
રામ કૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ટાગોર જેવા મહાન નેતાઓના સંસ્કાર ધરાવતા પ. બંગાળના લોકો મમતાને સહન નહીં કરે
નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્ને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના દમદમ અને મથુરાપુરામાં સભાને સંબોધતા મમતા પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ મમતા બેનરજી અને તેમના ભત્રીજાની જાગીર નથી.
જ્યારે તેમણે મથુરાપુરમાં કહ્યું કે ટીએમસીના ગૂંડાઓએ હિંસા ફેલાવી હતી અને વિદ્યાસાગરની મુર્તી પણ તેમણે જ તોડી છે. સાથે પશ્ચિમ બંગાળમાં દુર્ગા અને સરસ્વતી પૂજાને લઇને વિવાદ ચાલી રહ્યો છે તેમ મોદીએ કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંતીમ તબક્કાના પ્રચારમાં પશ્ચિમ બંગાળમાં સભાને સંબોધી હતી. આ સાથે જ તેમણે મમતા બેનરજી પર હિંસાના આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જે રીતે મમતા બેનરજી બધુ પાર પાડી રહ્યા છે તેનાથી હવે દેશની જનતા પરીચીત થઇ ગઇ છે. મમતા દીદી પશ્ચિમ બંગાળને પોતાની અને પોતાના ભત્રીજાની જાગીર પણ સમજી રહી છે. જે પ્રકારની હિંસા થઇ છે તેનાથી ગણતંત્ર બદનામ થઇ રહ્યું છે.
તૃણમુલના ગૂંડાઓએ મહાન પુરુષ તેમજ સમાજસુધારક ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મુર્તીને તોડી છે. તૃણમુલ સરકાર જે રીતે સારધા તેમજ નારદા કાંડ પુરાવા મિટાવ્યા છે તેવી જ રીતે સીસીટીવી કેમેરાને ન દેખાડીને વિદ્યાસાગરની પુરતી તોડવાની ઘટનાને પણ દબાવી રહી છે. મોદીએ સાથે દાવો કર્યો હતો કે ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનશે. જોકે દીદીની હતાશા અને પશ્ચિમ બંગાળના લોકોનું સમર્થન જોઇને હું કહી શકુ છુ કે પશ્ચિમ બંગાળ અમને ૩૦૦થી વધુ બેઠકો જીતવામાં મદદ કરશે.
સાથે મમતાની એક તસવીરનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઇને પણ મોદીએ પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે માત્ર એક તસવીર માટે આટલો ગુસ્સો કેમ? હું મમતાની જગ્યાએ હોત તો જે પણ મારી આવી તસવીર શેર કરે તેની સામે એફઆઇઆર ન થવા દઉ. સાથે મોદીએ જણાવ્યું હતું કે જે ધરતી પર રામ કૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને રવીંદ્ર નાથ ટાગોર જેવા મહાન નેતાઓના સંસ્કાર હોય ત્યાંના લોકો દીદીનું આ વર્તન સહન નહીં કરી લે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LKvlYC
via Latest Gujarati News
0 Comments