(પીટીઆઇ) લંડન, તા. ૩૦
હીરાના ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદી પ્રત્યાર્પણ કેસની સુનાવણી દરમિયાન બ્રિટનની કોર્ટે નિરવ મોદીના રિમાન્ડ ૨૭ જૂન સુધી વધારી દીધા છે. આ દરમિયાન બ્રિટનની કોર્ટે ભારતને સરકારને જણાવ્યું છે કે તે ૧૪ દિવસની અંદર જવાબ આપે કે જો નિરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપવામાં આવશે તો તેને ભારતની કઇ જેલમાં રાખવામાં આવશે.
બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક(પીએનબી) કેસમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આક્ષેપોનો સામનો કરી રહેલા અને ભારતમાં વોન્ટેડ નિરવ મોદીને આજે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.
૪૮ વર્ષીય નિરવ મોદી બ્લેક પેન્ટ અને વાદળી શર્ટ પહેરી કોર્ટમાં હાજર થયો હતો. જજે આ કેસની આગામી સુનાવણી ૨૭ જૂને રાખી છે. આ સુનાવણી વીડિયોલિંક દ્વારા કરવામાં આવશે.
આ દરમિયાન ભારત સરકારે ૧૪ દિવસની અંદર જણાવવું પડશે કે પ્રત્યાર્પણ પછી નિરવ મોદીને કઇ જેલમાં રાખશે. નિરવ મોદીના વકીલ કલેર મોન્ટગોમેરીએ જણાવ્યું છે કે અમે માગ કરી છે કે નિરવ મોદીને એવી જેલમાં રાખવામાં આવે જ્યાં માનવાધિકારોનો ભંગ થતો ન હોય.
ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અંગે જજ એમ્મા અર્બથનોટે જણાવ્યું છે કે આ વખતે રજૂ કરવામાં આવેલા પુરાવા અગાઉ કરતા સારા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ બ્રિટનના જજે પ્રત્યાપર્ણના કેસોમાં ભારત દ્વારા રજૂ કરવામાં આવતા પુરાવાઓની ટીકા કરી હતી કારણકે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા કેટલાક પુરાવા તો હાથથી લખેલા હતાં.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XhzAft
via Latest Gujarati News
0 Comments