મધ્યપ્રદેશના CM કમલનાથના સાથીદારોને ત્યાં ITના દરોડા


દરોડામાં કેટલીક રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા, જપ્તી અંગેની વધુ માહિતી જાહેર ન કરાઇ 

ઇંદોર, ભોપાલ, દિલ્હીમાં મધરાતે ત્રણ વાગ્યે અધિકારીઓના કાફલાએ દરોડા પાડયા

કેટલાક સ્થળોએ સીઆરપીએફ અને પોલીસ વચ્ચે રકઝક, જોકે અંતે તપાસ કરવા દેવાઇ

નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર

આઇટી વિભાગે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ સાથે સંકળાયેલા લોકોના આશરે ૫૦ જેટલા સ્થળો પર દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. દિલ્હી અને મધ્ય પ્રદેશમાં આ તપાસ કરી હતી.

આઇટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આઇટી વિભાગના આશરે ૩૦૦ જેટલા અધિકારીઓની ટીમો આ ૫૦ જેટલા સ્થળોએ તપાસ માટે ગઇ હતી અને મોટા પ્રમાણમાં તપાસ હાથ ધરી હતી. લોકસભાની ચૂંટણીમાં હવાલા દ્વારા પૈસા ઘુસાડવામાં આવી રહ્યા હોવાની શંકાના આધારે આ તપાસ હાથ ધરી હતી. દરમિયાન કેટલીક રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. 

ઇંદોર, ભોપાલ અને દિલ્હી(ગ્રીન પાર્ક)માં આવેલા આ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કમલનાથ સાથે સંકળાયેલા લોકોમાં પૂર્વ સ્પેશિયલ ડયૂટી ઓફિસર પ્રવીણ કક્કડ, પૂર્વ સલાહકાર રાજેન્દ્ર મિગલાની તેમજ તેમના અન્ય એક પરિવારના સભ્યની કંપની મોસર બેયર અને રતુલ પુરીની કંપની સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

કક્કડના ઇંદોર સ્થિત વિજયનગરના કેટલાક સ્થળોએ દિલ્હીથી આવેલી આઇટી વિભાગની ટીમે દરોડા પાડયા હતા. આ તપાસ દરમિયાન કેટલાક ડોક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત રોકડ રકમ પણ મળી આવી હતી. જોકે કેટલા રૃપિયા જપ્ત કર્યા અને ડોક્યુમેન્ટ્સમાં શું છે તેની વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. 

દરમિયાન જ્યારે દરોડા પાડવામા આવી રહ્યા હતા ત્યારે આઇટી વિભાગના અધિકારીઓની સાથે સીઆરપીએફના જવાનો પણ હતા, દરમિયાન ભોપાલમાં અશ્વિન શર્માના ઘરે જ્યારે તપાસ કરવા અધિકારીઓ ગયા ત્યારે સીઆરપીએફના જવાનો અને પોલીસ વચ્ચે થોડા સમય માટે હળવું ઘર્ષણ જોવા મળ્યું હતું.

જોકે બાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  મધ્ય પ્રદેશના પૂર્વ પોલીસ અધિકારી કક્કડ કમલનાથના ઓએસડી નિમાયા હતા, જોકે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ તે પહેલા જ તેમણે આ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. કક્કડને રાષ્ટ્રપતિ પદકથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 

દરોડા પાડો તે પહેલા અમને જાણ કરવાની રહેશે : ચૂંટણી પંચની એજન્સીઓને સુચના

ચૂંટણી પહેલા પાડવામાં આવી પહેલા દરોડાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે એજન્સીઓનો દુરુપયોગ કરીને ચૂંટણી સમયે જ જાણી જોઇને દરોડા પડાવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણી પહેલા પાડવામાં આવી રહેલા દરોડામાં પારદર્શીતા હોવી અતી જરુરી છે, અને દરોડા પાડો તેની જાણકારી અમને આપવી પડશે તેવો આદેશ પણ પંચે આપ્યો હતો. 

ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારના દરોડા પાડો તેની પહેલા અમને જાણકારી આપવાની રહેશે જે બાદ આગળની કાર્યવાહી કરવી. હાલ આઇટીએ કમલનાથના સહીયોગીઓને ત્યાં દરોડા પાડયા હોવાથી પંચે આ સ્પષ્ટતા કરી છે. 

આઇટીના દરોડા સાથે સરકારને કઇ લેવાદેવા નથી : જેટલી

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના પૂર્વ અંગત સચીવ કક્કડ સહીતના લોકોના આશરે ૫૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેને પગલે હવે વિપક્ષ સરકાર પર એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ કેટલીક સ્પષ્ટતા કરી હતી, તેમણે દાવો કર્યો હતો કે આ દરોડાને સરકાર સાથે કઇ લેવાદેવા નથી.  જે લોકો બેઇમાની કર્યા બાદ રોઇ રહ્યા છે તેમણે જણાવવુ જોઇએ કે તેમના ઘરેથી કરોડો રૃપિયા કેવી રીતે આવ્યા. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હાલ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ભાજપ એકમાત્ર એવો પક્ષ છે કે ચેક અને ચૂંટણી બોન્ડ પર ધ્યાન આપી રહ્યો છે કે જે સફેદ ધન છે. કાળા નાણા રાખનારાઓએ પકડાઇ જવાથી રડવા કરતા પોતાના પર શરમ આવવી જોઇએ. 

દરોડા પાડવામા આવ્યા તેમાં એક વ્યક્તિ ભાજપ સાથે સંકળાયેલી હોવાનો દાવો  

આઇટી વિભાગે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડયા હતા. જોકે આ દરમિયાન જે પણ લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તેમાં એક વ્યક્તિ ભાજપ સાથે પણ સંકળાયેલી હોવાના અહેવાલો છે. ભોપાલના એક વ્યાપારી અશ્વિન શર્માને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અશ્વિને દાવો કર્યો હતો કે હું ભાજપ સાથે જોડાયેલો છું. જ્યારે તેમને પૂછવામાં આવ્યંુ કે તેઓ કમલનાથ અને કક્કડને કેવી રીતે જાણે છે, જવાબમાં પત્રકારોને શર્માએ કહ્યું હતું કે હું ભાજપ સાથે જોડાયેલો છું. ભોપાલના પ્લેટિનમ પ્લાઝા અને ન્યૂ માર્કેટ એરિયામાં જે પૈસા મળી આવ્યા તે મારા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I4aZai
via Latest Gujarati News

Post a Comment

0 Comments