
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)મુંબઈ,તા. 21 જૂન 2019, શુક્રવાર
સપ્તાહના અંતે આજે શેરોમાં ફરી તેજીનું 'શિર્ષાસન' થઈ ગયું હતું. ગઈકાલે ગુરૂવારે શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન ફંડો, મહારથીઓએ કવર કર્યા બાદ આજે સપ્તાહના અંતે ફરી આંચકા આપીને અનેક શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યા સાથે ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાવ્યો હતો.
૫,જુલાઈ ૨૦૧૯ના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં આ વખતે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી)માં વધારો કરવામાં આવે એવી શકયતા સાથે કોર્પોરેટ ટેક્ષમાં પણ વધારો થવાની બતાવાતી શકયતા અને વૈશ્વિક મોરચે ઈરાન દ્વારા અમેરિકાના ડ્રોનને ગઈકાલે તોડી પાડવામાં આવ્યા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલો કરવાના આદેશ આપ્યા બાદ આ આદેશ પાછો ખેંચ્યાના નાટયાત્મક ઘટનાક્રમ વચ્ચે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું.
રૂપિયા સામે અમેરિકીસ ડોલર ૧૧ પૈસા વધીને રૂ.૬૯.૫૫ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અમેરિકા-ઈરાન તનાવ વચ્ચે સતત વધતાં રહીને બ્રેન્ટ ક્રુડ ૮૧ સેન્ટ વધીને ૬૫.૨૬ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૩૫ સેન્ટ વધીને ૫૭.૪૨ ડોલર નજીક રહ્યા હતા.
આ ઉપરાંત ભારતમાં ચોમાસું વિલંબમાં પડયાના અને આ દાયકામાં પહેલી વખત આટલું ચોમાસું લંબાયાના આઈએમડીના નિવેદન વચ્ચે ચિંતા વધતાં સાવચેતીમાં સપ્તાહના અંતે ફંડો, મહારથીઓએ બેંકિંગ, ફાર્મા, એફએમસીજી, આઈટી, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી કરતાં સેન્સેક્સ ૪૦૭.૧૪ પોઈન્ટ ઘટીને ૩૯૧૯૪.૪૯ અને નિફટી સ્પોટ ૧૦૭.૬૫ પોઈન્ટ ઘટીને ૧૧૭૨૪.૧૦ બંધ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2N5y4wt
via Latest Gujarati News
0 Comments