
લોકસભાની ચૂંટણીનો સાતમો- અંતિમ તબક્કો ગઈકાલે પૂર્ણ થયો છે. હવે સહુ કોઈની નજર ચૂંટણીના પરિણામો પર મંડાયેલી છે. નવી સરકાર કયો પક્ષ રચશે તેના પર મીટ મંડાયેલી છે. તેમાં ય ખાસ કરીને શેરબજાર સાથે સંકળાયેલ વર્તુળો માટે તો કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે.
આમ પણ, માર્ચ માસથી બજારમાં ઉદભવેલ તેજીનો તબક્કો હાલની એનડીએ સરકાર ફરી એકવાર સરકાર રચશે તેવા આશાવાદ સાથે શરૂ થયો હતો પરંતુ મતદાનના સાત તબક્કા પૂર્ણ થયા બાદ આ આશાવાદ બદલાઈ ચૂક્યો છે અને હવે એનડીએ પુનઃ સત્તારૂઢ થશે કે કેમ ? તે અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
તા. ૨૩ મેના રોજ પરિણામની જાહેરાત થશે ત્યારે કોની સરકાર રચાશે તે ખબર પડી જશે. પણ, ભૂતકાળમાં છેલ્લી ત્રણ સરકારના કાર્યકાળ દરમ્યાન શેરબજારના વળતરની સમીક્ષા કરીએ તો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના કાર્યકાળની તુલનાએ મનમોહનસિંઘની આગેવાની હેઠળની યુપીએ-૧ અને યુપીએ-૨ સરકારના કાર્યકાળ દરમિયાન શેરબજારમાં તગડું વળતર મળ્યું હતું.
હાલની મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના કાર્યકાળમાં શેરબજારમાં ૫૧ ટકા વળતર મળ્યુ છે. મોદી સરકારના કાર્યકાળમાં માત્ર બે સેક્ટરમાં જ ત્રણ ડીજીટમાં એટલે કે ૧૦૦ ટકાથી વધુ વળતર મળ્યું છે. આ બે સેક્ટરમાં કન્ઝ્યુમર ડયુરેબલ અને આઇપીઓ સેક્ટરનો સમાવેશ થાય છે. એનડીએના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મેટલ, પાવર અને ટેલિકોમ ક્ષેત્રે નેગેટીવ વળતર મળ્યું છે. જ્યારે બાકીના તમામ સેક્ટરમાં ડબલ ડીજીટમાં વળતર મળ્યું છે.
અગાઉની મનમોહનસિંઘની યુપીએ- વન સરકારના કાર્યકાળ દરમ્યાન શેરબજારમાં ઓવરઓલ ૧૮૦ ટકા જેટલું તગડું વળતર મળ્યું હતું તે વેળાએ આઠ જેટલા સેક્ટરમાં ત્રણ ડીજીટમાં એટલ કે ૧૦૦ ટકાથી વધુ વળતર મળ્યું હતું. જેમાં મિડકેપ, સ્મોલકેપ કન્ઝ્યુમર ડયુરેબલ્સ, બેંકેક્ષ, એફએમસીજી મેટલ, ઓઇલ ગેસ અને કેપિટલ ગુડ્ઝ ક્ષેત્રનો સમાવેશ થાય છે.
તેમાં ય મહત્ત્વની બાબત તો એ છે કે કેપિટલ ગુડ્ઝ ક્ષેત્રમાં ૪૭૮ ટકા અને ઓઇલ- ગેસ ક્ષેત્રમાં ૨૭૮ ટકાનું તોતિંગ વળતર મળ્યું હતું. એ બાબત પણ નોંધનીય રહેશે કે યુપીએ- વનના કાર્યકાળ દરમિયાન એકપણ ક્ષેત્રમાં નેગેટીવ વળતર મળ્યું ન હતું.
હવે મનમોહનની આગેવાની હેઠળ યુપીએ- ટુ સરકારના કાર્યકાળની વાત કરીએ તો યુપીએ-ટુના કાર્યકાળ દરમિયાન શેરબજારમાં ૭૮ ટકા રિટર્ન મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન છ સેક્ટરમાં ત્રણ ડીજીટમાં એટલે કે ૧૦૦ ટકાથી વધુ વળતર મળ્યું હતું જેમાં કન્ઝ્યુમર ડયુરેબલ, બેંકેક્ષ, આઇ.ટી., એફએમસીજી, હેલ્થકેર અને ઓટો ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ સાત ક્ષેત્ર પૈકી ઓટો, એફએમસીજી, અને આઇ.ટી. ક્ષેત્રમાં ૨૦૦ ટકાથી વધુ વળતર મળ્યું હતું. યુપીએ-૨ના કાર્યકાળ દરમિયાન રીયાલ્ટી, પાવર અને ટેલીકોમ ક્ષેત્રે નેગેટીવ વળતર મળ્યું હતું.
આમ, છેલ્લી ત્રણ સરકાર અને શેરબજારમાં વળતર મુદ્દે સરખામણી કરીએ તો મનમોહનસિંઘની આગેવાની હેઠળની યુપીએ- વન અને યુપીએ-૨ના કાર્યકાળની સરખામણીએ મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના કાર્યકાળમાં શેરબજારમાં મળતા વળતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ચૂંટણીના માસમાં સેન્સેક્સની મુવમેન્ટ
સમયગાળો મુવમેન્ટ
પોઇન્ટ ટકા
જૂન ૧૯૯૧ + ૧૨૭૦ + ૨૧.૧
મે ૧૯૯૬ + ૩૭૨૫ + ૨૪.૨
ઓક્ટો. ૧૯૯૯ + ૪૪૪૫ + ૩૩.૬
મે ૨૦૦૪ - ૪૭૬૦ - ૫.૭૦
મે ૨૦૦૯ + ૧૪૬૨૫ + ૬૦.૮
મે ૨૦૧૪ + ૨૪૨૧૭ + ૧૬.૫
મે ૨૦૧૯ -૩૭૯૩૦ -૫.૦૨
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YF7J9h
via Latest Gujarati News
0 Comments