
મેં જયા પ્રદાનું નામ લીધું હોય તો પુરવાર કરો, હું લોકસભાની ચૂંટણી નહીં લડું : આઝમ ખાન
નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર
ઉત્તર પ્રદેશના રામપુર લોકસભા બેઠકના સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિશે અતી વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેને પગલે આઝમ ખાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આઝમ ખાને કહ્યું હતું કે મને તો ખ્યાલ જ હતો કે જયા પ્રદાના આંતરવસ્ત્રો ખાખી રંગના છે.
રવિવારે જયા પ્રદાનું નામ લીધા વગર આઝમ ખાને કહ્યું હતું કે રામપુર, ઉત્તર પ્રદેશ અને ભારતની જનતાને જયા પ્રદાની વાસ્તવિક્તા જાણવામાં ૨૭ વર્ષ લાગ્યા પણ મને તો માત્ર ૧૭ દિવસમાં જ ખ્યાલ આવી ગયો કે જયા પ્રદાનું અન્ડરવેર ખાખી રંગનું છે.
જયા પ્રદા ભાજપમાં જોડાયા તેને ટાંકીને આઝમ ખાને આ નિવેદન કર્યું હતું. સંઘના ખાખી રંગના પોષાકને ધ્યાનમા રાખીને આઝમ ખાન ટોણો મારવા ગયા પણ તેમણે જે નિવેદન કર્યું તેની ભારે ટીકા થઇ રહી છે. આ વિવાદ વચ્ચે આઝમ ખાન સામે પગલા રાષ્ટ્રીય મહિલા કમિશને ચૂંટણી પંચને રજુઆત કરી છે. સાથે આ નિવેદન બદલ આઝમ ખાનને નોટિસ પણ ફટકારાઇ છે.
આઝમ ખાનના આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. બીજી તરફ સમગ્ર મામલે બાદમાં આઝમ ખાને કહ્યું હતું કે મે મારા ભાષણમાં કોઇ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો જ નથી. મે માત્ર એ વ્યક્તિને ટાંકીને જ નિવેદન કર્યું છે કે જેણે મને કહ્યું હતુ કે હું તમારા પર ૧૫૦ રાઇફલોથી ગોળીઓ વરસાવીશ. મે કોઇનું નામ નથી લીધુ તેમ છતા કોઇ પુરવાર કરી બતાવે તો હું લોકસભાની ચૂંટણી નહીં લડુ. દરેકને ખ્યાલ છે કે સંઘના પેન્ટનો કલર ખાખી છે.
બીજી તરફ આઝમ ખાનના નિવેદનને લઇને જયા પ્રદાએ જણાવ્યું હતું કે આઝમ ખાને લક્ષ્મણ રેખાને પાર કરી છે. આઝમ ખાનને હું મારા ભાઇ માનતી હતી પણ હવે તેઓ મારા ભાઇ નથી રહ્યા. શું આ પ્રકારનું નિવેદન કરનારા વ્યક્તિને ચૂંટણી લડવાનો કોઇ અધિકાર છે? ભાજપે પણ આઝમ ખાનના નિવેદનની ટીકા કરી હતી અને તેની વિરુદ્ધ યોગ્ય પગલા લેવાની માગણી કરી હતી. જ્યારે આઝમ ખાનના આ નિવેદન બદલ તેની વિરુદ્ધ રામપુરમાં ફરિયાદ કરવામાં આવી છે. જેને પગલે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XcbYbL
via Latest Gujarati News
0 Comments