25 અમેરિકન સાંસદોએ ભારતનો GSP દરજ્જો ચાલુ રાખવા પત્ર લખ્યો

   
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 3


૨૫ પ્રભાવશાળી અમેરિકન સાંસદોના એક જૂથે યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવને પત્ર લખી ભારતની સાથે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(જીએસપી) કાર્યક્રમ ચાલુ રાખવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત સાથેનો જીએસપી કાર્યક્રમ બંધ કરવા માટેનો ૬૦ દિવસનો નોટિસ પિરિયડ આજે સમાપ્ત થઇ રહ્યો છે. સાંસદોના જૂથે ચેતવણી આપી છે કે જીએસપી કાર્યક્રમ બંધ કરવાથી ભારતમાં પોતાની નિકાસ વધારવા માગતી અમેરિકન કંપનીઓને નુકસાન થશે. 

જીએસપી સૌથી મોટું અને જૂનું યુએસ ટ્રેડ પ્રેફરન્સ પ્રોગ્રામ છે અને તેનો હેતુ વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિ વધારવાનો છે. હાલમાં અમેરિકાએ ૧૨૯ દેશોને જીએસપીનો દરજ્જો આપ્યો છે. જીએસપીને કારણે આ દેશોની વસ્તુઓને અમેરિકામાં ડયુટી ફ્રી એન્ટ્રી મળે છે. 

જીએસપી કાર્યક્રમ વિકાસશીલ દેશો માટે ખૂબ જ લાભકારક છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચાર માર્ચના રોજ ભારતનો જીએસપી દરજ્જો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જે માટે ૬૦ દિવસની નોટિસ આપવામાં આવી હતી. જે ૩ મેના રોજ સમાપ્ત થઇ રહી છે. 

નોટિસનો સમય સમાપ્ત થવાની પહેલા ૨૫ અમેરિકન સાંસદોએ ટ્રમ્પ વહીવટી તંત્રને પોતાનો નિર્ણય પરત લેવાની અપીલ કરી છે. 

પત્રમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના ૨૫ સભ્યોએ અમેરિકા વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરને ભારતની સાથે આયાત અને નિકાસ બંને પર વિશ્વાસ કરનારી નોકરીઓને વેગ આપનારી સમજૂતીને ચાલુ રાખવાની અપીલ કરી છે. 

આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનો જીએસપી દરજ્જો સમાપ્ત કરવામાં આવશે ભારતમાં પોતાની નિકાસ વધારવા માગતી અમેરિકન કંપનીઓને નુકસાન થશે. 

આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ૬૦ દિવસની નોટિસ એવા સમયે સમાપ્ત થઇ રહી છે જ્યારે ભારતમાં સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. અમેરિકા સાથેના ડયુટી અંગેના મુદ્દાઓ ચૂંટણી પછી બનનારી નવી સરકાર જ ઉકેલી શકે તેમ હોવાથી અમેરિકાએ જીએસપી સમાપ્ત કરવામાં ઉતાવળ ન કરવી જોઇએ અને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી ભારતને વધુ સમય આપવો જોઇએ. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PHZxls
via Latest Gujarati News

Post a Comment

0 Comments