અમેરિકાના બે પ્રભાવશાળી સાંસદોએ એચ-૪ વીઝા વર્કરોના રક્ષણ માટેનું બિલ સંસદમાં રજૂ કર્યુ


(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૩૦

અમેરિકાના બે પ્રભાવશાળી સાંસદોએ એચ-૪ વીઝા વર્કરોના રક્ષણ માટેનું બિલ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રજૂ કર્યુ છે. આ વીઝા પર કામ કરતા વર્કરોમાં મોટા ભાગે એચ-૧બી વિઝા ધરાવતા ભારતીય પ્રોફેશનલોના જીવન સાથીનો સમાવેશ થાય છે. 

એન્ના જી ઇશો અને ઝો લોફગ્રેન નામના બે સાંસદોએ જણાવ્યું છે કે એચ-૪ વિઝાની વર્ક પરમિટ રદ કરાશે તો અમેરિકન અર્થતંત્રને તો નુકસાન થશે જ સાથે જ એચ-૪ વિઝાધારકોના પરિવારોમાં પણ મુશ્કેલીમાં મુકાશે. 

એચ-૪ વિઝા વર્કરોની વર્ક પરમિટ રદ કરવાની જાહેરાત કરતું નોટિફિકેશન ચાલુ મહિનામાં જ રજૂ કરવાની ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની જાહેરાત પછી કેલિફોર્નિયાના બે સાંસદો દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. 

એચ-૧બી વિઝા હોલ્ડરના જીવનસાથીને એચ-૪ વિઝા ઇશ્યુ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિઝાધારકોમાં મોટે ભાગે ભારતીય આઇટી પ્રોફેશનલોનો સમાવેશ થાય છે. 

ચાલુ સપ્તાહમાં જ ટ્રમ્પ વહીવટી તંત્રે જાહેરાત કરી હતી કે એચ-૧બી વિઝા ધારકોને જીવનસાથીને અપાતા એચ-૪ વિઝા હેઠળની વર્ક પરમિટને રદ કરવામાં આવશે. 

એચ-૪ વિઝા ધરાવતા ઘણા લોકો હાઇ સ્કીલ્ડ પ્રોફેશનલ છે. જો એચ-૪ વિઝાની વર્ક પરમિટ રદ કરવામાં આવશે તો આ વિઝાધારકોના પરિવારને ભારે આર્થિક મુશ્કલીઓનો સામનો કરવો પડશે. 

હાલમાં એક લાખ લોકો એચ-૪ વિઝા છે. તેમાં મોટેભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. અને તેમાં પણ ભારતીયો વધારે છે. એટલે કે એચ-૪ વિઝાની વર્ક પરમિટ રદ કરાશે તો તેની સૌથી વધુ અસર અમેરિકામાં વસતા ભારતીય પરિવારોને થશે. 

અગાઉની ઓબામા સરકારે એચ-૪ વિઝાધારકોને વર્ક પરમિટની મંજૂરી આપી હતી.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EJwCcH
via Latest Gujarati News

Post a Comment

0 Comments