ગણત્રી કરવામાં આવતી હોય ત્યારે કરપાત્ર ખરીદીમાંથી બળતણની ખરીદી બાદ કર્યા પછી ગણત્રી કરવાની થાય. સ્વાભાવિક છે કે માન.

વડી અદાલતના ચૂકાદાઓને કારણે ઉત્પાદકોએ વાર્ષિક પત્રક તથા આકારણી સમયે ચૂકાદાનું માન રાખી અને બળતણની ખરીદીની એક જ વખત કપાત ચાર ટકા લેખે કરેલ હતી. ખાસ નોંધવાનું કે જ્યારે કોઇ ચૂકાદાની અમલની તારીખ નક્કી કરેલ ના હોય ત્યારે જ્યારથી જે તે કાયદાનો અમલ શરૂ થયો હોય ત્યારથી જ જે તે કાયદો લાગુ પડે. આ ઉમદા ચૂકાદાને નામદાર સુપ્રિમ કોર્ટમાં રદબાતલ કરીને ખાતાની તરફેણમાં ચૂકાદો આપવામાં આવેલ છે. જે અન્વયે બળતણની બે વખત કપાત થઇ શકે છે.

આ ચૂકાદાથી વેપારીઓ માટે જૂના વર્ષોની વેરાકીય જવાબદારી વ્યાજ સાથે ઘણી મોટી થઇ જાય છે. આ કફોડી પરિસ્થિતિમાં વેપારીઓની રજૂઆતને માન્ય રાખીને દયાળુ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા તા. ૭-૩-૨૦૧૯ના રોજ લાભદાયક ઠરાવ પસાર કરીને વ્યાજ અને દંડ માફી આપવાનો ઠરાવ કરેલ છે. જેની સરળ સમજૂતી આ લેખમાં આપેલ છે.

કયા સંજોગોમાં લાભ લઇ શકાય ?
૧. જ્યારે કોઇ વેપારીના કેસમાં આકારણી, ફેરઆકારણી, અપીલ કે રીવીઝનની કાર્યવાહી ચાલુ હોય તે કિસ્સામાં વેપારીએ ઠરાવની તારીખથી ત્રણ માસમાં સ્વમેળે ભરવાપાત્ર વેરો ગણી તેનું પૂરું ચૂકવણું કરવાનું રહેશે, અને અધિકારીને ઠરાવનો લાભ લેવાની અરજી કરવાની રહેશે. આ અરજીનો નિકાલ અરજી કર્યા તારીખથી છ માસમાં અધિકારીએ કરવાનો રહેશે. 

જે અન્વયે માંગણાની નોટિસ તથા વ્યાજ દંડનો રેમીશનનો આદેશ પસાર કરવાનો થાય. આ છ માસની સમયમર્યાદા જે કેસોમાં અન્ય કોઇ મુદ્દાના કારણે સબજ્યુડીશ હોય તેને લાગુ પડશે નહિ. અધિકારીએ ગણેલ રકમ અને વેપારીએ સ્વમેળે ભરેલ રકમમાં જો તફાવત હશે તો આ તફાવત વ્યાજ સાથે ભરવાનો રહેશે.

૨. કોઇ વેપારીના કિસ્સામાં આકારણી, ફેરઆકારણી, અપીલ કે રીવીઝનની કાર્યવાહી પૂર્ણ થયેલ હોય અને ઉપસ્થિત માંગણાની રકમ બાબતે આ ઠરાવનો લાભ લેવો હોય તો વેપારીએ ઠરાવની તારીખથી ત્રણ માસમાં અરજી કરી અને વેરાની રકમનું સંપૂર્ણ ભરણુ કરી અધિકારીને વિગતો રજૂ કરવાની થાય. ત્યારબાદ અધિકારી  અરજીની તારીખથી ત્રણ માસમાં રેમીશનનો આદેશ કરે.

ઠરાવની અન્ય શરતો
(૧) આ ઠરાવનો લાભ ફક્ત સુપ્રિમ કોર્ટનો ચૂકાદો લાગુ પડતો હોય તેવા કેસોને જ મળશે. (૨) લાભ આપતા પહેલા અધિકારીએ કાયદા હેઠળ કરવાની થતી આકારણી, ફેર આકારણી, અપીલ કે રીવીઝનની કાર્યવાહી પ્રથમ હાથ ધરવાની રહેશે જે મુજબ વેરો, વ્યાજ અને દંડનું માંગણુ ઉપસ્થિત કરવાનું રહેશે. 

(૩) આ મુદ્દાના કારણે ઉદ્ભવેલ માંગણામાં સમાવેશ થયેલ વેરાની રકમ ઠરાવની તારીખથી ત્રણ માસમાં સંપૂર્ણપણે ભરી દેવી પડશે અને આ મુદ્દા સિવાય બીજા મુદ્દા બાબતે વ્યાજ કે દંડમાં રેમીશનનો લાભ આપવામાં આવશે નહિ. (૪) આ ઠરાવ હેઠળ થયેલ આદેશ સામે લાભ લેનાર વેપારી કોઇ અપીલ કરી શકશે નહિ. (૫) ઠરાવના લાભ લેવાની કાર્યવાહીમાં વેપારીએ સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે જેથી ખાતા દ્વારા સમયસર કાર્યવાહી પૂર્ણ થઇ શકે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OYya6A
via Latest Gujarati News

Post a Comment

0 Comments