નવી દિલ્હી, તા. ૨
ભારત સહિતના વિશ્વભરના ક્રિકેટરો આઇપીએલ રમવામાં વ્યસ્ત છે, ત્યારે વન ડેનો વર્લ્ડ કપ પણ ધીરે ધીરે નજીક આવી રહ્યો છે. વર્લ્ડકપના પ્રારંભને આડે ૫૬ દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે હવે દુનિયાના દેશોના પસંદગીકારો વર્લ્ડકપની ટીમની પસંદગીમાં વ્યસ્ત બની રહ્યા છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ આવતીકાલે તેની વર્લ્ડકપની ટીમની જાહેરાત કરવા જઈ રહ્યું છે, તેની સાથે દુનિયાના અન્ય દેશો હવે તબક્કાવાર વર્લ્ડકપના ધુરંધરોની જાહેરાત કરશે તે નક્કી મનાય છે.
કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં યોજાનારો વન ડે વર્લ્ડકપ જીતવા માટે હોટફેવરિટ મનાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદે જાહેરાત કરી છે કે, અમે ભારતની વર્લ્ડકપની ટીમની પસંદગી ૨૦મી એપ્રિલે કે તે પહેલા કરીશું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના નવા નિયમ અનુસાર વર્લ્ડકપ માટે ટીમોની જાહેરાત કરવાની ડેડલાઈન ૨૩મી એપ્રિલ છે. હવે આ ડેડલાઈનમાં માત્ર ૨૦ જ દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે વર્લ્ડકપમાં ભાગ લેનારા ૧૦ દેશો સુપરસ્ટાર્સની સાથે સાથે વિનિંગ કોમ્બિનેશનની તલાશ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અત્યંત વ્યસ્ત બની ગયું છે, ત્યારે ઈજાઓને કારણે પણ ઘણી ટીમો પરેશાન છે. હવે વર્લ્ડકપમાં કોને તક આપવામાં આવે છે અને કોને નહી તે જોવાનું રહેશે. ભારતીય કેપ્ટન કોહલી અને ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદ જાહેરાત કરી ચૂક્યા છે કે, તેમણે વર્લ્ડકપ માટેની ટીમ લગભગ નક્કી કરી લીધી છે અને ટીમનો બેટીંગ ઓર્ડર પર સંભવતઃ નક્કી છે. અગાઉ કોહલી સાથી ખેલાડીઓને એવો ભરોસો પણ આપી ચૂક્યો છે કે, વર્લ્ડકપની ટીમમાં લગભગ નક્કી મનાતા ખેલાડીઓ જો આઈપીએલમાં ફ્લોપ શૉ કરશે તો પણ તેઓને ટીમમાં સામેલ કરવામાં આવશે.
વર્લ્ડકપની ટીમ જ નહી, પ્લેઈંગ ઈલેવનનું કોમ્બિનેશન પણ નક્કી
બીસીસીઆઇની પસંદગી સમિતિના વડા એમ.એસ.કે.પ્રસાદે કહ્યું કે, અમે છેલ્લા એક-દોઢ વર્ષથી વર્લ્ડકપની ટીમના સિલેક્શન પર કામ કરી રહ્યા હતા અને ટીમ લગભગ નક્કી જ છે. એટલું જ નહિ, અમે તો પ્લેઈંગ ઈલેવનનું કોમ્બિનેશન પણ નક્કી કરી લીધું છે.જેના કારણે અમે સમયથી ઘણા આગળ ચાલી રહ્યા છીએ. મને લાગે છે કે, વર્લ્ડકપમાં ક્યારેય પરીસ્થિતિને જોતા પ્લેઈંગ ઈલેવનમાં એકાદ ફેરફાર કરવો પડે, બાકી ટીમના ખેલાડીઓ તો નક્કી જ છે. ટીમમાં એક જ સ્થાન એવું છે કે, જેના અંગે ચર્ચા-વિચારણા કરવી પડે તેમ છે. ઓવરઓલ ભારતીય ટીમ સંતુલીત છે.એક વખત હાર્દિક પંડયાનું ટીમમાં પુનરાગમન થઈ જાય એટલે ટીમની પાસે વિવિધ વિકલ્પો ખુલી જશે. વર્લ્ડકપમાં આગળ વધવા માટે અમારે તનાવભરી સ્થિતિમાં વધુ સારા નિર્ણય લેવા પડશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HRKTac
via Latest Gujarati News
0 Comments