
રૂા. ૭૫૦૦૦ કરોડ ખર્ચીને ૧૨ કરોડ નાના ખેડૂતોને રિઝવવા કરતા ભારતમાં શીક્ષણ અને આરોગ્યને સર્વજન સુલભ બનાવવાનું પગલું વધુ ફળદાયી બની શકે છે. ૧૩૨ કરોડની વસ્તીવાળું ભારતનું માનવબળ તે ભારતની 'એસેટ' છે તેવું જુઠ્ઠાણું કોઈ ચલાવી લે નહીં. આ પ્રચંડ માનવ વસ્તી ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ કુશળતાથી સજ્જ હોય તો જ તેને ડેમોગ્રાફીક ડીવીડન્ડ ગણી શકાય.
ભારતની વસ્તી લગભગ ૧- ૨ ટકાના વાર્ષીક દરે વધતી જાય છે તેનો અર્થ એ કે ભારતમાં દર વર્ષે ૧.૭ કરોડનો વસતી વધારો થાય છે. વસતીની બાબતમાં ભારત આવતા દસકામાં ચીનની વસતીને (૧૩૯ કરોડ) આંબી જશે તે ભારત માટે ગૌરવની નહિ પરંતુ શરમની વાત હશે. ભારત જગતનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ હશે તેનું ગૌરવ લેવાને બદલે ભારત ગરીબોની સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે અને ચાલુ રહેશે તે 'જગદ્ગુરુ' ભારત માટે કલંકરૂપ છે.
માથાદીઠ આવક અગત્યની
આને લગતી એક અન્ય બાબત પણ નોંધી લઇએ ભારત તેની ૨.૬૦ ટ્રીલીયન ડોલર્સની રાષ્ટ્રીય આવક સાથે આવતા એક કે બે વર્ષમાં બ્રીટનને અને તેના પાંચમા સ્થાનેથી હટાવીને પોતે સૌથી મોટી રાષ્ટ્રીય આવક ધરાવતું રાષ્ટ્ર બનશે તે પણ છેતરામણી આશા છે. કેમ ? ૨.૬૦ ટ્રીલીયન ડોલર્સને ૧૩૨ કરોડની વસતી વડે ભાગી નાખો તો ભારતની રાષ્ટ્રીય માથાદીઠ આવક ૨૦૦૦ ડોલર્સથી પણ ઓછી થાય.
વર્લ્ડ બેંકના ડેટા અનુસાર ૨૦૧૭માં ભારતની માથાદીઠ આવક ૧૯૪૨ ડોલર્સ હતી, ચીનની ૮૮૨૭ ડોલર્સ, યુ.કે.ની ૩૯,૭૨૦ ડોલર્સ, જર્મનીની ૪૪૪૭૦ ડોલર્સ અને યુ.એસ.એ.ની ૫૯,૫૩૨ ડોલર્સ હતી, પાકિસ્તાનની આપણાથી ઓછી (૧૫૪૮) ડોલર્સ હતી પરંતુ શ્રીલંકાની ૪૦૭૪ માથાદીઠ આવક, થાયલેન્ડની ૬૫૯૫ ડોલર્સની માથાદીઠ આવક, મલેશિયાની ૯૯૨૫ ડોલર્સની માથાદીઠ આવક ઇન્ડોનેશિયાની ૩૮૪૭ ડોલર્સની માથાદીઠ આવકથી પણ આપણે પાછળ છીએ તો ય આપણે જગતમાં ભારત દેશને સૌથી મહાન ગણવાનો ? જાપાન અત્યારે એમ ના કહે કે તમે જ્યારે રેેિંટયો અને તકલી કાંતતા હતા અને માટીના પ્રયોગ કરતા હતા તેનાથી પચાસ વર્ષ પહેલાં મેજી ક્રાંતિ કરીને જાપાનને આધુનિક પશ્ચિમની તે જમાનાની ટેકનોલોજીથી સજ્જ કરીને સમૃદ્ધિ મેળવી અને આજે અમારા દેશની માથાદીઠ આવક ૩૮,૪૨૮ છે અને જગતના સૌથી વધુ સરાસરી આયુષ્ય (૮૩ વર્ષનું) અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ કે ઇટાલીના નાગરિકોનું નહિ પરંતુ અમારા નાગરિકો ભોગવે છે.
