નિષ્ક્રિય બનેલું પ્રાઇમરી માર્કેટ પુનઃ ધમધમતું થવાના એંધાણ

વિતેલા ૨૦૧૮- ૧૯ના નાણાંકીય વર્ષમાં શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ બીજી તરફ શેરબજાર સાથે ગાઢ રીતે સંકળાયેલા પ્રાયમરી માર્કેટમાં ભારે નિરસતાભર્યો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ પરિબળોને પગલે બજારમાં ઉદ્ભવેલ વોલેટાલિટીના પગલે સામાન્ય રોકાણકારો બજારથી દૂર થઈ જતા તેની સીધી અસર પ્રાઇમરી માર્કેટ પર જોવાઈ હતી.

ઉદ્ભવેલ આ વિપરીત સ્થિતિના કારણે કંપનીઓ દ્વારા આઇપીઓ લાવવાનું મોકૂફ રાખવામા આવ્યું હતું. ઉપલબ્ધ ડેટા મુજબ વિતેલા નાણાં વર્ષમાં આઇપીઓ થકી એકત્ર કરાતા ભંડોળમાં ૮૧ ટકાનું તોતિંગ ગાબડું નોંધાયું છે.

૨૦૧૮- ૧૯માં આઇપીઓ થકી રૂ. ૧૬૨૯૪ કરોડ ઉભા કરાયા હતા. જે ૨૦૧૭- ૧૮માં રૂ. ૮૩૭૬૭ કરોડ ઉભા કરાયા હતા.

એનાલિસ્ટોના મત મુજબ ગત નાણાં વર્ષે પ્રાઇમરી માર્કેટના નબળા પ્રદર્શન માટે તરલતાની ખેંચને જવાબદાર ગણાવી હતી. આ ઉપરાંત ઉંચા વેલ્યુએશનને નેગેટિવ રીટર્ન માટેની જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. અન્ય એક મહત્ત્વના મુદ્દાને ટાંકતા એનાલીસ્ટોએ ઉમેર્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં આઇએમએન્ડ એફએસ ક્રાઇસીસ ઉદ્ભવી તે પછી બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ ઘટના પછી માત્ર ચાર જ આઇપીઓ મૂડી બજારમાં પ્રવેશ્યા હતા.

જો કે ગત વર્ષની નિરસતા બાદ તાજેતરમાં શરૃ થયેલા નવા નાણાંકીય વર્ષમાં પ્રાઇમરી માર્કેટની સ્થિતિમાં બદલાવ આવતા તે સાથે પુનઃ ધમધમતું થવાની સંભાવના છે. છેલ્લા બે માસમાં શેરબજારમાં જોવા મળેલ નોંધપાત્ર કરેક્શનના પગલે સમગ્ર ટ્રેન્ડ બદલાયેલો જોવા મળે છે.

જાણકારો દ્વારા રજૂ કરાયેલ ડેટા મુજબ નવા શરૂ થયેલા ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષમાં અંદાજે ૬૦ જેટલા આઇપીઓ મુડીબજારમાં પ્રવેશે તેવી સંભાવના છે. હાલ ઘણી બધી કંપનીઓએ સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ પણ રજૂ કરી દેવાયા છે. જો કે, આમ છતાં ય એક વાત નિશ્ચિત છે કે પ્રાઇમરી માર્કેટના પુનઃ ધમધમાટનો આધાર મહદઅંશે લોકસભાની ચૂંટણીના પરિણામ પર આધારિત રહેશે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uQAOlp
via Latest Gujarati News

Post a Comment

0 Comments