
- મહિલાએ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીના અન્ય કર્મચારીઓની સાથે મળીને કાવતરું ઘડયું હતું: વકીલ ઉત્સવ બૈંસે સોગંદનામુ સોંપ્યું, આજે વધુ પુરાવા આપશે
નવી દિલ્હી, તા.24 એપ્રિલ 2019, બુધવાર
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પર જામીન ઉપર છુટેલી એક મહિલાએ છેડતીના આરોપો લગાવ્યા હતા. જોકે આ આરોપો જુઠા અને મુખ્ય ન્યાયાધીશને ફસાવવા માટે લગાવવામાં આવ્યા હોવાના દાવા સાથે સુપ્રીમ કોર્ટના એક વકીલ ઉત્સવ બૈંસે સિલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને પુરાવા સોપ્યા છે. ઉત્સવે જે દાવા કર્યા તે સાચા હોવાનું કહીને હાલ સીસીટીવી કેમેરાના ફૂટેજ સહીતની માહિતી સુપ્રીમ કોર્ટને સોપી છે. સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે મુખ્ય ન્યાયાધીશને ફસાવવા માટે કોઇ મોટુ કાવતરુ ઘડાઇ રહ્યું છે.
બુધવારે સુનાવણી પુરી થયા બાદ મુખ્ય બેંચે જણાવ્યું હતું કે અમે ઉત્સવ બૈંસ દ્વારા લગાવવામાં આવેલા આરોપો અતી ગંભીર છે અને તેમણે બેંચને જે પણ પુરાવા અને માહિતી આપી છે તેને હાલ ગુપ્ત જ રાખવામાં આવશે સાથે પોલીસ, એજન્સીઓ સહીતનાને તેની વધુ તપાસ માટે મોકલવામા આવશે.
સોગંદનામામાં ઉત્સવ બૈંસે કેટલાક નામોનો પણ ઉલ્લેખ કર્યો છે. હજુ પણ તેઓ ગુરુવારે વધુ એક સોગંદનામુ સુપ્રીમમાં દાખલ કરશે અને તેમાં વધુ કેટલાક પુરાવા સુપ્રીમને સોંપશે. વકીલે જણાવ્યું હતું કે કોઇ અજય નામનો વ્યક્તિ તેને મળ્યો હતો.
ન્યાયાધીશ અરુણ મિશ્રાએ જણાવ્યું હતું કે વકીલે સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી અનુસાર મુખ્ય ન્યાયાધીશ પર જે મહિલાએ આરોપ લગાવ્યા છે તેના પર પણ છેતરપીંડી સહીતના કેસો ચાલી રહ્યા છે. આ મહિલાએ કોર્ટ રજિસ્ટ્રીના કેટલાક કર્મચારીઓ સાથે મળીને મુખ્ય ન્યાયાધીશને ફસાવવાનું કાવતરુ ઘડયું હતું, આ મહિલાની સાથે તપન ચક્રવર્તી અને માનવ શર્મા પણ સામેલ છે. જજે વધુમાં કહ્યું હતું કે ન્યાયપાલિકીમાં આ પ્રકારની ફિક્સિંગ ન થવી જોઇએ. આ એક ગંભીર મામલો છે.
જો વકીલ ઉત્સવ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર ધ્યાન ન આપ્યું તો ન્યાયપાલિકા પર વિશ્વાસ ઉઠી શકે છે. સુપ્રીમ કોર્ટની બેંચે સીબીઆઇ ડાયરેક્ટર, પોલીસ કમિશનર અને આઇબી વડા સાથે પોતાની ચેંબરમાં એક બેઠક બોલાવી હતી. ત્રણેય અધિકારીઓ અને જજોની વચ્ચે એક કલાક સુધી બેઠક ચાલી હતી. વકીલ ઉત્સવ બૈંસની સુરક્ષાની પણ આ મુદ્દે ચર્ચા થઇ હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2VlPP
via Latest Gujarati News
0 Comments