
વિશ્વબજારમાં તાજેતરમાં અજંપો ફરી વધ્યો છે. આ પૂર્વે ચીન તથા અમેરિકા વચ્ચે ટેરીફ યુધ્ધ વધ્યા પછી તાજેતરમાં છેલ્લા આશરે ચાર મહિનાથી આ બંને મહાકાય દેશો વચ્ચે ટ્રેડ વોરની સમજૂતી ગોતી કાઢવા મિટિંગોનો દોર ચાલી રહ્યો હતો અને આવી મિટિંગો અમેરિકા તથા ચીનમાં યોજવામાં આવી હતી. આ મિટિંગો ચાલી રહી હતી ત્યારે વિશ્વના બજારોમાં તથા ખાસ કરીને વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના બજારોમાં આશાવાદ વધ્યો હતો તથા આના પગલે કોપર સહીત વિવિધ મેટલ્સના ભાવ પણ ઉંચા ગયા હતા.
જોકે ત્યારબાદ તાજેતરમાં બહાર આવેલા સમાચાર મુજબ ચીન તથા અમેરિકા વચ્ચે ફરી મતભેદો વધ્યા છે તથા ચાર મહિનાની મિટિંગોની કવાયત નિષ્ફળ જતાં બંને દેશોએ એકબીજાની અબજો ડોલરની ચીજવસ્તુ ઉપર ટેરીફ વધારવાની હાકલ કરી છે. આના પગલે ટેરીફ યુધ્ધ ફરી સપાટીએ આવતાં વિશ્વબજારમાં અજંપો પણ ફરી સપાટીએ આવ્યો હોવાનું મેટલ્સ બજારના ખેલાડીઓએ જણાવ્યું હતું. આના પગલે કોપર સહીત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ જે તાજેતરમાં વધેલા આશાવાદના પગલે ઉંચા ગયા હતા તે ફરી દબાણ હેઠળ આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.
કોપરના વૈશ્વિક ભાવ બ્રિટનમાં ઉંચેથી નીચા આવી તાજેતરમાં ટનદીઠ ૬૧૦૦ ડોલરની અંદર ઉતર્યાના વાવડ હતા. ન્યુયોર્ક કોપર વાયદામાં પણ આના પગલે વેચવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક મેટલ્સ બજારમાં ચીનની ભૂમિકા હંમેશા ચાવીરૂપ રહી છે. ચીનના અર્થતંત્રમાં ઉત્સાહ વધે છે. ત્યારે વિશ્વબજારમાં ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ ઉંચા જતા હોય છે.
જ્યારે ચીનમાં નબળાઈ દેખાય છે ત્યારે આવી મેટલ્સના ભાવ નીચા આવતા રહ્યા છે. અમેરિકાએ ચીનની ચીજો પર ટેરીફ વધાર્યા પછી તાજેતરમાં ચીને પણ વળતા જવાબના સ્વરૂપમાં અમેરિકાની વિવિધ ચીજો પર ટેરીફ વૃધ્ધીની જાહેરાત કરી હતી અને જે દિવસે ચીને આવી જાહેરાત કરી હતી તે દિવસે ન્યુયોર્ક કોપરના વાયદા બજારમાં ભાવ બેથી અઢી ટકા તૂટયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં કોપર સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવમાં લંડન મેટલ એક્સચેન્જના ભાવ બેન્ચ માર્ક ગણાય છે અને સમગ્ર વિશ્વના મેટલ બજારના વેપારીઓ લંડન બજારને અનુસરતા હોય છે. લંડન મેટલ એક્સચેન્જ દ્વારા રોજેરોજ ભાવમાં થતી વધઘટ જાહેર કરવામાં આવે છે તેની સાથે ત્યાં વિવિધ ધાતુઓના સ્ટોકમાં થતી વધઘટના આંકડાઓ પણ બહાર પાડવામાં આવતા હોય છે એવું જાણકારોએ જણાવ્યું હતું.
આવા સ્ટોકમાં થતા ફેરફારો પર પણ વિશ્વબજારના ખેલાડીઓ બારીક નજર રાખતા રહે છે અને આવા સ્ટોકના ફેરફારોને લક્ષમાં રાખી આવા ખેલાડીઓ મધ્યમ તથા લાંબા ગાળાના સોદાઓ કરતા હોય છે. વિશ્વના મેટલ્સ બજારોમાં ૨૦૧૭માં તેજી રહ્યા પછી ૨૦૧૮ના વર્ષમાં ભાવ નીચા ઉતર્યા હતા. લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ મેટલ્સના સ્ટોકના રોજે રોજ બહાર પડતા આંકડાઓમાં ખાસ્સી વધઘટ જોવા મળતી હોય છે. આશરે ૭૦૦ વેરહાઉસીસના આંકડા આ રીતે બહાર પડતા હોય છે.
જોકે તાજેતરમાં ચીનમાં શાંઘાઈ બજારમાં મેટલ્સના વેપારો વધ્યા છે તથા બજારના અંદાજ મુજબ લંડન બજાર કરતાં હવે શાંઘાઈ બજારમાં આવા વેપારોનું વોલ્યુમ વધુ થઈ રહ્યું છે. આમ છતાં લંડન મેટલ એક્સચેન્જ જે રીતે વૈશ્વિક ૭૦૦ વેર હાઉસીસના સ્ટોકના આંકડાઓ બહાર પાડે છે એ પ્રશ્ને લંડન મેટલ એક્સચેન્જની ભુમિકા હજી પણ ચાવીરૂપ રહી છે. મેટલ્સના ઉત્પાદકો તથા વેપારીઓ માલ વેંચાય નહિં ત્યારે એલએમઈના વેર હાઉસીસમાં આવો સ્ટોક મુકતા હોય છે.
આવા માહોલમાં એલએમઈમાં સ્ટોક વધે છે ત્યારે માગ ઓછી હોવાનું ચિત્ર ઉભરે છે અને એવા સંજોગોમાં બજાર ભાવ નીચા આવતા હોય છે. આથી વિપરીત જ્યારે સ્ટોક ઘટે છે ત્યારે ભાવ ઉંચા જતા હોય છે. લંડન મેટલ એક્સચેન્જમાં ૨૦૧૧માં કોપરનો સ્ટોક ઘટતો રહી ત્રણ લાખ ટનની અંદર ઉતર્યો હતો ત્યારે કોપરના ભાવ વધી ટનના ૧૦ હજાર ડોલર ઉપર જતા રહ્યા હતા. ત્યાર પછી ૨૦૧૩માં કોપરનો આવો સ્ટોક વધી ૬ લાખ ૭૮ હજાર ટન નોંધાયો હતો એ વખતે કોપરના ભાવ ફરી ગબડી ૬૭૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા.
આમ સ્ટોકના આંકડા પર બજારની વધઘટ તુરંત થતી રહી છે. જોકે બજારના ખેલાડીઓના જણાવ્યા મુજબ સ્ટોકમાં થતી વધઘટ ઉપરાંત કરન્સી બજારમાં થતી વધઘટ પર પણ બારીક નજર રાખવી જરૂરી હોય છે. વિશ્વબજારમાં ડોલરના ભાવ ઉંચા જાય છે ત્યારે કોપર સહિત વિવિધ મેટલ્સના ભાવ દબાણ હેઠળ આવતા હોય છે અને ડોલર નીચો આવે છે ત્યારે મેટલ્સની બજાર ઉંચકાતી હોય છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hq0QD2
via Latest Gujarati News
0 Comments