બુડાપેસ્ટમાં મુસાફરો ભરેલી બોટ ડુબી જતાં સાતનાં મોત, 21 લાપતા


(પીટીઆઈ) કોલંબો, તા. 30 મે, 2019, ગુરૂવાર

હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાંથી વહેતી ડૈન્યૂબ નદીમાં દક્ષિણ કોરિયાના ૩૩ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સહિતની સાઈટસીઇંગ બોટ અન્ય જહાજ સાથે અથડાવાના કારણે ડુબી ગઈ હતી જેમાં સાત લોકો મૃત્યુ પામ્યા છે અને ૨૧ લાપતા છે. 

બચાવ અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમને સાત મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ૨૧ લોકો હજુ પણ લાપતા છે. રાષ્ટ્રીય એમ્બ્યુલન્સ સેવાના પ્રવક્તાએ જણાવ્યું કે બુધવારે રાત્રે બનેલી આ દુર્ઘટનામાં સાત લોકોને બચાવી લેવાયા છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં છે.

રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તાએ સમગ્ર બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું કે અગાઉ તેમને બોટમાં દક્ષિણ કોરિયાના ૩૨ મુસાફરો હોવાની માહિતી મળી હતી પરંતુ બાદમાં દ.કોરિયાના વિદેશ મંત્રાલયે તેમાં ૩૩ મુસાફરો હોવાની સ્પષ્ટતા કરી હતી. વધુમાં બોટના બંને ક્રૂ મેમ્બર હંગેરિયન હોવાનું જણાવ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈને હંગેરીમાં બચાવ કામગીરીને ટેકો આપવા માટે તમામ પ્રયત્નો કરવા માટે તાકીદ કરી હતી. 

સેના અને ડૂબકીખોરો સહિત અનેક લોકોની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે અને તેઓ બુડાપેસ્ટથી અનેક માઈલ દૂર નદીમાં ડૂબકીઓ મારીને તપાસ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે નદી ખૂબ જ વેગથી વહી રહી છે અને એક વ્યક્તિને બોટ ડૂબી તે સ્થળથી ત્રણ કિમી દૂરના વિસ્તારમાંથી બચાવી લેવામાં આવી હતી.

પેનોરમા ડેક બોટિંગ કંપનીએ જણાવ્યું કે દુર્ઘટનાનો ભોગ બની તે બોટ તેમના કાફલાની સૌથી નાની હોડી હતી. ૪૫થી ૬૦ લોકોની ક્ષમતા ધરાવતી હેબલની(જળકન્યા) નામની આ બોટ તેની રુટિન સફર પર હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી અને કંપનીના પ્રવક્તાના મતે ટેકિનકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાની કોઈ માહિતી નથી મળી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YZFi6q
via Latest Gujarati News

Post a Comment

0 Comments