કૃષિ વાયદામાં એક્સેચેન્જોની એન્ટ્રીથી હરિફાઈમાં થયેલો વધારો



દેશમાં ચાલી રહેલા લોકસભાની ચૂંટણીઓના ગરમ માહોલ વચ્ચે કૃષિ બજારોમાં પણ વિવિધ પાકોની ભરપૂર આવકો ઠલવાઈ રહી છે. તાપમાનનો પારો દિન-પ્રતિદિન ૪૦ ડિગ્રી ઉપર જઈ રહ્યો છે. કૃષિ પાકોની ખરી પીક સીઝનમાં આચારસંહિતા લાગુ પડી હોવાથી નાણાંકીય રોકડ હેરાફેરી ઉપર બ્રેક લાગી છે. આંગડીયા સર્વિસ પણ આચારસંહિતા સુધી બંધ હોવાથી હવાલા કારોબાર ઉપર બ્રેક લાગી છે. જેની અસરથી કૃષિ બજારોમાં રોકડ નાણાંની અછત નાણાંભીડનીઅસર જોવા મળી રહી છે.

ગત વર્ષે ચોમાસુ દેશના ઘણાં બધાં વિસ્તારોમાં નબળું રહ્યું હોવાથી રવિ સિઝનમાં પાકોના ઉત્પાદન ઉપર અસર પડી છે. ખાસ કરીને દાળોના પાક ઉપર પ્રતિકૂળ અસર છે. દાળોની આયાત ઉપર કંટ્રોલની સાથે સાથે ઓછું ઉત્પાદનની સંભાવનાઓ તેમજ ઓછો માલ સ્ટોક છતાં ખેડૂતોને ટેકાના ભાવો કરતાં પણ ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા ઓછા ભાવે માલ વેચવો પડી રહ્યો છે. રાજ્યના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં આજકાલ જીરા- વરીયાળી- રાયડો- ઇસબગોલ જેવા પાકોની ભરપૂર આવકો સતત વધી રહી છે.

જીરામાં ચીનની ઘરાકી ખુલી હોવાથી બજારમાં ઉછાળો રહેતા ભાવે ૧૬૦ની સપાટી કુદાવી છે. છેલ્લા કેટલાક સમયથી ચીન તરફથી ડીમાન્ડ નોંધપાત્ર નહિ હોવાથી તેની અસર બજારમાં જોવા મળી હતી. ભારતમાંથી નિકાસ થતા જીરાના કુલ માલ પૈકી ૩૦થી ૪૦ ટકા માલ ચીન જાય છે. ચીનમાંથી વિયેટનામ સુધી આગળ માલ જાય છે. ચણામાં પણ આજકાલ તેજીનો માહોલ છે. ગયા અઠવાડિયામાં ધાણાના ભાવો ૭૦૦૦ની પ્રતિ ક્વિન્ટલે સપાટી કુદાવી છે.

આ વર્ષે ધાણામાં સરેરાશ ૨૩ ટકાના ઉછાળા સાથે ભાવો ૫૫૦૦થી વધીને ૭૦૦૦ની સપાટી પાર કર્યા છે. આ વર્ષે ધાણાના ઉત્પાદનમાં ગાબડું છે પરંતુ જુનો માલ ધારણા કરતા વધુ હોવાની આશંકાને પગલે તેજી બહુ ટકતી નથી. હાલમાં લોકલ તથા વિદેશી માંગ સતત રહેવાને કારણે બજાર ગરમ છે. આગામી સમયમાં ધાણા બજાર તેજીને કારણે ૭૫૦૦ની સપાટી પાર કરે તેવી સંભાવના છે.

કૃષિ ચીજોના હાજર બજારોની સમાંતર ચાલતા વાયદા બજારમાં આજકાલ એક્સચેન્જોની હરિફાઈ વધી રહી છે. કૃત્રિમ વાયદામા NCDEX  અને MCX ની સમાંતર હવે દેશના સૌથી મોટા બે સ્ટોક એક્સચેન્જો BSE તથા NSE પણ કૃષિ વાયદામાં ઝંપલાવ્યું છે. BSE માં હળવદ, સોયાબીન તથા એરંડાનો વાયદો શરૂ કવાયત હાથ ધરાઈ છે. જ્યારે NSE માં અડદ, તુવેર તથા બટાટાનો વાયદો શરૂ તૈયારીઓ શરૂ કરાઈ છે.