તમારા દેશની સૌથી મોટી ક્ષતિ રાષ્ટ્ર માટેનું મિથ્યાભિમાન છે. ઇ.સ. ૧૯૪૫ પહેલા અમે પણ મીથ્યાભિમાની હતા પરંતુ અમેરિકાએ અમને નાગાસાકીમાં સારો સબક શીખવાડયો. અમારો બુદ્ધ ધર્મ હિન્દુ ધર્મ કરતા વધુ 'ફ્લેક્સીબલ' સાબીત થયો છે જેથી અમારા બૌદ્ધધર્મી દેશોને (જાપાન, શ્રીલંકા, વગેરે) માથાદીઠ આવક કરતા તમારા દેશની માથાદીઠ આવક કરતા વધુ છે. તમે કોમવાદથી પીડાઓ છો, અમે કોમવાદથી પીડાતા નથી.
અમે જગદ્ગુરુ થવાનો કદી દાવો કર્યો નથી. તમારો પ્રોબ્લેમ ગરીબી અને ભૂખમરાનો છે તો અમારો 'પ્રોબ્લેમ' ઘડપણનો છે. તમે સેંકડો વર્ષોથી ખેતીપ્રધાન દેશ રહ્યા અને ગરીબ રહ્યા અને તમારો સરાસરી આવરદા માત્ર ૬૮ વર્ષ છે જ્યારે અમારો સરાસરી આવરદા ઉપર જણાવ્યા મુજબ ૮૩ વર્ષ છે જે અમેરિકાના નાગરિકના ૭૯ વર્ષ સરાસરી આયુષ્ય કરતા પણ વધારે છે. અમારા દેશમાંથી અમે ગરીબી લગભગ નાબૂદ કરી નાખી છે જે તમે ૭૦ વર્ષમાં કરી શક્યા નથી તો પણ તમે તમારા દેશને અને ધર્મને જગતમાં શ્રેષ્ઠ ગણાવો છો.
તમારો અતિ રાષ્ટ્રવાદ એ તમારી 'ફેન્ટસી' છે અને દરેક 'ફેન્ટસી'ની ટક્કર વાસ્તવિકતા સાથે થતા તે નાશ પામે છે. અમારી વસતી સ્થિર થઈ ગઈ છે અને ઘટતી જાય છે અને તમારા દેશની વસતી દર વર્ષે લગભગ દોઢ કરોડની સંખ્યાએ વધતી જાય છે તેના પર પણ તમે ધ્યાન આપી શકતા નથી ?
તમારા તમામ રાજકીય પક્ષો વસતી નિયંત્રણની બાબતને કદાચ ગંભીરતાથી લીધો હોત પરંતુ તમારા દેશમાં 'લેફ્ટ' માત્ર ફ્રેગ્ન્ટેડ (ટૂકડામાં વહેંચાઈ જવું) થઈ ગયો નથી પરંતુ 'ઓટોમાઇઝ્ડ' થઈ ગયો છે.
પશ્ચિમ બંગાળમાં ૨૯ વર્ષના સતત રાજ કરવા છતાં તમે તેનું આમૂલ પરિવર્તન કરી ના શક્યા. તેને નમૂનેદાર રાજ્ય બનાવી ના શક્યા એટલે તમે ભારતમાં 'લેફ્ટ'ના મૂલ્યને ભોંયતળિયે લાવી દીધું. ભારતમાં 'લેફ્ટ'ની હૂંફ જતી રહી એટલે જમણેરી પક્ષોએ સર્વત્ર કોમવાદ ફેલાવવાના પ્રયાસો કર્યા છે. ભારતમાં તેનું એક પ્રતીક ગોભક્તિ છે પરંતુ યુપીના ખેડૂતો વધારે રખડતી, છૂટી મુકેલી કે વસકાઈ ગયેલી ગાયોથી હેરાન પરેશાન છે કે જેઓ ખેતરમાં ભેલાણ કરે છે અને ખેડૂતોએ પાક બચાવવા આખી રાત જાગવું પડે છે.
મોટા ભાગનું ભારત લગભગ ભેંસનું દૂધ પીવે છે છતાં ભારતમાં ગોભક્તિ કેમ આટલી બધી વધારે છે અને ભેંસ ભક્તિ નથી ?
