ચીનની અવળચંડાઈ યથાવત્ : ભારતને NSGમાં સામેલ ન થવા દીધું


ભારત એનપીટીમાં હસ્તાક્ષર કરશે પછી જ એનએસજી મુદ્દે સાથ આપીશું બેઠકમાં ભારતને સભ્યપદ અપાવવાનો એજન્ડા જ ન હતો : ચીન

(પીટીઆઈ) અસ્તાના/બેઈજિંગ, તા.21 જૂન, 2019, શુક્રવાર

કઝાખસ્તાનમાં ન્યૂક્લિયર સપ્લાયર ગુ્રપ (NSG)ની બેઠક મળી હતી. તેમાં ફરીથી ચીને ભારતને સાથ આપ્યો ન હતો. NSGમાં સભ્યપદ મેળવવાના પ્રયાસમાં ફરી વખત ચીને અવરોધ ખડો કરતા કહ્યું  હતું કે જ્યાં સુધી NPTમાં હસ્તાક્ષર નહીં થાય ત્યાં સુધી NSGનું સભ્યપદમાં ચીન સહકાર આપશેનહીં.

ભારતે ૨૦૧૬થી NSGનું સભ્યપદ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, ત્યારથી ચીન સતત ભારતનો વિરોધ કરતું આવ્યું છે. ભારતને NSGનું સભ્યપદ ન મળે તે માટે ચીન એવો મુદ્દો ઉઠાવતું આવ્યું છે કે ભારત જ્યાં સુધી NPT (ટ્રીટી ઓફ ધ નોન-પ્રોલિફિરેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ)માં હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી NSGનું સભ્યપદ મેળવી શકે નહીં.

૨૦૧૯માં કઝાખસ્તાનમાં મળેલી બેઠક મુદ્દે ચીને જણાવ્યું હતું કે NPTમાં હસ્તાક્ષર ન કરનારા દેશોને NSGનું સભ્યપદ અપાવવાની ચર્ચા કરવાનો આ બેઠકમાં કોઈ જ એજન્ડા ન હતો. અગાઉ પણ ચીને આ જ મુદ્દે ભારતનો વિરોધ કર્યો હતો.

ભારત-પાકિસ્તાન બંને આ ૪૮ દેશોના સંગઠનમાં સભ્યપદ માટે દાવો કરે છે. પાકિસ્તાનને સભ્યપદ મળે એવી શક્યતા નથી એટલે ચીન તેના મિત્ર રાષ્ટ્ર પાકિસ્તાનને સભ્યપદ મળે એવા સંજોગોમાં ભારતની તરફેણ કરી શકે છે. એટલે કૂટનીતિનો ઉપયોગ કરીને ચીન ભારતનો આ ગુ્રપમાં પ્રવેશ અટકાવે છે.

ચીને આ મુદ્દે વિચારવાની કોઈ સમયમર્યાદા પણ આપી ન હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે જણાવ્યું હતું કે NSGમાં ભારતની એન્ટ્રીનો કોઈ સવાલ જ નથી. કારણ કે જે દેશો પરમાણુ નિર્મૂલનની સંધિ ઉપર સહી નહીં કરે તેને નિયમ પ્રમાણે સભ્યપદ આપવું જોખમી છે. ચીને કહ્યું હતું કે અમે ભારતને રોકતા નથી, પરંતુ સંગઠનમાં ફેરફાર કરવાની તરફેણમાં છીએ અને જ્યાં સુધી એ ફેરફાર ન થાય ત્યાં સુધી અમે અન્ય દેશોનું સમર્થન નહીં કરીએ.

૪૮ દેશોનું NSG સંગઠન વિશ્વભરમાં પરમાણુ વેપારનું નિયંત્રણ ધરાવે છે. આ દેશોનું સંગઠન પરમાણુ વેપારની બાબતે શક્તિશાળી સંગઠન છે. ભારતે ૨૦૧૬માં આ સંગઠનમાં જોડાવવા અરજી કરી તે પછી પાકિસ્તાને પણ અરજી કરી હતી અને પાકિસ્તાને પણ NPTમાં હસ્તાક્ષર કર્યા નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2x6sxLr
via Latest Gujarati News

Post a Comment

0 Comments