
દેશમાં ખાંડ બજારમાં તાજેતરમાં ભાવમાં મજબૂતાઈ દેખાઈ છે. નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં તાજેતરમાં ઉંચામાં ભાવ કિવ,.ના રૂ.૩૪૦૦ના પણ જોવા મળ્યા હતા. આ વર્ષે દેશમાં ઉનાળાની ગરમી સખત રહી છે તથા તેના પગલે ઠંડા પીણા તથા આઈસક્રીમ વિ.ની માગ વધી છે. આવા માહોલમાં ખાંડ બજારમાં વિશેષરૂપે બલ્ક વપરાશકારોની માગ ઉંચી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું.
દેશમાં હાલ ૨૦૧૮-૧૯ની ખાંડ મોસમ ચાલી રહી છે અને ૨૦૧૯-૨૦ની નવી ખાંડ મોસમના આરંભને હજી વાર છે ત્યારે મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ખાંડ મોસમમાં ઉત્પાદનમાં ખાસ્સો ઘટાડો થવાની ભીતિ છે. દેશમાં ખાંડનું જેટલું કુલ ઉત્પાદન થાય છે એ પૈકી મહારાષ્ટ્રમાં ઉત્પાદન આશરે ૩૦થી ૩૫ ટકા જેટલું થાય છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન આશરે ૧૦૭થી ૧૦૮ લાખ ટન જેટલું થયું છે તથા તેની સરખામણીએ આગામી ખાંડ મોસમમાં આવા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
મહારાષ્ટ્રના ખેડૂતો શેરડીૂના સરેરાશ ત્રણ પાકો લેતા હોય છે. આવા પાકો પ્લાન્ટીંગ કરાયા પછી આશરે ૮થી ૧૫ મહિનામાં તૈયાર થતા હોય છે. જૂન-જુલાઈમાં પ્રથમ વરસાદ થયા પછી પ્રથમ પ્લાન્ટીંગ કરવામાં આવે છે. જેને અડસાલી પાક તરીકે ઓળખવામાં આવે છે. આ પાક ૧૮ મહિનામાં તૈયાર થાય છે. આ પછી ડિસેમ્બર-જાન્યુઆરીના ગાળામાં જે શેરડી પ્લાન્ટ કરવામાં આવે છે તેને સુરુ તરીકે ઓળખવામાં આવે છે તથા આ પાક ૧૫ મહિનામાં તૈયાર થાય છે. ઓકટોેબર-નવેમ્બર દરમિયાન પ્લાન્ટેડ થયેલી શેરડી ૧૪-૧૫ મહિનામાં તૈયાર થતી હોય છે.
દરમિયાન દેશમાં ખાંડની મોસમ દર વર્ષે ઓકટોબરથી શરૂ થતી હોય છે. આ વર્ષે ૨૦૧૮-૧૯ની ખાંડ મોસમમાં ઓકટોબરથી એપ્રિલ દરમિયાનના સાત મહિનાના ગાળામાં ખાંડનું કુલ ઉત્પાદન વધી આશરે ૩૨૧થી ૩૨૨ લાખ ટન જેટલું થયું છે જે એક રેકોર્ડ ગણાય છે. સાત મહિનામાં ઉત્પાદનની જે પ્રગતિ થઈ છે એ જોતાં ૨૦૧૮-૧૯ના સંપૂર્ણ ખાંડ વર્ષમાં દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન વધીને આશરે ૩૩૩ લાખ ટન જેટલું રેકોર્ડ થવાની આશા ખાંડ બજાર તથા ઉદ્યોગના જાણકારો બતાવી રહ્યા છે.
દેશમાં ૨૦૧૭-૧૮ની પાછલી ખાંડ મોસમમાં કુલ ઉત્પાદન આશરે ૩૨૫ લાખ ટન જેટલું થયું હતું.આમ ૨૦૧૭-૧૮ની સરખામણીએ વર્તમાન ખાંડ વર્ષ ૨૦૧૮-૧૯માં ખાંડનું ઉત્પાદન આશરે ૮ લાખ ટન જેટલું વધુ થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા છે. દેશમાં ખાંડની આંતરિક માગ વાર્ષિક સરેરાશ આશરે ૨૬૦ લાખ ટન જેટલી રહેતી હોય છે. આની સામે આ વર્ષે ઉત્પાદન ઉંચું હોતાં ખાંડની નિકાસ માટે સરપ્લસ જથ્થો વધ્યો છે.
જોકે નિકાસ ક્ષેત્રે ચિત્ર નબળું રહ્યું છે. ખાંડની નિકાસનો ટાર્ગેટ ૨૦૧૮-૨૦૧૯ના વર્ષ માટે આશરે ૫૦ લાખ ટનનો નક્કી કરવામાં આવ્યો છે તેની સામે અત્યાર સુધીના ગાળામાં આવી નિકાસ ૨૮ લાખ ટનની થઈ છે. આમ નિકાસ ટારગેટ કરતાં હકીકતમાં નિકાસ અત્યાર સુધીમાં આશરે ૫૬ ટકા જેટલી થઈ છે. ભારતની વિવિધ ખાંડ મિલોએ અત્યાર સુધીમાં કુલ આશરે ૩૦ લાખ ટન ખાંડની નિકાસના સોદા કર્યા છે એ પૈકી આશરે ૨૮ લાખ ટન ખાંડનું શિપમેન્ટ થઈ ગયું છે.
સપ્ટેમ્બર અંત સુધીમાં હજી વધુ આશરે પાંચ લાખ ટનની નિકાસ થવાની શક્યતા છે. આ જોતાં ખાંડની નિકાસનું લક્ષ્યાંક હજી છેટું રહી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. દરમિયાન, દેશમાં વિવિધ રાજ્યોમાં દુુકાળની સ્થિતિ દેખાઈ છે ત્યારે શેરડીનો પાક જે સૌથી વધુ પાણી પીએ છે તેના પાકનો વાવેતર વિસ્તાર ઘટાડવો જોઈએ કે નહિં એ વિશે પણ તાજેતરમાં ચર્ચા સંભળાઈ છે.
જાણકારોના મત મુજબ ૧ કિલો ખાંડના ઉત્પાદન માટે સેંકડો લીટર પાણી વાપરવામાં આવે છે. શેરડીના પાકને પણ પાણીની વિશેષ જરૂર પડતી હોય છે. દરમિયાન, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ખાંડ મિલો સાથે ઈથેનોલના પુરવઠા માટે લાંબા ગાળાના ખરીદી કરાર કરવા જોઈએ એવી માગણી પણ શરૂ થઈ છે.
વિશ્વ બજારના સમાચાર મુજબ ભારતમાં ૨૦૧૯-૨૦ની ખાંડ મોસમમાં ઉત્પાદન ઘટવાની શક્યતા ઉપરાંત થાઈલેન્ડમાં પણ ઉત્પાદન ઓછું થવાની ભીતિ બતાવાઈ રહી છ.ે ભારતમાં ૨૦૧૯-૨૦ની મોેસમમાં ખાંડનું ઉત્પાદન ઘટી આશરે ૩૦૩ લાખ ટન જેટલું થવાનું અનુમાન બતાવાયું છે. વૈશ્વિક સ્તરે ખાંડમાં સરપ્લસની સ્થિતિના બદલે ૨૦૧૯-૨૦ના વર્ષમાં આશરે ૨૩થી ૨૪ લાખ ટનની સપ્લાય ડેફીસીટ સર્જાવાની શક્યતા વૈશ્વિક ખેલાડીઓ બતાવી રહ્યા છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HvlO3L
via Latest Gujarati News
0 Comments