હાલમાં NSE ઉપર નોન-એગ્રી કોમોડિટી સોનું, ચાંદી તથા કાચા તેલના વાયદાનો કારોબાર થાય છે. BSE એ કપાસ, ગવાર તથા ગવાર ગમનો વાયદો શરૂ કર્યો છે. એગ્રી કોમોડિટીમાં NCDEX નંબર વન ઉપર છે NSE નું NCDEX માં રોકાણ હોવાથી બંને સમાંતર લેવાલી ઉપર છે. જો કે, NCDEX એક્સચેન્જમાં કારોબાર નહિ ધરાવતી એવી કૃષિ ચીજો ઉપર NSE વાયદો શરૂ કરવામાં આવી છે.

કૃષિ કોમોડિટી ઉપર વિવિધ એક્સચેન્જોએ શરૂ કરેલા કારોબારમાં ધંધો વધારવા માટે સેબીની મંજૂરીથી મ્યુચ્યુઅલ ફંડો તથા વિદેશી રોકાણકારો જેવા મોટા ગજાના પોર્ટફોલિયોને લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સંદર્ભે કેન્દ્રનું નાણાં વિભાગ અને સેબી વચ્ચે કેટલાક મતભેદો પણ બહાર આવી રહ્યા છે.

તેલીબિયામાં એરંડાનો વેપાર સૌથી મોટો છે. વિશ્વમાં સૌથી વધુ એરંડા ભારતમાં થાય છે. એરંડાની સમાંતર સોયાબીનનો કારોબાર પણ નોંધપાત્ર છે. જેને લઈને BSE એ એરંડા- સોયાબીનના વાયદા શરૂ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સોયાબીનના સૌથી મોટા ઉત્પાદન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં BSE એ વેપારીઓ સાથે બેઠકો કરી કારોબાર શરૂ કરવાની દિશામાં છે. મસાલામાં જીરા બાદ હળહરના વાયદા માટેBSE તલપાપડ બન્યું છે. આજકાલ હળદરમાં તેજીનો જુવાર છે.

હળદરનું આ વર્ષે એકાદ લાખ બોરીની આસપાસ ઉત્પાદન થવાની સંભાવના છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી હળદરની નબળી માંગને કારણે વેપારમાં નુકસાની વધુ રહી છે જેને લઈને આ વર્ષે વેપારીઓ ધીમી ગતિએ વેપારમાં આગળ વધી વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. આગામી એક માસ દરમ્યાન હળદરની આવકોનું પ્રેશર રહેવાની વકીએ તેજી ધીમી ગતિએ હોવાથી બજારમાં સુસ્તી છે આજકાલ નાણાંભીડને કારણે સ્ટોકિસ્ટો પણ ઓછો રસ લઈ રહ્યા હોવા છતાં હળદરમાં લાંબે ગાળે તેજીની સંભાવનાઓ જોવાઈ રહી છે.

દરમ્યાન સોના બજારમાં આજકાલ ભાવો તૂટતા ઘરાકી નીકળવાની અપેક્ષા છે. ગુડી પડવા બાદ આગામી આવી રહેલા અખાત્રીજના તહેવાર અને ખુલી રહેલી લગ્નસરા સીઝન ઉપર વેપારીઓનું ધ્યાન કેન્દ્રીત છે. આજકાલ સંસ્થાકીય રોકાણકારો સોના ઉપર લાંબા ગાળાનું રોકાણનો પ્રવાહ ઘટાડતા ડોલર મજબૂત થયો છે.

બ્રેક્ઝીટની અનિશ્ચિતતાઓને કારણે ડોલરની સાપેક્ષે પાઉન્ડ ઉપર પ્રેશર વધારે છે. સોનું સસ્તું થવા છતાં અપેક્ષિત ખરીદી જોવા મળતી નથી. જો કે દેશમાં સોનાની દાણચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઓફિસીયલી આયાત સોનાની ઘટી છે પણ પાછલાબારણે સોનાની આયાત વધી છે. ઘણા બધા પરિબળોને ફળસ્વરૂપ આજકાલ સોનું પ્રતિ ૧૦ ગ્રામે ૨૨૦ કરતાં પણ વધુ સસ્તું થવા છતાં ગ્રાહકો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OYy6Uo
via Latest Gujarati News

Post a Comment

0 Comments