ટ્રેડવોરના માહોલમાં અમેરિકી સરકાર ખેડૂતોનો માલ હવે પોતે ખરીદશે



વિશ્વના વિવિધ કોમોડિટીઝ બજારોમાં  તાજેતરમાં શાંતિ છવાયેલી રહ્યા પછી ઓચીંતો અજંપો વધ્યાના વાવડ મળ્યા છે. આ પૂર્વે ૨૦૧૮માં ચીન તથા અમેરિકા વચ્ચે વેપારયુદ્ધ ટેરીફ વોર ઉગ્ર બન્યું  હતું એ દરમિયાન વિશ્વ બજારમાં અજંપો વધ્યો હતો પરંતુ ત્યાર પછી ચીન અને અમેરિકા વચ્ચે ટેરીફ યુદ્ધની સમજૂતી ગોતી કાઢવા મંત્રણાઓનોે દોર શરૂ થયો હતો અને આના પગલે વૈશ્વિક ખેલાડીઓમાં અજંપો  દૂર થઈ આશાવાદ વધ્યો હતો.

આ બન્ને મહાકાય દેશો વચ્ચે આવી મંત્રણાનો દોર આશરે ચાર મહિના ચાલ્યો હતો પરંતુ આટલી વાટાઘાટો પછી પણ કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં અમેરિકાના પ્રમુખ કંટાળ્યા હતા અને અમેરિકાએ ચીનની વિવિધ ચીજો પર ઓચિંતી ટેરીફ વૃદ્ધીની જાહેરાત કરી દીધી હતી. આના વળતા જવાબમાં ચીને પણ અમેરિકાની ચીજોને ટેરીફની જાળમાં સમાવી લેવા વળતી જાહેરાત કરતાં વિશ્વના બજારોમાં  તાજેતરમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.

ચીન-અમેરિકા વચ્ચે ટેરીફ યુદ્ધ ફરી શરૂ થતાં વિશ્વના કૃષી બજારો ઉપરાંત કરન્સી બજારો, શેરબજારો તથા બુલીયન-મેટલ્સ બજારો, ક્રૂડતેલના બજારો વિ. વિવિધ બજારો પર તેના ખાસ્સા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ચીનની કરન્સી ગબડી હતી.  ચીને વળતો પ્રહાર કરતાં અમેરિકામાં વિવિધ કૃષી બજારો ગબડયા હતા.  અમેરિકામાં ખાસ કરીને કોટન, સોયાબીન વિ. ના ભાવ પર તેની વિશેષ અસર જોવા મળી હતી.

દરમિયાન,  હવે જૂન મહિનામાં જાપાનમાં જી-૨૦ના દેશોની મિટિંગ મળવાની છે અને આ મિટિંગમાં અમેરિકાના પ્રમુખ તથા ચીનના પ્રમુખ વચ્ચે ફરી મિટિંગ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. અમેરિકાએ ચીન પછી હવે યુરોપના દેશોને પણ ઝપટમાં  લેવા યોજના બનાવી છે.  આની અસર યુરોપના વાહન ઉદ્યોગ તથા એવીએશન ક્ષેત્ર પર પડવાની શક્યતા  વિશ્વ બજારમાં બતાવાઈ રહી છે. ટેરીફ યુદ્ધના પગલે વૈશ્વિક ટ્રેડ વોલ્યુમમાં ઘટાડો  થવાની ભીતિ જણાઈ છે.

ન્યુયોર્ક કોટન વાયદો તાજેતરમાં ટૂંકાગાળામાં  નોંધપાત્ર તૂટી ગયો છે. ચીનની નબળાઈની અસર ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ પર પણ પડી છે. અનિશ્ચિતતા વધતાં વિશ્વ બજારમાં  સોનું ઉછળી ઔંશના  ૧૩૦૦ ડોલરને આંબી ગયું  છે. જોકે ત્યારબાદ ભાવ ફરી ગબડયા છે.જ્યારે  ઔદ્યોગિક વપરાશમાં વપરાતી પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા છે. 