ભારતીય રાજકારણમાં સાત ગ
ભારતના વિકાસના માર્ગમાં સાત ગ આડો આવે છે. ભારતીય સીક્યુલારીજમનો પણ તેમાં હ્રાસ થાય છે. ગંગા (પુષ્કળ સફાઈની જરૂર છે), ગાય (હિંસક ગોભક્તિ) ગુમાન (દેશ માટે અતિશયોક્તિભર્યું અભિમાન), ગજવું (સરકારી અધિકારીઓનો ભ્રષ્ટાચાર અને ચૂંટણીમાં ગજવું ભરી અધધધ પ્રચાર ખર્ચ), ગરલ (કોમી પ્રચારનું ઝેર), ગદા (કોમી હિંસાનું પ્રતીક) અને આ બધાને ટપી જાય તેવો સાતમો ગ એટલે ગપનો ગ. ગપ એટલે સત્યને તરડવું, મરોડવું કે છૂપાવવું.
છેલ્લા પાંચ વર્ષના ભારતમાં સર્વોચ્ચ આર્થિક વૃદ્ધિદર સિદ્ધ થયો છે જે ૨૦૦૪થી ૨૦૧૫ દરમિયાન થયેલા આર્થિક વૃદ્ધિદરથી વધારે છે તે દાવાને સાતમો ગ (ગપ) ગણી શકાય. આવા સાત ગ ભોગવીને ભારતના આઠમા ગથી શરૂ થતા 'ગણતંત્ર'ને નબળું કરી નાખે તેવી શક્યતા નકારી શકાય નહી આમ જો આપણે કેટલાક પક્ષોને 'ગમ્મત' પડે અને કેટલાકને તેને 'ગપ' થાય અને કેટલાક માટે સત્તાના અતિશય કેન્દ્રીકરણના ગઢ (દરવાજા) ખુલી જાય. આ શબ્દરમતને હળવાશથી લઈએ તેમ છતાં નીચેના મુદ્દાઓ ગંભીરતાપૂર્વક લેવા જરૂરી છે.
(૧) રાજકીય સત્તાનું એક વ્યક્તિમાં કેન્દ્રીકરણ થયું છે. દા.ત. કોંગ્રેસ વિરૂદ્ધ બીજેપી નહિ પરંતુ કોંગ્રેસ વિરૂદ્ધ મોદી સરકાર, અબકી બાર બીજેપી નહીં પરંતુ અબકી બાર મોદી સરકાર, છપ્પન ઇંચની છાતી વગેરે.
(૨) કોમી ઝનૂન વધતું જાય છે : દેશમાં કોમી લાગણીઓને છંછેડવામાં આવે છે. કારણ કે કેન્દ્ર સરકારનો કોઈ છોછ રાખ્યા વિના ગોરખપુરના એક મઠાધિપતિને (આધ્યાત્મિક જમણેરી) યુ.પી.ના મુખ્યમંત્રી નિમ્યા છે. તથા ભયાનક જમણેરી,કોમવાદી અને કટ્ટર ભાષણો આપતા પ્રજ્ઞાાસિંહ ઠાકુરને પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
(૩) સરકાર દ્વારા ખેડૂતોને કે અન્યને અપાતી લોન માફી કે અન્ય પ્રકારના દાન (સ્ત્રીઓને મફત સાયકલ, સાડી વગેરે)ને કારણે અર્થકારણમાં જે પ્રાથમિકતાઓ (પ્રાયોરીટીઝ) છે તે પ્રમાણે ખર્ચો થતો નથી. ભારતમાં પૂરતા ડોક્ટરો, દવાઓ, હોસ્પિટલો, શિક્ષકો શાળાઓએ નહીં) તેના પર ખર્ચ કરે પરંતુ આટલું મોઘું ઉચ્ચ શિક્ષણ હોતું હશે ? અને તે પછી નોકરી પણ નહીં.
(૪) શિક્ષણનું ભગવાકરણ, બ્રાહ્મણીકરણ, શિક્ષણને રાષ્ટ્રહિતનો ભાગ બનાવી દે છે. સત્યને ભોગે તેમ થાય છે.
(૫) દેશમાં ઉત્તમ સંસ્થાઓનું ધોવાણ (રિઝર્વ બેંક), યુનિવર્સિટી સિસ્ટમ, આઇઆઇએમ સિસ્ટમ, સીબીઆઇ, અમુક અંશે ન્યાયતંત્ર,, અનેક સંસ્થામાં પોતાના પક્ષના કે રાજ્યના લોકોને સત્તાના સ્થાને ગોઠવી દેવા વગેરે)
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hq1HDU
via Latest Gujarati News
0 Comments