કાપડમાં નાણાં વગરની ઘરાકી: ઉત્પાદન વધુ અને ડીમાન્ડ ઓછી


કાપડ બજારમાં કાપડની ઉત્પાદન કે ઘરાકી માટેના પ્લાનીંગ કરતા વધુ અત્યારે ચૂંટણીની રીઝર્લ્ટની વાતચીત વધુ જોવા મળી રહેલ છે. દેશમાં થઈ ગયેલ ચૂંટણીનું પરિણામ ૨૩ મે ના રોજ આવશે. ચૂંટણીનો સમયગાળો ઘણો લાંબો પાસ થઈ ગયેલ છે. આ સમયગાળા દરમિયાન દેશમાં પ્રવર્તી રહેલ આચારસંહિતાના લીધે કોઈ મુખ્ય આર્થિક નિર્ણય લેવાયા ન હતા અને આ સમયમાં કેશના ટ્રાન્ઝેકશન પણ બંધ થઈ ગયેલ. આગડીયા સર્વીસમાં કેશના ટ્રાન્ઝેકશન બંધ થઈ જતા કાપડમાં નાણાભીડ વધુ વકરેલ છે.

કપાસના ભાવ જે વધીને રૂા. ૪૬૦૦૦ થી રૂા. ૪૭૦૦૦ પહોંચી ગયેલ તેમાં હવે રૂા. ૪૪૦૦૦ થી રૂા. ૪૪૫૦૦ થઈ જવા પામેલ છે. કપાસના ભાવમાં ઘટાડો નોંધાયેલ છે. તેના પગલે કોટન યાર્નના ભાવમાં રૂા. ૫નો પ્રતિકીલો દીઠ ઘટાડો નોંધાયેલ છે. આમ વિતેલા અઠવાડીયામાં કપાસ અને કોટન યાર્નના ભાવમાં ઘટાડો થવા પામેલ છે. ગ્રેના ભાવમાં જે વધારાની વાતો હતી તે હવે જુના ભાવે માલો વેચતા થયેલ છે. ફીનીશ માલોના ભાવો વધી શકતા નથી. કલર કેમિકલ્સના ભાવમાં વધારો થવા પામેલ છે.

તેના લીધે પ્રોસેસ થતા માલોના કોસ્ટિગ ઉંચા ગયેલ છે. કાપડ બજારમાં કાપડના ઉત્પાદક યુનિટોના ઉત્પાદક ઓછું થવા પામેલ છે. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલ સખત ગરમીના લીધે પાવરલુમ સેક્ટરમાં યાર્નની તુટના લીધે કાપડનું ઉત્પાદન ઘટવા પામેલ છે. કાપડમાં ઉત્પાદન ઘટતા કાપડના ભાવો થોડા ઘણા અંશે ટકેલા છે. પરંતુ બજારમાં નાણા ભીંડના લીધે કાપડ બજારના હોલસેઈલ તેમજ રીટેલના વેપારીઓ સખત નાણાભીડ અનુભવી રહેલ છે.

કાપડમાં પેમેન્ટના ધારાધોરણ બગડવા પામેલ છે અને જો પેમેન્ટ માટે જો કોઈ તકાદો કરો તો વેચેલા માલ પાછા લઈ જાવ તેવી વાતોના લીધે વેપારીઓની અકળામણમાં વધારો થવા પામેલ છે. આમાં પાર્ટીઓ ઢીલી પડવાની હવાના લીધે કાપડ બજારમાં મોરલ બગડવા પામેલ છે. યાર્ન જે એક વખતે કેશમાં વેચાતું હતું તે પણ ઉધારીમાં મળતું થયેલ છે અને યાર્નમાં જે વ્યાજની ગણત્રી કરવામાં આવતી હતી તે પણ બંધ થઈ જતા યાર્નના વેપારીઓ અને એજન્ટો પણ કેમ કરીને ધંધો કરવો તે મુંઝવણ વધવા પામેલ છે.

પ્રોસેસના કારખાના પાસે પૂરા કામકાજ નહિ હોવાના લીધે અઠવાડીયામાં બે દિવસ પોતાના ઉત્પાદક બંધ રાખવાનો વારો આવેલ છે. વધુમાં રમઝાનની ઘરાકી ફેઈલ થવાના લીધે વ્હાઈટ માલોના સ્ટોકમાં વધારો થવા પામેલ છે. વેપારી વર્ગ ચૂંટણીના રીઝર્લ્ટ પછી એટલે કે ૨૩ મે પછી ઘરાકી માટે આશા રાખીને બેઠા છે. પરંતુ ૨૩ પછી કઈ સરકાર આવશે અને કેવા પગલા લેશે તે ધંધા-રોજગાર માટે મહત્ત્વના રહેશે.

