- બે હજાર વાનરો માટે દરરોજ દોઢ થી બે ક્વિન્ટલ ખાદ્યપદાર્થ અને હજાર લિટર પાણીની સુવિધાની સેવા કારમા દુકાળમાંયે થોભી નથી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 19 મે 2019, રવિવાર

મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાણીને અભાવે દુષ્કાળની પરિસ્થિતી નિર્માણ થઈ છે, ત્યારે મહારાષ્ટ્રના પરંડા તાલુકાના સોનારી ગામમાં દુષ્કાળ સમયે આશરે ૨૦૦૦ વાંદરાઓ માટે એક પ્રાણીમિત્ર બે ક્વિન્ટલ અનાજ અને હજાર લિટર પાણી મેળવવા માટે પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું છે.

પરંડા તાલુકાના સોનારી ખાતે કાળભૈરવનું મોટું મંદિર હોવાથી ત્યાં મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં વાંદરાઓ ઉપસ્થિત છે. હવે અહીં દિવસોદિવસ તાપ વધતો જતો હોઈ તેમજ પાણીની અછત હોવાથી અહીં આવતાં ભાવિકોએ પાણી ખરીદીને પીવું પડે છે ત્યારે મૂંગા જાનવરો માટેનો વિચાર પણ કરી શકાય તેમ નથી. 

આવી વિષમ પરિસ્થિતીમાં સોનારી સ્થિત ૨,૦૦૦ વાંદરાઓનું એક યુવાને સ્વેચ્છાએ પાલકત્વ સ્વીકાર્યું હોવાનું નજરે ચડે છે. તીવ્ર દુષ્કાળની પરિસ્થિતીમાં દરરોજ ૨૦૦ કિલો ખાદ્ય અને એક હજાર લિટર પાણી સચિન સોનારીકર નામક પ્રાણીમિત્ર પોતાને ખર્ચે વાનરોને પૂરું પાડે છે. ગત ત્રણ વર્ષથી તેમને દરરોજ એક વાર પેટ ભરાય તેટલું અનાજ આપવાની જવાબદારી આ પ્રાણીમિત્રે સ્વીકારી છે.

ત્રણ વર્ષથી આ યુવાન દરરોજ દોઢ થી બે ક્વિન્ટલ ખાદ્યપદાર્થ અને એક હજાર લિટર પાણી વાંદરાઓને પૂરું પાડતો હોવાથી તેની વાત મંદિરમાં આવતાં ભાવિકો સુધી પહોંચતાં તેમજ અન્ય લોકોને ખબર પડતાં હવે અન્ય લોકો પણ કોઈના જન્મદિન, લગ્નસમારંભ કે અન્ય કાર્યક્રમ જેવા પ્રસંગે વાનરોને ભોજન-પાણી પેટે સચિનને મદદ મોકલતાં જણાયા છે. અત્યારે દુષ્કાળની પરિસ્થિતી હોવા છતાંય આ કામ અટક્યું નથી. જોકે આ વાનરો માટે પીવાના પાણીની મદદ થાય એ જરુરી હોવાનું અત્યારે આ પ્રાણીપ્રેમીનું માનવું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EkyoAH
via Latest Gujarati News