મુંબઈ, તા. 24 એપ્રિલ, 2019, બુધવાર

ઈરાન પરના પ્રતિબંધમાંથી કેટલાક દેશોને અપાયેલી મુક્તિને અમેરિકાએ પાછી ખેંચી લીધા બાદ ઈરાન ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત  અટકી પડવાની સ્થિતિ છે જ્યારે બીજી બાજુ ભારત ખાતેથી ઈરાનમાં ચોખા તથા  ચાની નિકાસ સામે પણ અનિશ્ચિતતા ઊભી થઈ છે. 

ઈરાન ખાતે ભારત વર્ષે ૩ કરોડ કિ. ગ્રા. ચા અને ૧૦ લાખ ટન બાસમતિ ચોખાની નિકાસ કરે છે. ભારતની ચા માટે ઈરાન ખાતેથી નવી મોસમના પ્રારંભથી જ જોરદાર માગ રહે છે. ભારતમાં ચાની નવી મોસમ એપ્રિલમાં શરૂ થાય છે. આજ રીતે બાસમતિના ટ્રેડરો પણ ડિસેમ્બરથી જુન દરમિયાન નિકાસ કરે છે. 

હાલમાં અમે ઈરાન સાથેના અગાઉના ઓર્ડરો પૂરા કરી રહ્યા છીએ અને નવા ઓર્ડરો લેવાનું બંધ કરી દીધું છે. સરકાર તરફથી ચોક્કસ સ્પષ્ટતા ન આવે ત્યાંસુધી ચોખાની નિકાસના નવા ઓર્ડરો નહીં લેવાય એમ સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું.

ઈરાન સાથે કરાર થયા છે પરંતુ અગાઉ જે માલ મોકલાયો છે તેના નાણાંને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. ઈરાન પરના પ્રતિબંધમાંથી અપાયેલી મુક્તિ ૪ મેના રોજ પૂરી થાય છે. 

ઈરાન એ ભારતના બાસમતિનો મોટો આયાતકાર દેશ છે માટે આ મુદ્દો અમે ભારત સરકાર સમક્ષ ઉપસ્થિત કરવાના છીએ એમ ઓલ ઈન્ડિયા રાઈસ એકસપોર્ટર્સ એસોસિએશનના  એક હોદ્દેદારે જણાવ્યું હતું. 

ભારત-ઈરાનના દ્વીપક્ષી વેપાર કરારને ટેકો આપવા ભારતની ઓઈલ રિફાઈનરીઓ ઈરાન ખાતેથી ક્રુડ તેલની આયાત કરવા રૂપિયામાં પેમેન્ટસ કરે છે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ઈરાન ખાતેથી ભારતની  ક્રુડ ઓઈલની આયાત ૪.૪૦ ટકા વધીને ૨.૩૬ કરોડ ટન રહી હતી જે પાછલા વર્ષમાં ૨.૨૬ કરોડ ટન હતી. ઈરાન ખાતેથી આયાત અટકી પડતા પડનારી ખાધને સાઉદી અરેબિયા, ઈરાક તથા યુનાઈટેડ આરબ અમીરાતસ પૂરી કરશે, એમ સરકારી સુત્રો જણાવી રહ્યા છે. 

ઈરાન ખાતેથી આયાત બંધ થવાને  કારણે અન્ય તેલ ઉત્પાદક દેશો ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાતમાં વધારો થશે. જો કે આ પ્રતિબંધમાંથી મુક્તિ ચાલુ રાખવ ભારત હજુપણ અમેરિકાને સમજાવી રહ્યું છે.

અન્ય દેશોની સરખામણીએ ઈરાન ખાતેથી ભારત સરળ શરતોએ તેલની ખરીદી કરી શકતું  હતું. ૬૦ દિવસની ક્રેડિટ ઉપરાંત, મફત વીમા અને શિપિંગ જેવા લાભો મળી રહે છે. ગયા નાણાં વર્ષમાં સાઉદી અરેબિયા અને ઈરાક બાદ ઈરાન ભારતનો સૌથી મોટો પૂરવઠેદાર દેશ રહ્યો હતો.   



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DrV41x
via Latest Gujarati News