નવી આવનાર સરકાર માટે આગળ બજેટ રજુ કરવાનું કામ આવશે. આ વખતના બજેટમાં ખેડૂતો માટે મોટી રાહતો આવશે. દરેક પક્ષે તેમના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે મોટી રાહતો જાહેર કરેલ છે. અને તેના પરિણામે કોઈપણ સરકાર આવશે તે ખેડૂતો માટે કરોડો રૂપિયા સરકારની તિજોરીમાંથી આપશે. આના લીધે આવનાર કેન્દ્રીય બજેટ ધંધા-રોજગાર કે ઉદ્યોગ માટે કોઈ લાંબી રાહતો આપશે નહિ અને તેટલા અંશે આગળ કોઈ લાંબી વધઘટનો સંભવ નથી.

આર્થિક રીતે કોઈ ફાયદો ધંધા-રોજગારને થવાનો સંભવ નથી અને જુન-જુલાઈમાં દેશમાં વરસાદની શરૂઆત થતા કાપડ બજારમાં આગળ કોઈ લાંબી ઘરાકી માટે કોઈ મોટી આશા દેખાતી નથી. વધુમાં કાપડમાં ઉત્પાદન વધુ અને ડીમાન્ડ ઓછીના લીધે કાયમ વેચવાની ગરજ રહેતી હોય છે.

આમ કાપડ બજાર બાયર્સ મારકીટ થઈ જવા પામેલ છે. બીજુ પાવરલુમમાં જે સાદી લુમ્સ નબળી હતી તેના બદલે એરજેટ, સૂલ્ઝર, વોટરજેટ, રેપીયર જેવી મોર્ડન લુમ્સના લીધે 'કાપડનું' ઉત્પાદન મોટા પ્રમાણમાં આવવા લાગેલ છે. સામે ડીમાન્ડમાં મોટો વધારો થતો નથી.

લોકલ ડીમાન્ડમાં વધારો નહિ થતાં એક્ષપોર્ટ મારકીટ ઉપર આધાર રાખવો પડતો હોય છે. તાજેતરમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડ યુદ્ધના લીધે બીજા કાપડ ઉત્પાદન દેશોને લાભ થશે. આમાં બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, વિયેતનામ, તુર્કીને વધારે ફાયદો થશે. પરંતુ અમેરિકાને તુર્કી અને પાકિસ્તાન જોડે સંબંધો સારા નહિ હોવાના લીધે કાપડની આયાત માટે અમેરિકા માટે બાંગ્લાદેશ, ભારત અને વિયેતનામને વધુ ઝોક રહેશે. નવી સરકાર જો આના માટે સમયસર પગલા લે તો આવનાર દિવસોમાં કાપડનું એક્ષપોર્ટ વધી શકે.

કાપડના ભાવ: એરજેટ ૫૮ પનો વ્હાઈટ ૨/૮૦ બાય ૨/૮૦ પીસી ૧૧૨/૭૬ ક્વોલીટી રૂા. ૧૨૦માં વેચાય છે. એરજેટ ૬૩ પનો ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી રૂા. ૬૨માં સોદા થયેલ છે. ૬૩ પનો ગ્રે ૪૦/૪૦ ૧૨૦/૧૦૦ ક્વોલીટી રૂા. ૭૮માં માલો મલે છે. એરજેટ ૬૩ પનો ગ્રે ૪૫/૪૫ પીસી ૧૧૨/૭૨ રૂા. ૫૨માં સોદા થયેલ છે.

૪૫/૪૫ પીસી ૧૦૦/૭૨ ક્વોલીટી રૂા. ૫૦માં સોદા થયેલ છે. ૬૩ પનો પીસી ૪૦/૪૦ ૯૬/૮૦ ક્વોલીટી રૂા. ૫૪માં માલો વેચાય છે. પીસી ૪૫/૪૫ ૧૩૨/૭૨ ક્વોલીટી રૂા. ૫૬માં માલો મલે છે. સાટીન ૬૩ પનો ૧૭૫/૧૨૦ ક્વોલીટી રૂા. ૮૪ કોટન એરજેટ ૬૩ પનો ૪૦/૪૦ ૧૩૨/૧૦૦ ક્વોલીટી ગ્રે રૂા. ૭૮ અને ૬૩ પનો એરજેટ ૪૦/૪૦ ૧૨૪/૯૬ રૂા. ૭૦માં સોદા થયેલ છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YD6EiA
via Latest Gujarati News

Post a Comment

0 Comments