આના પગલે સોનાના ભાવ તથા પેલેડીયમના  ભાવ વચ્ચેનો તફાવત પણ સંકડાયો છે. ટેરીફ યુદ્ધ પૂર્વે અમેરિકાથી ચીન દર વર્ષે આશરે ૮૦૦ લાખ ટન સોયાબીનની નિકાસ થતી હતી તેના પર હવે અસર પડી છે. અમેરિકાથી ચીન તરફ જતા કોટન પર પણ આવી અસર જોવા મળશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા છે. ટ્રેડવોરના છાંટા ક્રૂડતેલની બજાર પર પણ ઉડયા છે.

ચીન દ્વારા અમેરિકાથી કૃષી ચીજોની આયાત ઘટાડાશે તો શું ચીન આવી ચીજો ભારતથી આયાત કરશે? એવો પ્રશ્ન કૃષી બજારમાં પૂછાઈ રહ્યો છે. આમ થશે તો ભારતના કૃષી બજારોમાં આ વાત આશિર્વાદરૂપ સાબીત થાય તેમ છે. ૧૯૮૦માં ત્યારના અમેરિકન પ્રમુખ જીમી કાર્ટરે  રશિયા ખાતે નિકાસ બંધ કરતાં એ વખતે અમેરિકાના બજારોમાં અનાજના ભાવ ગબડી ગયા હતા એ વખતે અમેરિકાની સરકારે અમેરિકાના ખેડૂતો પાસેથી માલ ખરીદી તેમને પીઠબળ પૂરું પાડવા પ્રયત્નો કર્યા હતા. 

એ વખતે અમેરિકાએ કોમોડિટી ક્રેડિટ કોર્પોરેશન મારફત મકાઈ તથા ઘઉંની પુષ્કળ ખરીદી કરી હતી. અમેરિકામાં હાલના નિયમો મુજબ કોમોડિટી ક્રેડિટ કોર્પોરેશન મારફત અમેરિકી પ્રમુખ આશરે ૧૫ અબજ ડોલરની કૃષી ચીજોની ખરીદી  કરી સ્ટોક કરી શકે તેમ છે.  અમેરિકાના ખેડૂતો આ પ્રશ્ને આશાવાદી રહ્યા છે.  જોકે આ પૂર્વે ૨૦૧૮માં  ટ્રેડવોર વધતાં અમેરિકામાં ખેડૂતો દ્વારા દેવાળું ફૂંકવાના પ્રમાણમાં   આશરે ૩૦ ટકાની વૃદ્ધી થઈ હતી. 

હવે ૨૦૧૯ના વર્ષમાં ફરી ટેરીફ યુદ્ધ સપાટીએ આવ્યું છે ત્યારે ત્યાંના ખેડૂતોમાં અજંપો ફરી વધ્યો છે. ત્યાં કૃષી ચીજોના વાયદાના વેપારમાં મળતા વળતરનું પ્રમાણ ઘટી  ૧૯૭૭ની સપાટીએ ઉતર્યું છે. દરમિયાન,  અમેરિકાના પ્રમુખના જણાવ્યા મુજબ ચીનની ચીજો પર ટેરીફ વધાર્યા પછી  અમેરિકાની સરકારને જે વધારાની આવક થશે તે આવક અમેરિકાની સરકાર અમેરિકાના ખેડૂતો પાસેથી કૃષી માલોની ખરીદી કરવા માટે ઉપયોગમાં લેવાની છે.  એકંદરે  વૈશ્વિક કૃષી બજારોમાં  હાલ પ્રવાહિ પરિસ્થિતિ દેખાઈ છે અને નવા બનાવો પર ખેલાડીઓની નજર રહી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YynXRy
via Latest Gujarati News

Post a Comment

0 Comments