
નવી દિલ્હી, તા. 30 મે, 2019, ગુરૂવાર
કેબિનેટમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ચહેરો કોઈ હોય તો એ પૂર્વ વિદેશ સચિવ સુબ્રમણ્યમ જયશંકર છે. ઘણા સિનિયર ભાજપના નેતોઆને પાછળ રાખીને વડા પ્રધાને જયશંકરને સીધા કેબિનેટમાં સ્થાન આપ્યુ હતુ. એ રીતે વડા પ્રધાને ચીવટપૂર્વક ટેલેન્ટેડ માણસોનો મંત્રી મંડળમાં સમાવેશ કર્યો છે.
વિદેશ સચિવ તરીકે જયશંકરનો કાર્યકાળ ઉજળો રહ્યો છે. હવે તેમને શુષ્મા સ્વરાજના સ્થાને વિદેશ મંત્રી બનાવે એવી શક્યતા છે. કેમ કે ભારતની વિદેશનીતિના ઘડતરમાં જયશંકરનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
જયશંકર વિદેશ સચિવ હતા એ પહેલા અમેરિકામાં ભારતના રાજદૂત હતા. એનડીએ સરકાર વખતે થયેલા ભારત-અમેરિકા પરમાણુ કરારને સફળ બનાવામાં જયશંકરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
એટલે તેઓ નેતા નથી, પરંતુ સરકારી કામનો અને ખાસ તો અન્ય દેશોની સરકાર સાથે કામ પાડવાનો અનુભવ ધરાવે છે. જાન્યુઆરી ૨૦૧૮માં જ તેઓ વિદેશ સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. અમેરિકા ઉપરાંત તેઓ ચીનમાં પણ ભારતના રાજદૂત હતા.
રાજનિતિશાસ્ત્રનો અભ્યાસ કરી ચૂકેલા જયશંકર નિવૃત્તિ પછી ટાટા સન્સમાં જોડાયા હતા. સનદી સેવામાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને ૨૦૧૯માં જ તેમને પદ્મશ્રીનું સન્માન પણ આપવામાં આવ્યુ હતું.
વિદેશ સચીવ તરીકેનો તેમનો કાર્યકાળ અત્યાર સુધીના બધા વિદેશ સચિવો કરતા સૌથી લાંબો હતો. મોદી સરકારના પાંચ વર્ષ દરમિયાન જ્યારે જ્યારે વિદેશ નીતિ કસોટીએ ચડી હતી, ત્યારે ત્યારે જયશંકરે ટ્રબલ શૂટર તરીકે કામ કર્યું હતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KbqgWO
via Latest Gujarati News
0 Comments